બજેટ 2019 : ઇન્કમ ટેક્સ સ્લેબમાં થશે ઐતિહાસિક સુધારો, નોકરીયાતને મળી શકે છે મોટી રાહત
Budget 2019 : મોદી સરકારના છેલ્લા બજેટ આડે ગણતરીના દિવસો જ હવે બાકી રહ્યા છે. ચૂંટણી ( Loksabha Election 2019 ) વર્ષમાં મોદી સરકાર અંતિમ વચગાળાનું બજેટ 2019 ( interim budget 2019 ) રજૂ કરશે. એવામાં એવો અંદાજો લગાવાઇ રહ્યો છે કે, મોદી સરકારનું આ વખતનું બજેટ ઐતિહાસિક હશે અને ઇન્કમ ટેક્સમાં ઘણા સુધારા કરાશે જેમાં નોકરીયાતોને મોટી રાહત થઇ શકે છે.
નવી દિલ્હી : મોદી સરકારના આખરી બજેટ આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. લોકસભા ચૂંટણી આ વર્ષે યોજાનાર હોવાથી મોદી સરકાર દ્વારા આગામી મહિને વર્ષ 2019 માટે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે. ચૂંટણીને જોતાં મોદી સરકાર દ્વારા આ બજેટમાં ઘણી રાહતો આપવામાં આવશે એવો અંદાજો લગાવાઇ રહ્યો છે. નોકરીયાતોને આ બજેટ મોટી રાહત આપનારૂ સાબિત થઇ શકે એમ છે.
નાના કરદાતાઓને મોટી રાહત
નાણા મંત્રાલયના સુત્રોના અનુસાર, સરકાર આ બજેટમાં ટેક્સમાં મોટી રાહત આપી શકે છે. જેમાં ખાસ કરીને નાના કરદાતાઓને મોટી રાહત આપવામાં આવી શકે એમ છે. જોકે સરકારે આ અંગે ઘણો વિચાર કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જો સુત્રોના દાવા સાચા પડે તો સ્પષ્ટ વાત છે કે આ વચગાળાના બજેટમાં ઇન્કમ ટેક્સમાં ઘણા સુધારા કરવામાં આવશે અને જેનાથી નાના કરદાતાઓ અને નોકરિયાતોને મોટો ફાયદો થઇ શકે એમ છે.
ઇન્કમ ટેક્સ બદલાઇ શકે છે...
સુત્રોનું માનીએ તો સરકાર ઇન્કમ ટેક્સ સ્લેૂમાં ફેરફાર કરવા જઇ રહી છે. જો ઇન્કમ ટેક્સમાં બદલાવ કરવામાં આવે તો નાના કરદાતાઓને મોટી રાહત મળી શકે એમ છે. હાલમાં ટેક્સ સ્લેબમાં 2.50 લાખ રૂપિયા સુધીની આવકવાળા લોકોને છૂટ છે. આ ઉપરાંત 2.50 લાખથી 5 લાખ રૂપિયા વચ્ચે 5 ટકાનો ટેક્સ છે. સુત્રોનું માનીએ તો ટેક્સ સ્લેબ વધારી શકાય છે.
નવા સ્લેબની વિચારણા થઇ શકે છે...
બીજો વિકલ્પ એ છે કે, હાલના ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર કરવામાં ન આવે એક નવો સ્લેબ મુકવામાં આવી શકે છે. આ સ્લેબ 10 ટકાનો હોઇ શકે છે. જેમાં 5-10 લાખ રૂપિયાની આવકવાળા લોકોને ઘણી રાહત થઇ શકે એમ છે. હાલમાં 5-10 લાખ વચ્ચે 20 ટકા ટેક્સ લાગે છે. સરકાર 10 લાખ સુધીની આવકવાળા લોકોને 10 ટકા ટેક્સ સ્લેબમાં લાવી શકે છે. હાલમાં ઇન્કમ ટેક્સમાં 5 ટકા, 20 ટકા અને 30 ટકાનો સ્લેબ છે.
વધી શકે છે સ્ટાર્ન્ડડ ડિડક્શન
ત્રીજો વિકલ્પ એ પણ છે કે સરકાર સ્ટાર્ન્ડડ ડિડક્શનની લીમિટ વધારી શકે છે. હાલની સ્થિતિમાં સ્ટાર્ન્ડડ ડિડક્શન અંતર્ગત 40 હજાર રૂપિયાની છૂટ આપવામાં આવે છે. આ રકમને વધારી શકાય છે. વર્ષ 2018ના બજેટમાં 40000 રૂપિયાનો સ્ટાર્ન્ડડ ડિડક્શન સ્લેબ લાવવામાં આવ્યો હતો. જેમાં ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, મેડિકલ રિઇન્બર્સમેન્ટ અને અન્ય એલાઉન્સને પરત લેવાયા હતા.
80C અંતર્ગત છૂટ વધીને 3 લાખ રૂપિયા
ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી)એ વ્યક્તિગત આવકવાળા ટેક્સ પેયરને નિયત કરેલ રોકાણ યોજનાની કલમ 80 C અંતર્ગત મળનાર છૂટ વધારીને 3 લાખ રૂપિયા કરવાની ભલામણ કરી છે. ફિક્કીનું કહેવું છે કે, જેનાથી વ્યકિતગત રોકાણને પ્રોત્સાહન મળશે. જો સરકાર આ ભલામણને માને તો આ છૂટ વધી શકે એમ છે.