નવી દિલ્હીઃ જીએસટીના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીએ કહ્યું કે, તેનાથી દેશમાં અપ્રત્યક્ષ કરવેરાની જટિલતા ખતમ થઈ છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ પ્રથમવાર કોઈ જાહેર કાર્યક્રમમાં બોલતા જેટલીએ કહ્યું કે, જીએસટીને કારણે ટેક્સ કલેક્શનમાં તો વધારો થયો છે, તે સિવાય જરૂરી વસ્તુ પર ઓછા ટેક્સથી જનતાને રાહત પણ મળી છે. તેમણે કહ્યું કે, ટેક્સ કલેક્શનમાં વધારો થવાને કારણે હવે સરકાર સ્લેબમાં હજુ ઘટાડો કરીને જનતાને રાહત આપી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેટલીએ કહ્યું કે, એડવાન્સ ટેક્સ પેમેન્ટને કારણે આવકમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે, જીએસટીને કારણે ભારત સંગઠિત બજાર બન્યુ છે અને આ મોદી સરકારના મોટા નિર્ણયોમાંથી એક છે. જેટલીએ કહ્યું, ગત વર્ષે અમે જુલાઈમાં દેશની સૌથી જટિલ ટેક્સ સિસ્ટમને ખતમ કરી દીધી હતી. ત્યારે 13 મલ્ટિપલ ટેક્સ અને 5 મલ્ટિપલ રિટર્નની વ્યવસ્થા હતી. ટેક્સ પર ટેક્સ લાગતો હતો. દરેક રાજ્યના પોતાના અલગ અલગ દર હતા અને તે અનુસાર રિટર્ન ફાઇલ કરવું પડતું હતું. દેશના સંઘીય માળખાને ધ્યાનમાં રાખીને આ ટેક્સ તૈયાર કરવામાં આવ્યો છે. 



તમામ ચેકપોસ્ટ થઈ ખતમ, લાઈનો ગાયબ
તેમણે કહ્યું કે, જીએસટી લાવતા પહેલા અમે દરેક રાજ્ય સાથે વિચાર-વિમર્શ કર્યો. જીએસટી કાઉન્સિલની રચના પણ તે પ્રકારે કરવામાં આવી છે કે દેશના તમામ રાજ્યોનું પ્રતિનિધિત્વ તેમાં હોય.  તેમણે કહ્યું કે, આ ખૂબ સરળ છે. આ હેઠળ તમે એકવાર ટેક્સ ભરો છો. એક જ રિટર્ન ફાઇલ કરો છો. દેશભરમાં તમામ ચેકપોસ્ટ ખતમ થઈ ગયો છે અને જટિલતા પણ ખતમ થઈ છે. અમે રેટને વધાર્યા વિના અને ત્યાં સુધી કે ઘટાડા બાદ પણ રેવન્યૂમાં વધારો કરવામાં સક્ષમ થયા છીએ. 


ટેક્સ વધ્યો, હવે રેટ ઘટાડવાની ક્ષમતા વધી
અરૂણ જેટલીએ કહ્યું કે, જીએસટી આવવાને કારણે જૂની અપ્રત્યક્ષ કર વ્યવસ્થાની તુલનામાં 21 ટકાનો વધારો થયો છે. ટેક્સનું કલેક્શન વધ્યું છે, તેનાથી રેટમાં ઘટાડો કરવા અને તેને રૈશનલાઇઝ કરવાની ક્ષમતામાં વધારો થયો છે.