COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Challan For Riding Bike In Slippers: વાહન ચલાવતા હોઈએ તો તેને લગતા નિયમોની પણ જાણકારી હોવી જરૂરી છે. જો તમને આ નિયમોની જાણકારી ના હોય તો તેનો અજાણતા પણ ભંગ થાય તો મોટો દંડ ભરવાનો વારો આવી શકે છે. ટ્રાફિક નિયમોનો ભંગ કરવો એ ગુનો છે જે બદલ દંડની સાથે સાથે કેટલાક મામલામાં તો જેલની પણ જોગવાઈ છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ હજારો રૂપિયાનો દંડ થઈ શકે છે અને જેલમાં જવાનો વારો પણ આવી શકે છે. જો તમે ઈચ્છતા હોવ કે તમારું ચલણ ન કપાય તો તમારે ટ્રાફિકના નિયમોનું બરાબર પાલન કરવું જરૂરી છે. નિયમોનું પાલન કરવાથી તમે ચલણ કપાવવામાંથી પણ બચી શકો છો અને આ સાથે સુરક્ષાનો માહોલ પણ ઊભો થશે. 


ટ્રાફિકના કેટલાક નિયમો એવા છે કે જેના વિશે બહુ ઓછા લોકોને જાણકારી હશે. કારણ કે આપણે ક્યારેય તેના વિશે બહુ ધ્યાન આપતા નથી. આથી લોકો અજાણતા જ નિયમોનો ભંગ કરી બેસે છે અને ચલણ કપાઈ જાય છે. આવામાં એક નિયમ ચપ્પલ પહેરીને ટુ વ્હિલર ચલાવવા વિશે પણ છે. વાત જાણે એમ છે કે સ્લીપર્સ કે ચપ્પલ પહેરીને ટુવ્હિલર ચલાવવાની મંજૂરી નથી. હાલના મોટર વાહન અધિનિયમ મુજબ ટુવ્હિલર ચલાવતી વખતે સંપૂર્ણ રીતે બંધ જૂતા પહેરવા જરૂરી છે. આમ ન કરો અને પકડાવ તો 1000 રૂપિયાનું ચલણ કપાઈ શકે છે. એટલે કે જો તમે ચપ્પલ પહેરીને બાઈક ચલાવો તો તમને 1000 રૂપિયાનો દંડ થઈ શકે છે. 


આ ઉપરાંત જો સામાન્ય નિયમની વાત કરીએ તો બાઈક ચલાવતી વખતે હેલમેટ બધાએ પહેરવી જોઈએ. હેલમેટ વગર જો પકડાયા તો પણ 1000 રૂપિયાનો દંડ થાય છે. આ માટે 1000 રૂપિયાનું ફટાક દઈને ચલણ કપાઈ જાય છે. વાહન ચાલક પાસે બાઈક સંબંધિત તમામ દસ્તાવેજ પણ હોવા જરૂરી છે. જે ન હોવાની સ્થિતિમાં પણ ચલણ કપાઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube