દિલ્હી-મુંબઈમાં ભડકે બળ્યા પેટ્રોલના ભાવ પણ `આ` જગ્યાએ મળી રહ્યું છે 2.5 રૂ. સસ્તું પેટ્રોલ !
પેટ્રોલના ભાવ દિલ્હીમાં 80 રૂ.નો આંકડો પાર કરી ગયા છે જ્યારે મુંબઈમાં આ કિંમત 90 રૂ. લીટર સુધી પહોંચવાની નજીક છે
નવી દિલ્હી : દિલ્હીમાં પેટ્રોલની કિંમત 80 રૂ. પ્રતિ લીટરનો આંકડો પાર કરી ગઈ છે અને મુંબઈમાં એ 90 રૂ. પ્રતિ લીટર સુધી પહોંચવાની તૈયારીમાં છે. આ પરિસ્થિતિમાં 4 રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલ સસ્તા કરવાની જાહેરાત કરી છે. હાલમાં પંજાબ, કર્ણાટક તેમજ હિમાચલ પ્રદેશની સરકારે પેટ્રો ઇંધણ પરથી વેટ ઘટાડવાની ઘોષણા કરી છે જ્યારે રાજસ્થાનમાં તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અઢી રૂ.નો ઘટાડો કરી દેવાયો છે. આ નવી કિંમત સોમવારથી અમલમાં મૂકી દેવામાં આવી છે. અહીં ઇંધણ પર 4-4 ટકા વેટ ઘટાડવામાં આવ્યો છે. સરકારના વેટ ઘટાડવાના આ નિર્ણયને કારણે રાજ્યના ખજાનાને 2000 કરોડ રૂ.નું નુકસાન થશે.
રાજસ્થાનમાં પેટ્રોલ પર વેટ 30થી ઘટાડીને 26 ટકા તેમજ ડીજલ પરનો વેટ 22થી ઘટાડીને 18 ટકા કરી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વસુંધરા રાજેએ કહ્યું છે કે રાજ્યની સામાન્ય જનતા, ખેડૂતો તેમજ ગૃહિણીઓને રાહત આપવા માટે સરકારે પગલું લીધું છે. હકીકતમાં મુખ્ય વિરોધપક્ષ કોંગ્રેસે પેટ્રોલ અને ડીઝલની કિંમતનો વિરોધ કરવા માટે સોમવારે ભારત બંધની જાહેરાત કરી હતી અને એ સમયે વસુંધરા રાજેએ આ જાહેરાત કરી છે. કોંગ્રેસ પર નિશાન સાધીને વસુંધરા રાજેએ કહ્યું છે કે કોંગ્રેસ એક પ્રભાવી વિપક્ષની ભૂમિકા નિભાવવામાં નિષ્ફળ સાબિત થયો છે. જોકે, આ મામલે કોંગ્રેસના મહાસચિવ તેમજ પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું છે કે મુખ્યમંત્રી વસુંધરા રાજેએ કોંગ્રેસના દબાણને કારણે આ નિર્ણય લીધો છે.
પેટ્રોલ અને ડીઝલની કિંમત રવિવારે એક રેકોર્ડ ઉંચાઈએ પહોંચી ગઈ હતી. વૈશ્વિક માર્કેટમાં કાચા તેલની વધતી કિંમત અને રૂપિયાની કિંમતમાં થયેલા ઘટાડાને કારણે ઇંધણની કિંમતમાં વધારો થયો છે. ભારત પોતાની જરૂરિયાતનું 80 ટકાથી વધારે તેલ આયાત કરે છે એવા સમાચાર છે. રવિવારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 88.12 રૂ. પ્રતિ લીટર થઈ ગઈ હતી જ્યારે ડીઝલનો ભાવ 77.32 રૂ. પ્રતિ લીટર થઈ ગયો હતો.