કોરોનાકાળમાં સોનાના વેપારીઓ માટે સારા સમાચાર, હવે રાજકોટના દાગીના વિદેશમાં ચમકશે
- રાજકોટના દાગીના વિદેશમાં પણ ચમકશે..
- રાજકોટના સોની આપશે ચીનને ટક્કર
- કોરોનાકાળમાં સોની વેપારીઓ માટે સારા સમાચાર..
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટના સોની વેપારીઓ હવે ચીનને બરોબરની ટક્કર આપશે. કેન્દ્ર સરકારે સોનાના ધરેણાંને એક્સપર્ટની છૂટ આપતા હવે રાજકોટના સોનાના દાગીના વિશ્વભરમાં મોકલી શકાશે. સોની વેપારીઓ સરકારના આ નિર્ણયને કોરોનાકાળમાં આવેલી મંદી બાદના સારા સમાચાર ગણી રહ્યા છે.
રાજકોટનું સોની બજાર એશિયાની સૌથી મોટું સોના બજાર માનવામાં આવે છે અને અહીં તૈયાર થયેલા હેન્ડીક્રાફટ દાગીનાનો વિશ્વભરમાં દબદબો છે. જેમાં બોલિવુડ સ્ટાર પણ બાકાત નથી. ત્યારે કેન્દ્ર સરકારે કોરોનાકાળ વચ્ચે સોની વેપારીઓ માટે રાહતના સમાચાર આપ્યા છે. સોની વેપારીઓને સોનાના દાગીનાની નિકાસ કરવાની છૂટ આપી છે. જેથી સોની વેપારીઓનું માનવું છે કે સરકારના આ નિર્ણયથી સોની બજારને મદદ થશે અને હવે ડિજીટલ માધ્યમથી વિશ્વભરમાં રહેતા લોકોના ધરેણાં બતાવી શકશે અને તેને તૈયાર કરીને મોકલી શકશે.
નિકાસથી શું થશે ફાયદો??
રાજકોટની સોની બજાર તેના હાથ બનાવટના ઘરેણાં માટે પ્રખ્યાત છે. જોકે અત્યાર સુધી આ ઘરેણાંને પાર્સલની છૂટ ન હોવાને કારણે વેપારીઓ વિદેશમાં વેપાર કરી શકતા ન હતા અને તેનો સીધો ફાયદો ચીનને થતો હતો. જો કે હવે નિકાસની મંજૂરી આપી દેતા ભારત ચીનને સીધી ટક્કર આપશે.
એકતરફ મંદીને કારણે કોરોનાના કારણે મંદીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે સરકારના આ નિર્ણયથી રાજકોટની સોની બજારને બુસ્ટ મળશે તેવું વેપારીઓનું માનવું છે. સાથે સાથે વિશ્વભરમાં રહેતા ગુજરાતીઓ અને ભારતીયોને પણ રાજકોટના હાથ બનાવટના ઘરેણાંનો લાભ મળશે.