પ્રકાશ પ્રિયદર્શી/નવી દિલ્હીઃ આવક વેરા વિભાગ (સીબીડીટી)ના એક રિપોર્ટ અનુસાર કાળું નાણું રાખનારા અને કરચોરી કરનારા સામે મોદી સરકાર દ્વારા કડક હાથે કાર્યવાહી શરૂ કરાયા બાદ દેશમાં આવક વેરાના કલેક્શનમાં મોટી અસર જોવા મળી છે. છેલ્લા ચાર વર્ષમાં આવકવેરા રિટર્ન દાખલ કરનારા લોકોની સંખ્યામાં 80 ટકા જેટલો વધારો નોંધાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2013-14માં 3.79 કરોડનું આવક વેરા રિટર્ન ભરાયું હતું, જે નાણાકિય વર્ષ 2017-18માં વધીને રૂ.6.85 કરોડ સુધી પહોંચી ગયું છે. વર્ષ 2013-14માં કરદાતાઓએ આવક વેરા રિટર્ન ભરીને રૂ.26.92 લાખ કરોડની આવક જાહેર કરી હતી, જે 2017-18માં 67 ટકા વધીને 44.88 લાખ કરોડ સુધી પહોંચી છે. 



રૂ.1 કરોડથી વધુની આવક જાહેર કરનારા લોકોની સંખ્યા 3 વર્ષમાં 60 ટકા વધી ગઈ છે. વર્ષ 2014-15માં 88,646 કરદાતાઓએ રૂ.1 કરોડથી વધુની આવક જાહેર કરી હતી, જેમની સંખ્યા મોદી સરકારના રાજ 2017-18ના એસેસમેન્ટ વર્ષમાં વધીને 1,40,139 જેટલી થઈ ગઈ છે. 


વ્યક્તિગત કરદાતા કે જેમણે રૂ.1 કરોડથી વધુની આવક રિટર્નમાં જાહેર કરી છે તેમની સંખ્યા 3 વર્ષમાં 48,416થી વધીને 81,344 થઈ ગઈ છે. આ દરમિયાન કોર્પોરેટ કરદાતા સરેરાશ 32.38 લાખનો ટેક્સ ભરતા હતા, જે વધીને રૂ.49.95 લાખ જેટલો થઈ ગયો છે, એટલે કે 55 ટકાનો વધારો નોંધાયો છે. વ્યક્તિગત કરદાતા અગાઉ રૂ.46,355 સરેરાશ ટેક્સ ભરતા હતા, જે 3 વર્ષમાં વધીને રૂ.58,576 થઈ ગયો છે. 


CBDTએ જણાવ્યું કે, "રૂ.1 કરોડથી વધુની વાર્ષિક આવક ધરાવતા કુલ કરદાતાઓ (કંપનીઓ, ફર્મ, હિન્દુ અવિભક્ત પરિવાર)ની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. વર્ષ 2014-15માં રૂ.1 કરોડથી વધુની આવક જાહેર કરનારા કરદાતાની સંખ્યા 88,649 હતી, જે 2017-18માં વધીને 1,40,139 થઈ ગઈ છે."



સીબીડીટીના ચેરમેન સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે, ત્રણ નાણાકિય વર્ષમાં રૂ.1 કરોડથી વધુની વ્યક્તિગત આવક ધરાવતા કરદાતાની સંખ્યા 68 ટકા વધીને 48,416થી વધીને 81,344 પર પહોંચી છે. આ આંકડો છેલ્લા ચાર વર્ષ દરમિયાન વિભાગ દ્વારા કરવામાં આવેલા કાયદાના પ્રચાર-પ્રસાર અને આવક જાહેર કરવા માટેનાં પ્રોત્સાહનના પ્રયાસોથી વધ્યો છે. 


આવકવેરા વિભાગના આંકડા મુજબ, છેલ્લા 4 વર્ષમાં આવકવેરા રિટર્ન દાખલ કરનારા લોકોની સંખ્યામાં પણ 80 ટકાનો વધારો નોંધાયો છે. 2013-14માં આ આંકડો 3.79 કરોડ હતો, જે 2017-18માં વધીને 6.85 કરોડ થઈ ગયો છે.