નવી દિલ્હી: માર્ચના અંતિમ અઠવાડિયામાં બેંકો ચાર દિવસ માટે બંધ રહેશે. સતત આવતા તહેવારોના કારણે બેંકોમાં પણ રજાઓ રહેશે. 4 દિવસનો લાંબો વિકએન્ડ હોવાના કારણે બેંકોમાં રજાઓ રહેશે. 29 માર્ચથી લઈને 1 એપ્રિલ સુધી બેંકોમાં કોઈ કામકાજ થશે નહીં. જો તમારે ચેક જમા કરાવવાના હોય, ડ્રાફ્ટ બનાવવાના હોય, રૂપિયા જમા કરવાના હોય કે કાઢવાના હોય તો આ વાત ખાસ ધ્યાનમાં રાખજો. આ તારીખોમાં તમે બેંક સંબંધિત કોઈ કામ કરી શકશો નહીં. જો કે ઓનલાઈન બેંકિંગનો ઉપયોગ કરી શકશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

4 દિવસો સુધી બેંકો રહેશે બંધ
વાત જાણે એમ છે કે 29 માર્ચના રોજ ભગવાન મહાવીર જયંતીની રજા છે. જેના કારણે બેંકો અને સરકારી ઓફિસો બંધ રહેશે. 30 માર્ચે ગુડ ફ્રાઈડે છે, આથી બેંકો અને સરકારી ઓફિસોમાં રજા હશે. 31 માર્ચ બેંકો માટે ક્લોઝિંગ ડેટ હોય છે જેના કારણે બેંકો ગ્રાહકો સાથે લેવડદેવડ કરતી નથી. 31 માર્ચના રોજ શનિવાર પણ છે. જો કે આ પાંચમો શનિવાર હોવાના કારણે બેંકો તો બંધ નહીં હોય પંરતુ બેંકો આ દિવસે કોઈ લેવડદેવડ કરતી નથી. ત્યારબાદ 1 એપ્રિલના રોજ રવિવારની રજા છે.


બધુ કામ જલદી જલદી પતાવી લેજો
આવામાં તમારે બેંકો અને સરકારી ઓફિસો સંબંધિત કોઈ કામ હોય તો જલદી જલદી પતાવી લેજો. બેંકિંગ, વીમો, આવકવેરા જેવા જરૂરી કામો 28 માર્ચ સુધીમાં પૂરા કરી લેજો. નહીં તો તમારે 2 એપ્રિલ સુધી તેની રાહ જોવી પડશે. અત્રે જણાવવાનું કે આ 4 દિવસોમાં ડ્રાફ્ટ નહીં બને, ચેક ક્લિયર નહીં થાય અને કોઈ સરકારી કામ પણ નહીં થઈ શકે.


એટીએમમાં કેશની થઈ શકે છે સમસ્યા
સતત ચાર દિવસની રજા હોવાના કારણે એટીએમમાં પણ કેશની સમસ્યા સર્જાઈ શકે છે. કારણ કે બેંકો રોજના આધારે એટીએમનું ફિલિંગ  કરે છે. આવામાં બેંકો બંધ થવાના કારણે એટીએમ ફિલિંગ ઉપર પણ અસર પડશે. જો કે બેંક અધિકારીઓનું કહેવું છે કે બેંકો રજાને ધ્યાનમાં રાખીને અગાઉથી પ્લાનિંગ કરે છે. આથી કેશની મુશ્કેલીઓ પડવી જોઈએ નહીં.