Petrol-Diesel Price Hike Update: મોદી 3.0 ની રચના થતા જ પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ એક મોટી જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે આ વખતે સરકાર પેટ્રોલ, ડીઝલ અને નેચરલ ગેસ જેવા ઉત્પાદનોને GSTના દાયરામાં લાવવાના તમામ પ્રયાસો કરશે. જો પેટ્રોલ અને ડીઝલ જીએસટીમાં આવ્યા તો ગ્રાહકોને મોટો ફાયદો થઈ જશે. જોકે, સરકારો આ મામલે કેવો રિસ્પોન્સ આપે છે એ પણ અગત્યનું છે. મોદી સરકાર સતત પ્રયાસો કરી રહી છે પણ એમને સફળતા મળી રહી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં લોકસભાની ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી સરકાર 'મોદી 3.0'ની શપથ વિધી પૂર્ણ થઈ છે અને મંત્રીઓ કામે લાગ્યા છે. આ ઉપરાંત 72 મંત્રીઓમાં મંત્રાલયો પણ વહેંચવામાં આવ્યા છે. હરદીપ સિંહ પુરીને ફરી એક વાર પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે અને તેમણે કાર્યભાર સંભાળતાની સાથે જ એક મોટી જાહેરાત કરી છે.


કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીનું કહેવું છે કે આ વખતે કેન્દ્ર સરકાર પેટ્રોલ, ડીઝલ અને કુદરતી ગેસ જેવી ચીજવસ્તુઓને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના દાયરામાં લાવવાનો પ્રયાસ કરશે. તેનાથી સામાન્ય લોકોને મોટી રાહત મળશે.


પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણને GSTના દાયરામાં લાવવાનો આ પ્રયાસ નવો નથી. GST સિસ્ટમ અમલમાં આવી ત્યારથી અને ત્યારબાદ GST કાઉન્સિલની રચના થઈ ત્યારથી આ માટેના પ્રયાસો થઈ રહ્યા છે. જીએસટી કાઉન્સિલની લગભગ દરેક બેઠકમાં આ બાબતને આગળ કરવામાં આવી છે. પરંતુ આ અંગે રાજ્યો વચ્ચે હજુ સુધી સહમતિ બની શકી નથી.


પેટ્રોલ અને ડીઝલ પરનો વેટ રાજ્ય સરકાર માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે. આવી સ્થિતિમાં, રાજ્ય સરકારો પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ આવવાને કારણે તેમની આવકમાં નુકસાન સહન કરવા માંગતી નથી. આ સિવાય રાજ્યોને દારૂ પરના ટેક્સમાંથી પણ મુખ્ય આવક મળે છે. જોકે, નાણામંત્રી નિર્મલા સીતારમણે ગયા વર્ષે નવેમ્બરમાં કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાથી ગ્રાહકોને સૌથી વધુ ફાયદો થશે. દેશભરમાં લોકોએ તેના માટે અલગ-અલગ કિંમતો ચૂકવવી પડશે નહીં.


20% ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક-
પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાની સાથે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે સરકારે 2030 સુધીમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવાનું લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ હવે તે આગામી વર્ષ એટલે કે 2025 સુધીમાં જ પૂર્ણ થવાની આશા છે. આ સાથે તેમણે કહ્યું કે સરકાર પેટ્રોલિયમ સેક્ટરના PSUમાં હિસ્સો વેચવાના પક્ષમાં નથી.