નવી દિલ્હીઃ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીના ધારકોને ટૂંક સમયમાં મોટી રાહત મળશે. પોલિસીધારકોને હવે દેશની તમામ હોસ્પિટલ્સમાં કેશલેસ સારવાર માળશે. ઈરડા અને જનરલ ઈન્સ્યોરન્સે હોસ્પિટલ માટે કેશલેસની પેનલમાં હોવાના ફરજિયાતપણાને દૂર કર્યું છે. શું છે જાન્યુઆરીથી અમલમાં આવનાર નવી વ્યવસ્થા, જોઈએ આ અહેવાલમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્યમ વર્ગ માટે મેડિક્લેમ સંજીવનીનું કામ કરે છે. જો કે મેડીક્લેમની પતાવટ જ્યારે કેશલેસ રીતે ન થાય, ત્યારે મોટી રકમ એક વખત તો ચૂકવવી જ પડે છે, જેમાં થોડા સમય લોકોનું બજેટ ખોરવાઈ જાય છે...


જો કે હવે આ સમસ્યા કાયમ માટે દૂર થવા જઈ રહી છે. હવે તમે મેડિક્લેમ સાથે દેશની કોઈ પણ હોસ્પિટલમાં કેશલેસ સારવાર મેળવી શકશો. પછી ભલે કેશલેસ હોસ્પિટલ્સની પેનલમાં તમારી વીમા કંપની હોય કે નહીં. 


આ માટે વીમા ક્ષેત્રની નિયામકી સંસ્થા ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે ઈરડા અને જનરલ ઈન્સ્યોરન્સ કાઉન્સિલે યુનિફાઈડ હોસ્પિટલ નેટવર્ક યોજના તૈયાર કરી છે, જેનો અમલ જાન્યુઆરી 2024થી કરવામાં આવશે. આ યોજના હેઠળ કોઈ પણ મેડિક્લેમ ધારક NABH દ્વારા પ્રમાણિત હોસ્પિટલમાં કેશલેસ સારવાર કરાવી શકશે. આ માટે વીમા કંપની તે હોસ્પિટલની પેનલમાં સામેલ છે કે નહીં, તેને કોઈ લેવાદેવા નહીં હોય. 


આ પણ વાંચોઃ પૈસાની વ્યવસ્થા કરી લેજો, ગુજરાતની દિગ્ગજ કંપની સહિત આવી રહ્યાં છે કુલ 3 IPO


અત્યાર સુધી દર્દીને કેશલેસ સારવારની સુવિધા ત્યારે જ મળતી હતી, જ્યારે તેની મેડિક્લેમ કંપની આ માટેની હોસ્પિટલ્સની પેનલમાં સામેલ હોય. જો કે હવે આ અવરોધને દૂર કરી દેવાયો છે. આ નિર્ણયથી પોલિસીધારકોને રિઈમ્બર્સમેન્ટની ઝંઝટમાંથી છૂટકારો મળશે. આ ઉપરાંત ક્લેમની રકમમાં વીમા કંપની જે કાપ મૂકતી હતી, તેનાથી પણ રાહત મળશે. આ ઉપરાંત ખોટા મેડિક્લેમ પર પણ અંકુશ લાગશે હોસ્પિટલ્સ અને વીમા કંપનીઓએ આ નિર્ણયને આવકાર્યો છે.


મેડીક્લેમનું રિઈમ્બર્સમેન્ટ પોલિસીધારક માટે સતત ચિંતાનો વિષય બની રહેતો હોય છે. હાલ ભારતમાં મેડિક્લેમનો સરેરાશ સેટલમેન્ટ રેશિયો 85થી 90 ટકા વચ્ચે છે, જાણકારોનું માનીએ તો યુનિફાઈડ હોસ્પિટલ નેટવર્ક અને કેશલેસ સેટલમેન્ટથી આગામી વર્ષોમાં સેટલમેન્ટનો રેશિયો 95 ટકાથી વધી જશે. ફ્રોડ ક્લેમનું પ્રમાણ જે હાલમાં 8થી 10 ટકા છે, જે ઘટી જશે, જેના કારણે મેડિક્લેમનું પ્રીમિયમ પણ ઓછું થશે.  


મધ્યમ વર્ગ માટે રોટી કપડા અને મકાન બાદ સ્વાસ્થ્ય વીમો ચોથી અનિવાર્ય જરૂરિયાત બન્યો છે. જો કોઈ પરિવાર પાસે મેડિક્લેમ ન હોય, તો તે એક સંભવિત જોખમ તળે જીવે છે. આ જ કારણ છે કે દેશમાં મેડિક્લેમનું માર્કેટ સતત વધી રહ્યું છે. આંકડા પર નજર કરીએ તો વર્ષ 2022માં ભારતમાં 52 કરોડ લોકો પાસ મેડિક્લેમ પોલિસી હતી અને દેશમાં વીમા પોલિસીનું માર્કેટ એક લાખ કરોડ રૂપિયાથી વધુનું હતું. એવો અંદાજ છે કે મેડિક્લેમનું માર્કેટ 11.55 ટકાના વાર્ષિક દરે વધશે અને 2030 સુધીમાં અઢી લાખ કરોડ સુધી પહોંચશે. હવે જોવું એ રહેશે કે યુનિફાઈડ હોસ્પિટલ નેટવર્ક ક્યારથી લાગુ  પડે છે.