નવી દિલ્લીઃ કોરોના કાળમાં તમામ ધંધા-રોજગારને માઠી અસર પહોંચી છે. એક મેડિકલ સેક્ટર જ કદાચ એવું હતું જેણે કમાણી કરી છે. જોકે, એમાંય મેડિકલ સેક્ટર સાથે જોડાયેલ ઈન્સ્યોરન્સ સેક્ટરને પણ મોટો ફટકો પડ્યો છે. કોરોના કાળમાં એલઆઈસી એટલકે, જીવન વિમા નિગમની પોલિસીઓના વેચાણમાં પણ મોટો ઘટાડો સામે આવ્યો છે. એલઆઈસીના આઈપીઓ બહાર પડવા જઈ રહ્યાં છે ત્યારે એ પહેલાં સામે આવેલી આ પ્રકારની વિગતો ચિંતા ઉપજાવે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના રોગચાળાને કારણે જીવન વીમા નિગમની કુલ વ્યક્તિગત અને ગ્રુપ પોલિસીના વેચાણમાં ઘટાડો થયો છે. LIC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દેશની અગ્રણી વીમા કંપનીની વ્યક્તિગત અને જૂથ પોલિસીનું વેચાણ નાણાકીય વર્ષ 2018-19માં 7.5 કરોડ અથવા 16.76 ટકા ઘટીને નાણાકીય વર્ષ 2019-20માં 6.24 કરોડ થઈ ગયું હતું. નાણાકીય વર્ષ 2020-21માં તે 15.84 ટકા ઘટીને 5.25 કરોડ થઈ ગયો છે.


કંપનીએ કહ્યું છે કે રોગચાળા અને તેના કારણે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે 2019-20ના ચોથા ક્વાર્ટરમાં વ્યક્તિગત પોલિસીનું વેચાણ 22.66 ટકા ઘટીને 63.5 લાખ થઈ ગયું છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 82.1 લાખ હતું. તેની અસર 2020-21 અને 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પણ જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન, તે અનુક્રમે 46.20 ટકા ઘટીને 19.1 લાખ અને પછી 34.93 ટકા ઘટીને 23.1 લાખ થયું હતું.


આ સિવાય તમને જણાવી દઈએ કે ભારતીય જીવન વીમા નિગમ પાસે સપ્ટેમ્બર 2021 સુધી 21,539 કરોડ રૂપિયાનું એવું ફંડ હતું, જેમાં ‘દાવેદારો’ નહોતા. LIC દ્વારા સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા સાથે સબમિટ કરવામાં આવેલા પ્રારંભિક જાહેર ભરણા IPO દસ્તાવેજમાંથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. દસ્તાવેજો અનુસાર આમાં દાવો ન કરેલી રકમ પર વ્યાજ પણ સામેલ છે.


દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે માર્ચ 2021 સુધીમાં અનક્લેઈમ ફંડ રૂ. 18,495 કરોડ અને માર્ચ, 2020ના અંતે રૂ. 16,052.65 કરોડ હતું. તે જ સમયે માર્ચ, 2019ના અંત સુધીમાં આ રકમ રૂ. 13,843.70 કરોડ હતી. દરેક વીમા કંપનીએ પોતાની વેબસાઈટ પર 1,000 રૂપિયા કે તેથી વધુની દાવા વગરની રકમની વિગતો મૂકવી પડશે. વેબસાઇટને પોલિસીધારકો અથવા લાભાર્થીઓને દાવો ન કરેલી રકમની ચકાસણીની સુવિધા પણ પૂરી પાડવાની જરૂર છે.


ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા દાવો ન કરાયેલી રકમ અંગેના પરિપત્રમાં આ અંગેની કાર્યવાહીની વિગતો આપવામાં આવી છે. આ પ્રક્રિયાઓમાં દાવો ન કરેલી રકમની ચુકવણી, પોલિસીધારકોને માહિતી, એકાઉન્ટિંગ અને રોકાણની આવકનો ઉપયોગ વગેરેનો સમાવેશ થાય છે.