Gautam Adani: અદાણી ગ્રુપને ગણતરીના કલાકોમાં બીજો ઝટકો! ધડાધડ ₹10,13,27,30,32,800 સંપત્તિ ઘટી ગઈ
ગૌતમ અદાણી અને અન્ય 7 લોકો પર અમેરિકાની એક ફેડરલ કોર્ટ તરફથી અબજો ડોલરની લાંચ અને ફ્રોડ મામલે લાગેલા આરોપો બાદ ગ્રુપની તમામ લિસ્ટેડ કંપનીઓના શેરમાં જોરદાર કડાકા જોવા મળ્યા.
બિઝનેસ ટાઈકૂન ગૌતમ અદાણીની કોંગલોમરેટ અદાણી ગ્રુપ પર આવેલા સમાચારે શેર બજારમાં કોહરામ મચાવી દીધો છે. ગ્રુપના શેરોમાં ગુરુવારે જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. શેર એક બાદ એક નવા લો સ્પર્શી રહ્યા હતા. ગૌતમ અદાણી અને અન્ય 7 લોકો પર અમેરિકાની એક ફેડરલ કોર્ટ તરફથી અબજો ડોલરની લાંચ અને ફ્રોડના આરોપ લાગ્યાના સમાચારો સામે આવ્યા બાદ ગ્રુપની તમામ લિસ્ટેડ કંપનીઓના શેર તૂટ્યા.
ત્યારબાદ નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE એ ગ્રુપની અનેક કંપનીઓ પાસેથી સ્પષ્ટતા માંગી છે. યુએસની કોર્ટમાં જે ચાર્જ ફ્રેમ થયા છે તેના પર એક્સચેન્જે સ્પષ્ટીકરણ માંગ્યુ છે. NSE એ ગુરુવારે કોર્પોરેટ એનાઉન્સમેન્ટ દ્વારા જણાવ્યું કે તેણે ગ્રુપની Ambuja Cement, Adani Total Gas Limited, Adani Power, ACC Ltd., Adani Wilmar, NDTV, Adani Energy Solutions, Adani Enterprises, Adani Green Energy, Adani Ports and Special Economic Zone ને સમાચાર પર વેરિફિકેશન અંગે નોટિસ આપી છે.
અદાણી ગ્રુપની માર્કેટ કેપ
આ બધા વચ્ચે અદાણી ગ્રુપના શેરોમાં વેચાવલી વચ્ચે અદાણી ગ્રુપની માર્કેટ કેપ એક ઝાટકે લગભગ 2.53 લાખ કરોડ ઘટી ગઈ. એટલે કે ગુરુવારે બજાર ખુલ્યાના બે કલાકની અંદર જ કંપનીના અઢી લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા. અદાણીના શેરોમાં કડાકા અને માર્કેટ કેપ ધડામ થવાના કારણે ગૌતમ અદાણીની સંપત્તિ ગણતરીના કલાકોમાં 12 અબજ ડોલર સુધી ઘટી ગઈ. જો ભારતીય રૂપિયામાં જોઈએ તો અમેરિકાથી આવેલા સમાચારને પગલે ગૌતમ અદાણીની સંપત્તિમાં 10,13,27,30,32,800 રૂપિયા ઘટી ગયા. સંપત્તિ ઘટતા જ અબજોપતિઓની યાદીમાં પણ મોટી ઉથલ પાથલ જોવા મળી. ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનર ઈન્ડેક્સમાં ગૌતમ અદાણી જે આ સમાચાર પહેલા 17માં નંબરે હતા તે હવે 25માં નંબરે ધકેલાઈ ગયા. તેમની સંપત્તિ 12 અબજ ડોલર સુધી ગગડીને 57.4 અબજ ડોલર થઈ ગઈ.
લાંચ આપવાના આરોપ બાદ સમૂહની કંપનીઓના શેરમાં ભારે કડાકો જોવા મળ્યો છે. BSE પર સમૂહની પ્રમુખ કંપની અદાણી એન્ટરપ્રાઈસના શેરમાં 22.99 ટકા, અદાણી પોર્ટમાં 20 ટકા, Adani Energy Solutions માં 20 ટકા, અદાણી ગ્રીન એનર્જીમાં 19.53 ટકા અને અંદાણી ટોટલ ગેસમાં 18.14 ટકાનો ઘટાડો આવ્યો છે.
અદાણી પાવરના શેરોમાં 17.79 ટકા, અંબુજા સિમેન્ટ્સમાં 17.59 ટકા. ACC માં 14.54 ટકા, NDTC માં 14.37 ટકા અને Adani Wilmer માં 10 ટકા ઘટાડો જોવા મળ્યો. ગ્રુપની કેટલીક કંપનીઓએ ઈન્ટ્રાડે લો બનાવતા પોતાના લોઅર સર્કિટ હિટ કરી લીધા. ગ્રુપના શેરોમાં આટલો મોટો કડાકો જોવા મળતા સવારના કારોબાર દરમિયાન સમૂહની તમામ 10 લિસ્ટેડ કંપીઓની ટોટલ માર્કેટ કેપમાં 2,45,016.51 કરોડ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. તેની અસર ઘરેલુ બજારમાં પણ જોવા મળી. BSE બેન્ચમાર્ક સેન્સેક્સ 536.89 અંકના ઘટાડા સાથે 77,041.49 અંક અને NSE Nifty 186.75 અંક તૂટીને 23,331.75 પર આવી ગયો હતો.
ગોતમ અદાણી પર શું છે આરોપ
અદાણી ગ્રુપના ચેરમેન અને દેશના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર અમેરિકામાં ગંભીર આરોપ લાગ્યા છે. અદાણી અને સાત અન્ય લોકો પર અમેરિકામાં અબજો ડોલરની લાંચ અને ફ્રોડના આરોપ લાગ્યા છે. ગૌતમ અદાણી વિરુદ્ધ અરેસ્ટ વોરંટ ઈશ્યું થયું હોવાના પણ મીડિયા રિપોર્ટ્સ છે. ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી સહિત 7 લોકો પર સોલર એનર્જી સંલગ્ન કોન્ટ્રાક્ટ માટે ભારતીય અધિકારીઓને 250 મિલિયન ડોલર એટલે કે લગભગ 2110 કરોડ લાંચ આપવાનું વચન આપ્યાના આરોપ લાગ્યો છે. આ સાથે જ અમેરિકી રોકાણકારો પાસેથી ફંડ ભેગુ કરવાની કોશિશ કરતી વખતે તેમણે આ યોજનાને છૂપાવી હતી.