ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરવાની તૈયારીમાં અમેરિકાની Citibank, 4 હજાર લોકોની નોકરી પર ખતરો
સિટી બેન્કે ગુરૂવારે કહ્યું કે, તે ભારતમાં પોતાનો કસ્ટમર બેન્કિંગ બિઝનેસ બંધ કરવા જઈ રહી છે. બેન્કની ભારતમાં 35 બ્રાન્ચ છે અને તેના કસ્ટમર બેન્કિંગ બિઝનેસમાં 4 હજાર લોકો કામ કરે છે.
નવી દિલ્હીઃ અમેરિકાની મુખ્ય બેન્ક સિટી બેન્ક (Citibank) ભારતમાં પોતાનો કારોબાર સંકેલવાની તૈયારીમાં છે. બેન્કે ગુરૂવારે કહ્યું કે તે ભારતમાં પોતાનો કસ્ટમર બેન્કિંગ બિઝનેસ બંધ કરવા જઈ રહી છે. બેન્કનું કહેવું છે કે આ તેની ગ્લોબલ રણનીતિનો ભાગ છે. બેન્કના કસ્ટમર બેન્કિંગ બિઝનેસમાં ક્રેડિટ કાર્ડ, રીટેલ બેન્કિંગ, હોમ લોન અને વેલ્થ મેનેજમેન્ટ સામેલ છે. સિટી બેન્કની દેશમાં 35 શાખાઓ છે અને તેના કસ્ટમર બેન્કિંગ બિઝનેસમાં આશરે 4 હજાર લોકો કામ કરે છે.
ગુરૂવારે બેન્કે કહ્યું કે, તે 13 દેશોમાં કસ્ટમર બેન્કિંગ બિઝનેસ બંધ કરી રહી છે. બેન્કના ગ્લોબલ સીઈઓ Jane Fraser એ કહ્યુ કે, આ દેશમાં પ્રતિસ્પર્ધાનો માહોલ નથી. તત્કાલ તે વિશે વિસ્તૃત જાણકારી મળી શકી નહીં પરંતુ કસ્ટમર બેન્કિંગ બિઝનેસમાંથી બહાર નિકળવા માટે નિયામકીય મંજૂરોઓની પણ જરૂર પડશે.
આ પણ વાંચોઃ Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો નવી કિંમત
1902માં ભારત આવી હતી બેન્ક
સિટી ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ આશુ ખુલ્લરે કહ્યુ કે, અમારા ઓપરેશન્સમાં તત્કાલ કોઈ ફેરફાર આવ્યો નથી અને આ જાહેરાતથી અમારા સાથીઓ પર તત્કાલ કોઈ અસર થશે નહીં. અમે અમારા ગ્રાહકોની સમાન ભાવથી સેવા કરતા રહીશું. તેમણે કહ્યું કે, આજની જાહેરાતથી સેવાઓ વધુ મજબૂત થશે. સંસ્થાગત બેન્કિંગ સિવાય સિટી પોતાના પુણે, મુંબઈ, બેંગલુરૂ, ચેન્નઈ અને ગુરૂગ્રામ કેન્દ્રોથી વૈશ્વિક કેન્દ્રો પર ધ્યાન આપતુ રહેશે. સિટીને નાણાકીય વર્ષ 2019-20 માં 4912 કરોડ રૂપિયાનો શુદ્ધ લાભ થયો હતો જે તેનાથી પાછલા નાણાકીય વર્ષમાં 4185 કરોડ રૂપિયાનો હતો. સિટી બેન્કે 1902માં ભારતમાં પ્રવેશ કર્યો હતો અને 1985માં બેન્કે કસ્ટમર બેન્કિંગ બિઝનેસ શરૂ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube