US Stock Market : શેરબજારમાં જબરદસ્ત કડાકો બોલાયો છે. સેન્સેક્સ 2600 અંક તૂટી ગયો છે. ગયા સપ્તાહના છેલ્લા દિવસે પણ શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને ઘણી મોટી કંપનીઓના શેર પત્તાની માફક વેરવિખેર થઈ ગયા હતા. અમેરિકામાં મંદીની આહટથી અમેરિકી શેરબજાર હચમચી ગયું હતું ત્યારે તેની સીધી અસર ભારતીય બજાર પર પણ જોવા મળી હતી. હવે અઠવાડિયાનો પ્રથમ બિઝનેસ ડે, સોમવાર પણ 'બ્લેક મન્ડે' જેવો દેખાઈ રહ્યો છે. જ્યારે પ્રી-ઓપનમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો થયો હતો, જ્યારે બજાર ખુલતાંની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ઘટી ગયા હતા. BSE સેન્સેક્સ 80,000 ની નીચે ખુલ્યો હતો. જાપાનના બજારમાં પણ મોટો કડાકો નોંધાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેન્સેક્સ આજે ખુલતાની સાથે જ તૂટી ગયો
સોમવારે શેરબજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ  (Share Market)ઇન્ડેક્સ તેના અગાઉના બંધની સરખામણીએ 1200 પોઈન્ટના ઘટાડા સાથે 79,700.77 પર ખુલ્યો હતો. અગાઉ ગયા શુક્રવારે ભારતીય શેરબજારમાં સુનામી જેવો માહોલ હતો. BSE સેન્સેક્સ 885.60 પોઈન્ટ અથવા 1.08% ઘટીને 80,981.95 પર બંધ થયો. જ્યારે નિફ્ટી 50ની વાત કરીએ તો તે 293.20 પોઈન્ટ ઘટીને 24,717.70ના સ્તરે બંધ રહ્યો હતો.


પ્રી-ઓપનિંગમાં જ એવા સંકેતો મળી ગયા હતા કે શેરબજારનું કેવું વલણ રહેશે. વાસ્તવમાં, પ્રી ઓપનમાં સેન્સેક્સ 3000 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો, જ્યારે નિફ્ટીમાં 700 પોઈન્ટનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો. બજાર ખુલ્યાની માત્ર 10 મિનિટની અંદર, પ્રારંભિક ઘટાડો વધુ વધ્યો, જેના કારણે સેન્સેક્સ 1,585.81 પોઈન્ટ અથવા 1.96% ઘટીને 79,396.14 ના સ્તરે, જ્યારે નિફ્ટી 499.40 પોઈન્ટ અથવા 2.02% ઘટીને 24,218 ના સ્તર પર આવી ગયો.


બજાર વધતાં આ ઘટાડો વધુ વધ્યો અને શેરબજારમાં અંધાધૂંધી વચ્ચે સવારે 11.30 વાગ્યા સુધીમાં BSE સેન્સેક્સ 2,653 પોઈન્ટ ઘટીને 78,295.60ના સ્તરે પહોંચ્યો છે. આ સાથે NIFTY-50 પણ 707.85 પોઈન્ટ અથવા 2.54% ઘટીને 24,010.85 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.


રોકાણકારોએ આટલા રૂપિયા ગુમાવ્યા
શેરબજારમાં તીવ્ર વેચવાલીથી રોકાણકારોને લગભગ 14 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સોમવાર 5 ઓગસ્ટના રોજ સવારે 11:40 વાગ્યા સુધીમાં, BSE પર લિસ્ટેડ કંપનીઓનું એકંદર માર્કેટ કેપ રૂ. 440 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. શુક્રવારે તે અંદાજે રૂ. 457 લાખ કરોડ હતું  સ્ટોક માર્કેટમાં આવેલા આ ભૂકંપના કારણે રોકાણકારોના 14 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા. 


છેવટે, અમેરિકામાં શું થયું?
અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ PMI ડેટામાં મોટો ઘટાડો થયો છે, જે સંકેત આપી રહ્યું છે કે અમેરિકામાં મંદી આવી શકે છે. આ ઉપરાંત, બેરોજગારોની સંખ્યામાં પણ રેકોર્ડ વધારો થયો છે, જેની સીધી અસર અમેરિકન બજાર પર પડી છે. આઇટી સેક્ટરમાં છટણીની જાહેરાતને કારણે સંકટ વધુ ઘેરી બન્યું છે, જેના કારણે વૈશ્વિક આઇટી ક્ષેત્ર પણ ભારે દબાણ હેઠળ છે.


આ 10 શેર પત્તાની માફક તૂટી પડ્યા
શેરબજારમાં આવેલા ભૂકંપ વચ્ચે BSEના 30માંથી 28 શેર લાલ નિશાનમાં ખુલ્યા હતા. જો સૌથી વધુ ઘટતા 10 શેરની વાત કરીએ તો લાર્જ કેપ કંપનીઓમાં સમાવિષ્ટ ટાટા ગ્રૂપની ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સનો શેર 4.28%, ટાટા સ્ટીલ શેર 3.89%, મારુતિ શેર 3.19%, અદાણી પોર્ટ શેર 3.26%, જેએસડબ્લ્યુ. સ્ટીલ શેર 3.21%, SBI શેર 3.19%, M&M શેર 3.15%, ટાઇટન 3.10%, LT શેર 3% અને રિલાયન્સ શેર 2.27% ઘટ્યો હતો.


કેમ ધડામ થયા બજાર
બજારમાં હાહાકાર પાછળ અનેક કારણો જોવા મળ્યા છે અને તેના મૂળમાં ગ્લોબલ બજારો છે. વાત જાણે એમ છે કે ગ્લોબલ બજારોમાં હાહાકાર મચ્યો છે. જાણો કેમ?


1. અમેરિકામાં મંદીના ડરથી બજારમાં નબળાઈ આવી હતી. નબળા આર્થિક આંકડાઓના પગલે હવે મંદીનો ડર સતાવી રહ્યો છે. વાત જાણે એમ છે કે જોબ ડેટા પણ અંદાજથી નબળા રહ્યા, ઉપરથી બેરોજગારીનો દર વધીને 4.3% પર પહોંચી ગયો. અમેરિકામાં બેરોજગારી દર 3 વર્ષની ઊંચાઈ પર પહોંચ્યો છે. જુલાઈમાં 4.1 ટકાના અંદાજાની સરખામણીમાં વધીને 4.3 ટકા થયો. જ્યારે નવી નોકરીઓની સંખ્યા પણ અંદાજા કરતા ઓછી છે. આવામાં શુક્રવારે ડાઓ 600 અંક ગગડ્યો તો નાસ્ડેક સવા ચારસો અંક તૂટીને લાઈફ હાઈથી 10 ટકા નીચે આવી ગયો હતો. 


2. અમેરિકી બજારોને મિડલ ઈસ્ટનો તણાવ પણ સતાવી રહ્યો છે. ઈઝરાયેલ, હમાસ અને ઈરાન વચ્ચે તણાવ વધવાની આશંકા છે. અમેરિકાએ ઈરાનને હુમલો ન કરવાની ચેતવણી પણ આપી છે. 


3. ઉપરથી અમેરિકામાં પરિણામોનો પણ સહારો મળી રહ્યો નથી. અમેઝોન, ઈન્ટેલના પરિણામોએ નિરાશ કર્યા. 


4. દિગ્ગજ રોકાણકાર Warren Buffet એ એપલમાં પોતાની 50 ટકા ભાગીદારી વેચી છે. આ પણ બજાર માટે એક મોટું ટ્રિગર છે. 


5. જાપાનમાં યેન Carry Trade ખતમ થવાનો ડર સતાવી રહ્યો છે. હકીકતમાં ડોલરની સરખામણીમાં જાપાનનો યેન 7 મહિનાની ઉંચાઈ પર છે. બજાર ચિંતિત છે કે યેન Carry Tradeના રિવર્સ થવાથી ગ્લોબલ વેચાવલી આવશે. જાપાનમાં રેટ્સ વધવાથી અને અમેરિકામાં રેટ્સ ઘટવાથી Carry Trade પર નેગેટિવ અસર પડશે. આ નેગેટિવ અસરના કારણે બજાર અમેરિકી એસેટ્સને વેચી રહ્યા છે. આ Carry Trade ની unwinding થી આગળ વધુ વેચાવલી શક્ય છે. 


- આર્થિક મંદીની આશંકામાં ક્રૂડ ઓઈલ શુક્રવારે 3.5 ટકાતૂટીને 7 મહિનાના નીચલા સ્તર પર 77 ડોલર નીચે ગગડ્યું. ડોલર ઈન્ડેક્સ સરકીને લગભગ 5 મહિનાના નીચલા સ્તરે 103 પાસે હતો જ્યારે અમેરિકામાં 10 વર્ષા બોન્ડ યીલ્ડ વર્ષભરમાં પહેલીવાર 3.8 ટકાની નીચે ગગડ્યા. 


Disclaimer : શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.)