Gold Silver Price: દિવાળી સુધી સોનું કેમ થઈ શકે છે સસ્તું? જાણો શું છે હાલનો ટ્રેન્ડ
Gold Silver Price Hike: હાલ ભલે સોના અને ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળ્યો હોય, પણ નિષ્ણાતોનું માનીએ તો જો સોનાનો ભાવ 49,650 રૂપિયાના સ્તરથી નીચે જશે તો સોનાના ભાવ 48 હજાર રૂપિયા સુધી નીચા આવી શકે છે. આ સ્તરથી સોનાનાં ભાવ 46,600 રૂપિયા સુધી પણ તૂટી શકે છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ તહેવારોની મોસમમાં સોનાની ખરીદી વધી જતી હોય છે. નિષ્ણાતોનું માનીએ તો દિવાળી પર સોનું સસ્તું થઈ શકે છે. જો કે હાલ સોનાની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. 50 હજાર રૂપિયાની સપાટીએ આવ્યા બાદ સોનાની કિંમતો ફરી વધારા તરફી છે. MCX પર 10 ગ્રામ સોનાની કિંમત વધીને 51,400 રૂપિયાની આસપાસ પહોંચી હતી. ચાંદીની કિંમતો પણ વધીને 61,500ની આસપાસ છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ સોના અને ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી છે.
હાલ ભલે સોના અને ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળ્યો હોય, પણ નિષ્ણાતોનું માનીએ તો જો સોનાનો ભાવ 49,650 રૂપિયાના સ્તરથી નીચે જશે તો સોનાના ભાવ 48 હજાર રૂપિયા સુધી નીચા આવી શકે છે. આ સ્તરથી સોનાનાં ભાવ 46,600 રૂપિયા સુધી પણ તૂટી શકે છે. જેનાથી સોનાની ખરીદી કરવા લોકોને એક સારી તક મળશે. કેમ કે પછી લાંબા ગાળે સોનાની કિંમતોમાં તેજી જોવા મળશે.
અમદાવાદમાં હાજર બજારમાં સોનાની (24 કેરેટ) કિંમત 52,600 રૂપિયાની આસપાસ છે. અગાઉ 16મી સપ્ટેમ્બરે શહેરમાં સોનાની કિંમત 49,112 રૂપિયાના તળિયે આવ્યા હતા. ભારતમાં માર્ચ 2022 બાદથી સોનાના ભાવ ઘટાડા તરફી છે. જો કે નવરાત્રિથી તહેવારની સીઝન શરૂ થતાં હવે ભાવ ફરી ઉંચકાયા છે. જો કે વૈશ્વિક બજારોમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે...જેનું કારણ છે ડોલરને મજબૂત રાખવા માટે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં કરાયેલો વધારો.
સોનું ખરીદતા સાવચેતી રાખો-
જો તમે બજારમાં સોનું ખરીદવા જઈ રહ્યા છો, તો હોલમાર્ક જોઈને જ સોનું ખરીદો. સોનાની શુદ્ધતા ચકાસવા માટે તમે BISના મોબાઈલ એપ ‘BIS Care app’નો ઉપયોગ કરી શકો છો. આ એપ દ્વારા તમે સોનાની શુદ્ધતા અંગે ફરિયાદ પણ કરી શકો છો.