JIOએ ગીગાફાઇબર માટે 3000 કરોડમાં ખરીદી લીધું RCOMનું ફાઇબર નેટવર્ક
રિલાયન્સ કમ્યુનિકેશન્સે પોતાની ફાઇબર પ્રોપર્ટી મુકેશ અંબાણીની રિલાયન્સ જિયોને વેચવાનો સોદો પૂરો કરી લીધો છે
નવી દિલ્હી : રિલાયન્સ કમ્યુનિકેશન્સે (RCom) પોતાની ફાઇબર પ્રોપર્ટી મુકેશ અંબાણીના રિલાયન્સ જિયોને વેચવાનો સોદો પૂરો કરી નાખ્યો છે. આ સોદો 3,000 કરોડ રૂ.નો છે. શેરબજારને આપેલી જાણકારીમાં કંપનીએ માહિતી આપી છે કે, '1,78,000 કિલોમીટરની ફાઇબર પ્રોપર્ટીનું મૌદ્રીકરણનું કામ પુરું કરી લેવાયું છે અને એને રિલાયન્સ જિયોને સોંપી દેવામાં આવ્યું છે.' ગયા અઠવાડિયે જ આરકોમે 2,000 કરોડ રૂ.માં મીડિયા કનવર્ઝેસ નોડ્સ (એમસીએન) અને એની સાથે જોડાયેલી સંપત્તિને જિયો સાથે વેચવાનું કામ પુરું કર્યું હતું.
આ પહેલાં કંપનીએ કહ્યું હતું કે એણે દૂરસંચાર વિભાગ સાથે 774 કરોડ રૂ.ની બેંક ગેરંટી ટેલિકોમ્યુનિકેશન ટ્રિબ્યુનલ દ્વારા નક્કી કરાયેલી સમયસીમાના બહુ પહેલા ચૂકવી દીધી છે. આના કારણે કંપની પર લાગેલા કેટલાક પ્રતિબંધ હળવા બન્યા છે અને લોન નીચે દબાયેલી કંપની પોતાની સંપત્તિની વેચણી કરી શકે એનો રસ્તો પણ ખુલી ગયો છે.
કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું, 'આરકોમ અને રિલાયન્સ ટેલિકોમ લિમિટેડે દૂરસંચાર વિભાગની 774 કરોડ રૂ.ની બેંક ગેરંટી નિશ્ચિત સમયના ચાર અઠવાડિયા પહેલાં જ ચૂકતે કરી લીધી છે. ટેલિકોમ્યુનિકેશન ડિસ્પ્યુટ સેટલમેન્ટ એન્ડ અપલેટ ટ્રિ્બ્યુનલે આ માટે 10 સપ્ટેમ્બર, 2018ની સમયસીમા નક્કી કરી હતી.'