નવી દિલ્હીઃ 8 નવેમ્બર 2016. આ તારીખને કદાચ દેશવાસીએ ક્યારેય નહીં ભૂલી શકે. કારણકે, આજના દિવસે જ પ્રધાનમંત્રી મોદીએ દેશભરમાં નોટબંધી લાગૂ કરી હતી. પ્રધાનમંત્રીના આ નિર્ણયથી એ સમયે ભારે હડકંપ મચી ગયો હતો. એક વર્ગ એવો હતો જે પીએમ મોદીના આ નિર્ણયનો વિરોધ કરતો રહ્યો. જ્યારે એક મોટો વર્ગ એવો હતો જે પ્રધાનમંત્રી મોદીના આ નિર્ણયનું સમર્થન કરી રહ્યો હતો. નોટો બદલી કરવા માટે લોકોને લાઈનોમાં ઉભા રહેવું પડ્યું. લોકોને પૈસા ઉપાડવા માટે તકલીફો વેઠવી પડી. પણ ત્યાર બાદ દેશના મોટા વર્ગે આ નિર્ણયનું સમર્થન કર્યું હતું. પીએમ મોદીનો આ એક બોલ્ડ સ્ટેપ હતો જે અત્યાર સુધીના પ્રધાનમંત્રીઓ ક્યારેય લઈ શક્યા નહોંતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારે નોટબંધીને આજે છ વર્ષ પુર્ણ થઈ ચૂક્યાં છે. પણ વિતેલાં છ વર્ષમાં શું ફેરફાર થયા એ પણ જાણવા જેવું છે. 8 નવેમ્બર, 2016ની રાત્રે 8 વાગ્યે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાત્રે 12 વાગ્યાથી 1000 અને 500 રૂપિયાની નોટોને બંધ કરવાની જાહેરાત કરી હતી. આ ઐતિહાસિક નિર્ણય પછી 500 રૂપિયાની નવી નોટ અને 1000ની જગ્યાએ 2000ની નોટ બહાર પાડી હતી. આવામાં આજે પણ લોકોના મનમાં એ સવાલ છે કે, નોટબંધીથી સરકારનું જે લક્ષ્ય હતું શું તે પાર પડ્યું છે? નોટબંધી પછી કયા-કયા બદવાલ આવ્યા છે તે જાણીએ.


ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધ્યુઃ
નોટબંધી પછી જો સૌથી મોટો કોઈ ફાયદો થયો હોય તો એ છે ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો. દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઝડપથી વધી રહ્યું છે. આમ છતા 342 જિલ્લામાં કરેલા સર્વે અનુસાર 76% લોકો કરિયાણા, રેસ્ટોરન્ટનું બિલ અને ફૂડ ડિલિવરીની ચૂકવણી કેશથી કરે છે. આ સિવાય નોટબંધી બાદ જનતા પાસે રોકડની રકમ દોઢ ગણી વધી ગઈ છે.


પહેલા કરતાં 75% વધુ રોકડ હોલ્ડિંગ-
8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધીની જાહેરાત પછી લોકો પાસે રોકડ હોલ્ડિંગમાં ઘટાડો થયો, પરંતુ જૂન 2017થી સતત વધારો થયો.


જાહેર રોકડ હોલ્ડિંગ-
4 નવેમ્બર, 2016ના રોજ 17.6 લાખ કરોડ રૂપિયાની રોકડ હોલ્ડિંગ હતી.
6 જૂન, 2017ના રોજ રોકડ હોલ્ડિંગ રૂ. 8.98 લાખ કરોડ હતી.
21 ઓક્ટોબર 2022ના રોજ રોકડ હોલ્ડિંગ વધીને રૂ. 30.9 લાખ કરોડ થઈ ગઈ છે.


નોટબંધીથી શું મળ્યું?
ભારતીય રિઝર્વ બેંક(RBI)ના આંકડાઓ અનુસાર, લગભગ પૂરા પૈસા(99%થી વધુ) જે અમાન્ય થઈ ગયા હતા, બેંકિંગ સિસ્ટમમાં પાછા આવી ગયા છે. 15.41 લાખ કરોડ રૂપિયાની જે નોટ અમાન્ય થઈ ગઈ હતી, તેમાંથી 15.31 લાખ કરોડ રૂપિયાની નોટ પાછી આવી ગઈ છે. સરકારને આશા હતી કે માત્ર નોટબંધી જ બેંકિંગ સિસ્ટમની બહારના ઓછામાં ઓછા રૂ. 3-4 લાખ કરોડનું કાળું નાણું ખતમ કરી દેશે. પરંતુ તે સરકારની અપેક્ષાઓ પર ખરી ઉતરી ન હતી.


નોટબંધી પછી કેટલું કાળું નાણું ઝડપાયું?
નોટબંધી પછી કેટલું કાળું નાણું ઝડપાયું તેનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે. પરંતુ ફેબ્રુઆરી 2019માં, તત્કાલીન નાણામંત્રી પીયૂષ ગોયલે સંસદમાં કહ્યું હતું કે, નોટબંધી સહિત અલગ-અલગ કાળા નાણાં વિરોધી ઉપાયોને પરિણામે 1.3 લાખ કરોડ રૂપિયાના કાળા નાણાંની રિકવરી થઈ છે.


RBIએ 2016થી લઈને અત્યાર સુધી 500 અને 2000ની કુલ 6,849 કરોડ કરન્સી નોટ છાપી છે. તેમાં 1,680 કરોડથી વધુની કરન્સી નોટ સર્કુલેશનથી ગાયબ છે. તે ગાયબ નોટોની વેલ્યુ 9.21 લાખ કરોડ છે. આ ગાયબ નોટોમાં તે નોટનો સમાવેશ થાય છે, જે ખરાબ થયા પછી RBIએ નષ્ટ કરી નાખી હતી. મોટાભાગના પરિવારો તેમની દૈનિક જરૂરિયાતો માટે રોકડ ચૂકવણી કરે છે. પ્રવાસ દરમિયાન પણ લગભગ ચોથા ભાગના પરિવારોએ રોકડનો ઉપયોગ કર્યો હતો. છેલ્લા એક વર્ષમાં સૌથી ઓછા પરિવારોએ ગેજેટ શોપિંગમાં રોકડનો ઉપયોગ કર્યો છે. જોકે, જ્વેલરી જેવી સંપત્તિની ખરીદી માટે રોકડનો વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube