મહિને 90 રૂપિયામાં કામ કરનાર આ ગુજરાતી આજે છે રૂ. 4000 કરોડની કંપનીનો માલિક
ચંદુભાઈ વિરાણીએ (Chandubhai Virani) ઘણી તંગદીલીઓ જોઈ છે. એક સમય એવો આવ્યો કે જ્યારે તેમણે સિનેમાઘરોમાં ફાટેલી સીટો સીવવી પડી અને મહિને 90 રૂપિયામાં કામ કરવું પડ્યું હતું. આજે તેઓ 4000 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીના માલિક છે.
Chandubhai Virani: ચંદુભાઈ વિરાણીએ ક્યારેય વિચાર્યું ન હતું કે તેઓ ક્યારેય રૂ. 4000 કરોડની કંપનીના માલિક બનશે. માત્ર થોડાક હજાર રૂપિયાથી પોતાના બિઝનેસનો પાયો નાખનાર આ બિઝનેસમેને પોતાની મહેનતના કારણે આજે પોતાનું નામ આસમાનમાં છાપ્યું છે. ચંદુભાઈ (Chandubhai Virani) સતત મહેનત કરતા રહ્યા અને અંતે સફળતાએ તેમના પગ ચૂમ્યા. આજે તેમની બ્રાન્ડને કોઈના નામની જરૂર નથી. જો કે, સામાન્ય લોકો તેમના નામ કરતાં તેમની બ્રાન્ડ બાલાજી વેફર્સનું (Balaji Wafers) નામ સારી રીતે જાણે છે.
બાલાજી વેફર્સ શરૂ કરતા પહેલા ચંદુભાઈ વિરાણીએ (Chandubhai Virani) લાંબો સમય સંઘર્ષ કર્યો હતો. તેમનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો અને તેમણે માત્ર 10મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો. ચંદુભાઈ અને તેમના ભાઈઓ મેઘજીભાઈ (Meghjibhai) અને ભીખુભાઈએ (Bhikhubhai) સૌ પ્રથમ કૃષિ ઉત્પાદનો અને સાધનો બનાવવાનું શરૂ કર્યું. આ માટે તેમણે રાજકોટમાં રૂ.20,000નું રોકાણ કર્યું હતું. સખત મહેનત કરવા છતાં, તે ફક્ત 2 વર્ષ માટે જ પોતાનું સ્ટાર્ટઅપ ચલાવી શક્યા અને અંતે તેમણે તેને બંધ કરવું પડ્યું.
ચંદુભાઈ ભાડું પણ ચૂકવી શકતા ન હતા-
ધંધો બંધ થયા પછી બધા ભાઈઓએ ઘણા ઉતાર-ચઢાવ જોયા. રોજીરોટી કમાવવા માટે તેમણે સિનેમા હોલની સીટો રિપેર કરવાથી લઈને ફિલ્મના પોસ્ટરો ચોંટાડવા સુધીનું કામ કરવું પડતું હતું. ચંદુભાઈ સિનેમાની કેન્ટીનમાં પણ કામ કરતા. કામ ગમે તે હોય, તેમણે દિલથી મહેનત કરી. તેઓ મહિને 90 રૂપિયામાં કામ કરતા હતા. ખરાબ દિવસો હજુ પૂરા થયા ન હતા. એક સમય એવો આવ્યો જ્યારે ભાડું ન ચૂકવવાને કારણે તેણે પોતાનું સ્થાન છોડવું પડ્યું. જોકે બાદમાં તેમણે ભાડું ચૂકવી દીધું હતું.
પરંતુ, એવું કહેવાય છે કે દરેક દિવસ એક સરખો નથી હોતો, તેથી તે દિવસ આવ્યો જ્યારે તેઓ પોતાની મહેનતથી દેવામાંથી મુક્ત થયા. દિવસો બદલાવા લાગ્યા. તેમને સિનેમાની કેન્ટીનમાં 1000 રૂપિયા મહિને કોન્ટ્રાક્ટ મળ્યો હતો. જો સાચા બિઝનેસમેનને એત તિનકાનો પણ સહારો મળે તો તે નદી પાર કરી શકે છે. કેન્ટીનનો આ નાનકડો કોન્ટ્રાક્ટ તેમના માટે જીવનની નૈયા પાર કરાવવા જેવો રહ્યો. ચંદુભાઈ વિરાણીએ ફરી એકવાર 10,000 રૂપિયા ભેગા કર્યા અને ઘરે હોમ મેડ ચિપ્સ બનાવવાનું શરૂ કર્યું. ચિપ્સની ગુણવત્તા અને સ્વાદ એટલો સારો હતો કે તેમને ઘણી પ્રશંસા મળી. સિનેમાની બહારથી પણ માંગ આવવા લાગી. ત્યારપછી તેમણે પોતાના ઘરમાં કામચલાઉ શેડની નીચે ચિપ્સ બનાવી.
અહીંથી જ ચંદુભાઈ વિરાણીની સફળતાની પાંખો લહેરાવા લાગી. જેમ જેમ કામ આગળ વધવાનું શરૂ થયું તેમ તેમ 1989માં તેમણે આજી જીઆઈડીસી (Aji GIDC) વિસ્તારમાં ગુજરાતની સૌથી મોટી પોટેટો વેફર (Potato Wafer) ફેક્ટરી (જ્યાં બટાકાની વેફર બનાવવામાં આવતી હતી)ની સ્થાપના કરી. જોકે, આ માટે તેમણે પોતાના નફાની સાથે બેંકમાંથી 50 લાખ રૂપિયાની લોન પણ લીધી હતી.
બાદમાં ત્રણેય ભાઈઓએ મળીને 1992માં બાલાજી વેફર્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીનો પાયો નાખ્યો. ત્રણેય ભાઈઓ ભગવાન હનુમાનના ભક્ત હોવાથી, તેઓએ કંપનીનું નામ તેમના એક સ્વરૂપ પર રાખ્યું, જે બાલાજી તરીકે પણ ઓળખાય છે. હાલમાં કંપનીની દેશભરમાં 4 ફેક્ટરીઓ છે. અહીં દરરોજ 65 લાખ કિલોગ્રામ બટેટાની ચિપ્સ અને 1 કરોડ (10 મિલિયન) કિલોગ્રામ નમકીન બનાવવામાં આવે છે. કંપનીના ઉત્પાદનો વિશે વાત કરીએ તો, વેફર્સમાં સિમ્પલી સોલ્ટેડ, મસાલા મસ્તી, ટોમેટો ટ્વિસ્ટ, ચાટ ચસ્કા, ક્રીમ અને ઓનિયન, પેરી પેરી વેફર્સ, પિઝી મસાલા, ક્રંચએક્સ જેવી લોકપ્રિય પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.
કંપનીમાં 50 ટકા મહિલાઓ કરે છે કામ-
એક ઈન્ટરવ્યુમાં ચંદુભાઈએ કહ્યું હતું કે, 'મેં મારા ઘરના કમ્પાઉન્ડમાંથી બટાકાની ચિપ્સ બનાવવાની શરૂઆત કરી હતી. બહુ પૈસા પણ નથી લગાવ્યા… બાલાજી વેફર્સ નામની કંપનીને આટલી સફળતા મળશે એવું મેં ક્યારેય વિચાર્યું ન હતું. "શરૂઆત ધીમી હતી, પરંતુ હવે અમે આ પ્રદેશમાં (ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવા) બટાકાની ચિપ્સના સૌથી મોટા ઉત્પાદક છીએ." ચંદુભાઈ વિરાણીએ જણાવ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય ગ્રાહકોને ઓછી કિંમતે સારી ગુણવત્તાની પ્રોડક્ટ્સ આપવાનો છે. આજે જ્યારે મહિલાઓને 33 ટકા ક્વોટા આપવાની વાત ચાલી રહી છે ત્યારે ચંદુભાઈ વિરાણીની કંપનીના કુલ વર્કફોર્સમાં 50 ટકા મહિલાઓ કામ કરે છે.