બજેટ 2018 : `આ` કરન્સીને નાણામંત્રીએ ગણાવી દીધી ગેરકાનૂની
અરૂણ જેટલીએ સ્પષ્ટતા કરી દીધી કે એને ભારતમાં નહીં મળે માન્યતા
નવી દિલ્હી : સરકારે બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીઝ પર પોતાનું વલણ સ્પષ્ટ કરીને એને ગેરકાનૂની જાહેર કરી દીધી છે. અરૂણ જેટલીએ સ્પષ્ટતા કરી છે કે સરકાર ક્રિપ્ટોકરન્સીને ભારતમાં માન્યતા નથી આપી રહી. આ પહેલાં પણ સરકાર લોકોને બિટકોઇનમાં રોકાણ કરવા બદલ ચેતવણી આપતી હતી. સરકારે બિટકોઇનની સરખામણી પોન્ઝી સ્કીમ સાથે પણ કરી હતી. બજેટમાં બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સી મામલે અરૂણ જેટલીએ કહ્યું છે કે આ ગેરકાનૂની છે અને એ નહીં ચાલે.
પહેલાં પણ આપી હતી ચેતવણી
વર્ચુઅલ કરન્સી બિટકોઇન મામલે લોકોમાં વધી રહેલી ઉત્સુકતાને જોઈને કેન્દ્ર સરકારે પહેલાં પણ ચેતવણી આપી હતી. રોકાણકારોને એલર્ટ રહેવાનું જણાવતા સરકારે કહ્યું હતું કે આ એક પોન્ઝી સ્કીમની જેવું છે જેમાં નિર્દોષ રોકાણકારો છેતરપિંડીનો ભોગ બને છે. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બિટકોઇન માન્યતા પ્રાપ્ત નથી અને વર્ચુઅલ કરન્સીમાં રોકાણ કરનારા પર પોન્ઝી સ્કીમ જેવું જ જોખમ તોળાતું હોય છે. રોકાણકારોને અચાનક ભારે નુકસાન થઈ શકે છે અને મહેનતની કમાણી રાતોરાત ડુબી શકે છે.
શું છે ક્રિપ્ટોકરન્સી?
બિટકોઇન કોઈ એક દેશની કરન્સી નથી. આ એક ડિજિટલ કરન્સી છે જે કોઈ બેંકમાં નથી રહેતી. આ ક્રિપ્ટોકરન્સી છે જે ક્રિપ્ટોગ્રાફીનો ઉપયોગ કરે છે. આને ડિજિટલ રીતે બનાવવામાં આવી છે. આના મારફત સામાન ખરીદી શકાય છે અને એને વેંચીને પૈસા પણ કમાઈ શકાય છે.