Credit Card નો વધુ ઉપયોગ કરતા હોવ તો સાવધાન! આવકવેરા વિભાગની તમારા પર છે નજર
આજકાલ મોટાભાગના લોકો પોતાના ખર્ચાને મેનેજ કરવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે. ક્રેડિટ કાર્ડ મળવું એ પહેલાની સરખામણીમાં હવે વધુ સરળ બની ગયું છે અને તેના પર બેંક તરફથી અનેક પ્રકારની ઓફરો પણ મળતી હોય છે. આ જ કારણ છે કે દેશમાં ક્રેડિટ કાર્ડ સ્પન્ડિંગ ખુબ ઝડપથી વધી રહ્યું છે
આજકાલ મોટાભાગના લોકો પોતાના ખર્ચાને મેનેજ કરવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે. ક્રેડિટ કાર્ડ મળવું એ પહેલાની સરખામણીમાં હવે વધુ સરળ બની ગયું છે અને તેના પર બેંક તરફથી અનેક પ્રકારની ઓફરો પણ મળતી હોય છે. આ જ કારણ છે કે દેશમાં ક્રેડિટ કાર્ડ સ્પન્ડિંગ ખુબ ઝડપથી વધી રહ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે ક્રેડિટ કાર્ડનો વધુ ઉપયોગ તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે તેમ છે.
વાત જાણે એમ છે કે ક્રેડિટ કાર્ડના વધુ ઉપયોગથી તમારો સિબિલ સ્કોર ખરાબ થઈ શકે છે. જ્યારે ક્રેડિટ કાર્ડ દ્વારા મોટી રકમના ટ્રાન્ઝેક્શન પર આવકવેરા વિભાગ પણ તમારા પર નજર રાખતું હોય છે. આ ઉપરાંત આઈટી ફાઈલ કરવામાં પણ તમને મુશ્કેલીઓ આવી શકે છે.
સિબિલ સ્કોર પર અસર
ક્રેડિટ કાર્ડનો વધુ ઉપયોગ કરવાથી તમારા સિબિલ સ્કોર પર અસર પડે છે. તેનાથી તમારો સ્કોર ખરાબ થઈ શકે છે. જેનાથી ભવિષ્યમાં લોન વગેરે લેવામાં મુશ્કેલીઓ થઈ શકે છે. સિબિલ સ્કોર રેકોર્ડ ચેક કરશો તો તમને ત્યાં ક્રેડિટ કાર્ડ યુટિલાઈઝેશનની એક કોલમ જોવા મળશે. આ કોલમની તમારા સિબિલ સ્કોર પર ખુબ અસર પડે છે. તમે ક્રેડિટ કાર્ડનો જેટલો વધુ ઉપયોગ કરો, સિબિલ સ્કોરમાં એટલી જ વધુ અસર જોવા મળે છે.
મોટા ટ્રાન્ઝેક્શન પર આવકવેરા ખાતાની નજર
આવકવેરા વિભાગ એવા લોકો પર નજર રાખે છે જે ક્રેડિટ કાર્ડ દ્વારા મોટા ટ્રાન્ઝેક્શન કરે છે. આવકવેરા ડિપાર્ટમેન્ટના નિયમો મુજબ 10 લાખ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શનના રિપોર્ટ ફોર્મ 61એ દ્વારા બેંકોને આપવાના હોય છે. જ્યારે ફોર્મ 26એ હેઠળ તમારે તમારા તમામ ખર્ચાની જાણકારી સાથે ક્રેડિટ કાર્ડના ખર્ચની જાણકારી પણ બેંકોને આપવી પડે છે. જો તમે આમ ન કરો તો આવકવેરા વિભાગની નજર તમારા પર હોઈ શકે છે અને તે નિયમો મુજબ કાર્યવાહી કરી શકે છે.
બચવા માટે આ વાતોનું રાખો ધ્યાન
જો તમે 10 લાખ રૂપિયાથી વધુ ટ્રાન્ઝેક્શન ક્રેડિટ કાર્ડ દ્વારા કરો તો તેનો એક ટકો ટેક્સ તરીકે આપવાનો રહે છે. આવામાં ક્રેડિટ કાર્ડથી મોટા ટ્રાન્ઝેક્શન કરવા પર તમારે સાવધાન રહેવાની જરૂર છે. જો તમે આવકવેરા વિભાગની નજરે ચડવા ન માંગતા હોવ તો એક લાખ રૂપિયાથી વધુનું ટ્રાન્ઝેક્શન કરતી વખતે સાવધાન રહો. રિવોર્ડ પોઈન્ટ્સ મેળવવાની લ્હાયમાં મોટા ખર્ચા ક્રેડિટ કાર્ડથી ન કરો. આઈટીઆર ફાઈલ કરતી વખતે ક્રેડિટ કાર્ડથી કરાયેલા વધુ વેલ્યુવાળા ટ્રાન્ઝેક્શન વિશે પણ જણાવો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube