ભારતને મોટો આંચકો, એન્ટીગુઆએ મેહુલ ચોકસીને ભારત મોકલવા કર્યો સાફ ઇન્કાર
માંડ એક લાખ જેટલી વસ્તી ધરાવતા નાનકડા શહેર જેવડા દેશે ભારતના ભાગેડુ આરોપીના પ્રત્યાપર્ણ માટે ચોખ્ખી ના પાડી છે.
નવી દિલ્હી : મહાસત્તા બનવા તરફ આગળ વધી રહેલા ભારત માટે આંચકા રૂપ ઘટના ઘટી છે. માંડ એક લાખ જેટલી વસ્તી ધરાવતા નાનકડા શહેર જેવડા દેશે ભારતના પીએનબી કૌભાંડના ભાગેડુ આરોપીના પ્રત્યાપર્ણ માટે ચોખ્ખી ના પાડી છે. દેશની મોટી બેંક સાથે કરોડોની ઠગાઇ કરી જનાર ભાગેડુ મેહુલ ચોક્સીને ભારત પરત મોકલવાની એન્ટીગુઆએ સ્પષ્ટ નનૈયો ભણ્યો છે. એન્ટીગુઆ સરકારે ફરાર આરોપી મેહૂલ ચોકસીને ભારત મોકલવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. સાથોસાથ એન્ટીગુઆ સરકારે મેહૂલની ધરપકડ કરવાનો પણ નનૈયો ભણ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમન્ટના સુત્રો દ્વારા આ માહિતી જાણવા મળી છે.
ભારતના આરોપી મેહુલ ચોક્સીને એન્ટીગુઆમાં મળ્યું નાગરિકત્વ
સુત્રોના જણાવ્યા અનુસાર એન્ટીગુઆ સરકારે કહ્યું કે, એમનું બંધારણ મેહુલ ચોકસીનું રક્ષણ કરે છે. કારણ કે ચોકસીને નિયમો અનુસાર નાગરિકતા આપવામાં આવી છે. એટલે ના તો એનો પાસપોર્ટ રદ કરી શકાય કે ના એને ભારત પરત મોકલી શકાય. સુત્રો અનુસાર એન્ટીગુઆ સરકારે રાષ્ટ્રમંડલ દેશ અધિનિયમ અંતર્ગત ભારતનો દાવો નથી માન્યો. એન્ટીગુઆ સરકારનું કહેવું છે કે ભારત સાથે એમની કોઇ પ્રત્યાપર્ણ સંધિ થઇ નથી.
બહુચર્ચિત પીએનબી કૌભાંડ વિશે જાણો
અત્રે ઉલ્લેખનિય છે કે, આ પહેલા ગત નવ ઓગસ્ટે ભારત તરફથી કહેવાયું હતું કે, એન્ટીગુઆ અને બારબુડા મેહુલ ચોકસીના પ્રત્યાપર્ણ મામલે વિચાર કરી રહ્યું છે. મેહૂલ ચોકસી ભારતની સૌથી મોટી બેંક સાથેની છેતરપિંડી કેસમાં ફરાર આરોપી છે અને હાલમાં તે કેરેબેયિન દેશમાં રહી રહ્યો છે.
વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના નેતૃત્વમાં એક ભારતીય ટીમે ગત 3જી ઓગસ્ટે એન્ટીગુઆને ચોકસીના પ્રત્યાપર્ણ માટે અપીલ કરી હતી. ચોકસીએ આ બંને દેશનોની નાગરિકતા પ્રાપ્ત કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે આ મુદ્દે પત્રકારોના સવાલોના જવાબ આપતાં કહ્યું હતું કે, અમને જણાવાયું છે કે એન્ટીગુઆ પ્રત્પાપર્ણ મામલે વિચાર કરી રહ્યું છે.