નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો વચ્ચે સરકાર પર સામાન્ય જનતાને નિચોડી નાખવાનો આરોપ લગાવતા કોંગ્રેસે આજે ભારત બંધનું આહ્વાન કર્યુ છે. હવે સવાલ એ ઉઠે છે કે ભજાપની જગ્યાએ કોંગ્રેસ સત્તામાં હોત તો પેટ્રોલિયમ પદાર્થોના વધતા ભાવો ઓછા કરવા માટે શું કરત? તેનો જવાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે થોડા સમય પહેલા આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પી ચિદમ્બરમે પેટ્રોલિયમ પદાર્થોને વસ્તુ અને સેવા કર(જીએસીટી) હેઠળ લાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 'જો તમે પેટ્રોલ અને ડીઝલને જીએસટીની અંદર લાવશો તો ભાવ ઓછા થશે.' આ આધાર પર કોંગ્રેસની માગણી છે કે હાલના બજારના પરિપેક્ષ્યમાં જો પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ આવરી લેવાય તો પેટ્રોલિયમ પેદાશોના ભાવ 15થી 18 રૂપિયા ઓછા થઈ શકે છે. 


આ સાથે જ પી ચિદમ્બરમે થોડા સમય પહેલા એમ પણ કહ્યું હતું કે ક્રુડ ઓઈલના ભાવોમાં ઘટાડો થવાના કારણે કેન્દ્ર સરકાર પ્રતિ લીટર પેટ્રોલ પર 15 રૂપિયા બચાવી રહી છે. આ ઉપરાંત સરકાર તરફથી એક લીટર પેટ્રોલ પર 10 રૂપિયાનો વધારાનો ટેક્સ પણ લગાવવામાં આવી રહ્યો છે. આ રીતે બંનેને મેળવીને પેટ્રોલનો ભાવ કિંમતે 25 રૂપિયા પ્રતિ લીટર સુધીની રાહત જનતાને આપી શકાય છે. 


પેટ્રોલ-ડીઝલના ભાવ
અત્રે જણાવવાનું કે આજે પેટ્રોલ ડીઝલના ભાવોમાં રેકોર્ડ સ્તર પર વધારો જોવા મળ્યો. સોમવારે દિલ્હીમાં પેટ્રોલ 0.23 પૈસા પ્રતિ લીટર વધીને 80.73 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું. ડીઝલના ભાવ 0.22 પૈસા પ્રતિ લીટર વધીને 72.83 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો. મુંબઈમાં આજે પેટ્રોલના ભાવ 0.23 પૈસા વધીને 88.12 રૂપિયા પ્રતિ લીટર થયો. ડીઝલના ભાવમાં 0.23 પૈસાનો વધારો થતા 77.32 રૂપિયા પ્રતિ લીટર થયો. 


ક્રુડના ભાવમાં વધારો
હાલમાં જ્યારે ચિદમ્બરે 25 રૂપિયામાં ઘટાડા અંગે વાત કરી હતી ત્યારે ક્રુડ ઓઈલના ભાવોમાં ઘટાડો ચાલી રહ્યો હતો. પરંતુ આમ છતાં પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા થયા નહતાં. હવે છેલ્લા એક મહિનાથી ક્રુડ ઓઈલના ભાવોમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. ભાવોમાં 7 ડોલર પ્રતિ બેરલનો વધારો થયો છે. ઈરાન પર અમેરિકી પ્રતિબંધોથી સ્થિતિ વધુ બગડવાના એંધાણ છે. હકીકતમાં ઈરાનની ક્રુડ ઓઈલ નિકાસમાં ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે ઓઈલના ભાવોમાં વધારો થયો છે. આ બાજુ પશ્ચિમ એશિયામાં પણ તણાવના કારણે ક્રુડના ભાવમાં ઉછાળો છે. તથા સાઉદી અરબે યમનમાં જંગ છેડી છે. આ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓને ક્રુડ ઓઈલના વધતા ભાવોના પ્રમુખ કારણો ગણાવવામાં આવી રહ્યાં છે. 


70 વર્ષમાં ક્યારેય પેટ્રોલના ભાવ આટલા નહતાં વધ્યાં
આ બધા વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે દેસમાં વધી રહેલા પેટ્રોલના ભાવોના મુદ્દે મોદી સરકારને ઘેરી. ભારત બંધનું આહ્વાન કરીને દિલ્હીના રામલીલા મેદાનમાં ધરણા પર બેઠેલા રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ જ્યાં જાય છે ત્યાં તોડવાનું કામ કરે છે. મોદી સરકારે યુવાઓને રોજગારી આપી નથી. દેશભરમાં શૌચાલય બનાવડાયા પંરતુ ત્યાં પાણીની સગવડ કરી નથી. છેલ્લા 70 વર્ષમાં રૂપિયો આટલો ક્યારેય ગગડ્યો નથી. પરંતુ આમ છતાં મોદીજી તેના પર ચૂપ છે.