સપના શર્મા, અમદાવાદ: ચોમાસામાં સામાન્ય રીતે વેલાવાળા શાકભાજીની આવક વધુ થતી હોય છે પણ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ભારે વરસાદને કારણે શાકભાજીની આવક સામાન્ય કરતા 30 ટકા ઓછી થઇ છે. પરિણામે હાલ બજારમાં શાકભાજીનો ભાવ 15-17 ટકા વધ્યો છે. આ વધારો છેલ્લા 15 દિવસમાં નોંધાયો છે. જો કે આગામી 15-20 દિવસ બાદ જો સામાન્ય વરસાદ રહેશે તો ભાવ ઓછા થાય તેવી શક્યતા APMC ના સેક્રેટરી દિપક પટેલે વ્યક્ત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ મોટાભાગના શાક જેવા કે ગવાર, વાલ, ચોળી, પાપડી, વટાણા, ફણસી જેવા શાક 100 રૂપિયાથી લઇ 160 રૂપિયા કિલોના ભાવે મળી રહી છે. ગવાર, ચોળી, ભીંડા જે અગાઉ 60-80 રૂપિયા કિલો હતા તે હવે 100-120 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. ફણસી અગાઉ 80 રૂપિયા કિલો હતી જે હાલ 120 રૂપિયા કિલો જયારે વટાણા અગાઉ 120 રૂપિયા કિલો હતા જે હાલ 160 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે.


સિમલા મરચા અને ટિંડોળા અગાઉ 40-60 રૂપિયા કિલો હતા જે હાલ 80 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. આદુ, લીલા મરચા અગાઉ 50-60 રૂપિયા કિલો હતા તે હાલ 80 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. જોકે, ટામેટાના ભાવમાં ઘટાડો થયો છે. અગાઉ ટામેટા 60 રૂપિયા કિલો હતા જે હાલ 40 રૂપિયા કિલો મળી રહ્યા છે. વધતા ભાવ સામે ગ્રાહકોના બજેટ ઉપર અસર થઇ રહ્યો છે. શાકભાજી લેવા આવનારા દરેક લોકો વધતા ભાવ સામે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube