એકબાજુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં વધારા અંગે કાગડોળે રાહ જોઈને બેઠા છે  ત્યાં બીજી બાજુ ઝટકા સમાન સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે તમામ મંત્રાલયોને સમયાંતરે કર્મચારીઓના કામની સમીક્ષા કરવા નિર્દેશ આપ્યા છે. વિશિષ્ટ નિર્દેશમાં કર્મચારીઓના કામકાજની સમીક્ષા કરવાનું જણાવવામાં આવ્યું છે જેથી કરીને બેદરકારી અને ખરાબ પ્રદર્શન કરનારા કર્મચારીઓને સમય પહેલા સેવામાંથી હટાવી શકાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકારે હવે તમામ મંત્રાલયોને જુલાઈ મહિનાથી દર મહિનાની 15 તારીખ સુધીમાં મન દઈને કામ ન કરનારા કર્મચારીઓ એટલે કે કામમાં દમ ના હોય તેવા નકામા કર્મચારીઓની યાદી મોકલવા જણાવ્યું છે. ડીઓપીટી તરફથી આ અંગે 27મી જૂનના રોજ એક સર્ક્યૂલર પત્ર મોકલવામાં આવ્યો છે અને તે મુજબ આ મુદ્દે 2020માં જાહેર આદેશ હેઠળ સમયાંતરે સરકારી કર્મચારીઓના કામકાજની સમીક્ષા અંગે જણાવવામાં આવેલું છે. 


કર્મચારીઓના કામકાજની સમીક્ષાનો હેતુ કર્મચારીઓની કાર્યક્ષમતામાં સુધારો, સરકારી કામકાજ સારી રીતે અને ઝડપી થઈ શકે તથા અર્થવ્યવસ્થામાં વધારો થાય તે હતો. અત્રે જણાવવાનું કે આ દિશા નિર્દેશો તો પહેલેથી છે પરંતુ ઘણા મંત્રાલયો અને વિભાગો તેનું પાલન કરતા જણાતા નથી આથી મંત્રાલયો આ દિશા નિર્દેશોનું પાલન સુનિશ્ચિત કરે તે હેતુ છે. નોંધનીય છે કે હાલ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં લગભગ 30 લાખ કરતા વધુ કર્મચારીઓ છે. એવો અંદાજો છે કે માર્ચ 2025 સુધીમાં સરકાર કર્મચારીઓની સંખ્યામાં 50 હજારનો ઘટાડો કરી શકે છે. 


મોંઘવારી ભથ્થા પર શું છે અપડેટ? 
બીજી બાજુ એક સારા સમાચાર પણ છે અને તે છે મોંઘવારી ભથ્થા વિશે. લેબર બ્યુરોએ AICPI ઈન્ડેક્સના 4 મહિનાના આંકડા જાહેર કર્યા છે. જેમાં 0.6 અંકની તેજી જોવા મળી છે. જો કે આ એવરેજ છે. ડિસેમ્બર 2023માં ઈન્ડેક્સનો નંબર 138.8 અંકની સરખામણીએ એપ્રિલ 2024 સુધી 139.4 અંક પર પહોંચી ગયો છે. હવે 30 જૂનના રોજ મેના નંબર બહાર પડશે. આ સાથે જ જુલાઈમાં જૂનના આંકડા પણ જાહેર થશે. અત્યાર સુધીના આંકડામાં મોંઘવારી ભથ્થાનો સ્કોર વધીને 52.43 ટકા સુધી પહોંચી ગયો છે. આ અગાઉ મહિનામાં તે 51.95 ટકા પર હતો. જો કે તેનો ફાઈનલ આંકડો 31 જુલાઈ 2024 સુધીમાં આવશે. આંકડા બાદ ગણતરી થશે કે મોંઘવારી ઈન્ડેક્સની વધતી ગતિથી મોંઘવારી ભથ્થામાં કેટલો ઉછાળો આવશે.