શું તમારી પાસે છે આ 10 કંપનીના શેર? કંપનીઓએ તગડુ ડિવિડન્ડ આપી કર્યો રૂપિયાનો વરસાદ
Dividend : આ 10 કંપનીઓએ ડિવિડન્ડથી રોકાણકારોના ખિસ્સા ભર્યા, આ વર્ષે સૌથી વધુ ડિવિડન્ડ આપવાની કરી જાહેરાત. શું તમારી પાસે છે આ કંપનીઓના શેર?
Dividend Payout: શેર બજારમાં ઘણી રીતે કમાણી કરવાની તક હોય છે. પણ જો તમે એક લોંગ ટર્મ ઈન્વેસ્ટર હોવ તો તમે એક વાર શેર લીધા પછી લાંબા ટાઈમ સુધી શેર ની લે વેચ કરતા નથી. એવામાં કંપનીઓ તરફથી રોકાણકારોને ખુશ કરવા માટે ડિવિડન્ડ આપવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે 10 કંપનીઓએ તગડું ડિવિડન્ડ જાહેર કરીને રોકાણકારોને રૂપિયામાં નવડાવ્યા છે. શું તમારી પાસે છે આ કંપનીઓના શેર?
દેશમાં આ 10 કંપનીઓએ નાણાકીય વર્ષ 2024 માટે તેમના રોકાણકારોને સૌથી વધુ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. જાણો અહીં કઈ છે આ કંપનીઓ.. દેશની ઘણી કંપનીઓ તેમના નફાનો કેટલોક હિસ્સો સમયાંતરે તેમના શેરધારકોમાં વહેંચે છે. રોકાણકારો પણ આવા શેરોમાં હાલ વધુ રસ રાખે છે, જે સારા વળતરની સાથે ડિવિડન્ડનું પણ વિતરણ કરે છે. ડિવિડન્ડ વિતરણ કંપનીઓ પર રોકાણકારોનો વિશ્વાસ પણ મજબૂત થાય છે. ડિવિડન્ડના કારણે રોકાણકારોને પણ નિયમિત આવક મળે છે. આજે અમે તમને આવી જ ટોચની 10 કંપનીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમણે નાણાકીય વર્ષ 2024 માં સૌથી વધુ ડિવિડન્ડ વહેંચ્યું છે.
MRF-
દેશમાં સૌથી વધુ ડિવિડન્ડનું વિતરણ કરતી ટોચની 5 કંપનીઓ MNCs છે. જો કે ટોપ 10ની યાદીમાં સામેલ એમઆરએફ ભારતીય મૂળની કંપની છે. દેશની સૌથી મોટી ટાયર ઉત્પાદક કંપની ૨૦૦ રૂપિયાના ડીપીએસ સાથે છઠ્ઠા ક્રમે હતી. કંપનીનો શેર લગભગ 1.3 લાખ રૂપિયા પ્રતિ શેર પર ટ્રેડ કરી રહ્યો છે.
Procter & Gamble Health-
કંપનીનો ચોખ્ખો નફો રૂ.૨,૦૪૧ કરોડ રહ્યો હતો. કંપનીએ 150 રૂપિયા પ્રતિ શેરના વિશેષ ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ સાથે પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હેલ્થે નાણાકીય વર્ષ માટે શેર દીઠ કુલ રૂ.200નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. નાણાકીય વર્ષ 23માં કંપનીએ શેર દીઠ 95 રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવ્યું હતું.
Procter & Gamble Hygiene-
કંપનીનો ચોખ્ખો નફો રૂપિયા 603 કરોડ રહ્યો છે. કંપનીએ શેર દીઠ રૂ.૧૬૦નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ આંકડો 2017 બાદ સૌથી વધુ છે. વર્ષ માટેના કુલ ડિવિડન્ડમાં કંપનીના 60 વર્ષની ઉજવણી માટે શેર દીઠ રૂ.60ના એક વખતના વિશેષ ડિવિડન્ડનો સમાવેશ થાય છે.
3M India-
૩ એમ ઇન્ડિયાએ ગયા વર્ષે ડિવિડન્ડ ચૂકવવાનું શરૂ કર્યું હતું. અમેરિકા સ્થિત 3એમ કંપનીની ભારતીય શાખાએ હવે નાણાકીય વર્ષ 2024 માટે શેર દીઠ રૂ.685નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ વર્ષે કોઈ પણ ભારતીય કંપની દ્વારા ચૂકવવામાં આવેલું આ સૌથી વધુ ડિવિડન્ડ છે. બે વર્ષમાં 3એમ ઇન્ડિયાએ ડિવિડન્ડ તરીકે 1,842 કરોડ રૂપિયાનું વિતરણ કર્યું છે.
Abbott India-
દવા ઉત્પાદક એબોટ ઇન્ડિયાએ નાણાકીય વર્ષ 2024 માટે શેર દીઠ રૂ. 410 ના ડિવિડન્ડ વિતરણની જાહેરાત કરી છે. આ તેના આખા વર્ષના નફાના ૭૩ ટકા છે. એબોટ લેબોરેટરીઝનું એકમ એબોટ ઈન્ડિયા નાણાકીય વર્ષ 2018 થી 2023 વચ્ચે દર વર્ષે વિશેષ ડિવિડન્ડનું વિતરણ કરે છે.
Bosch-
બોશનો ડિવિડન્ડ ટ્રેક રેકોર્ડ સારો છે. કંપની છેલ્લા 5 વર્ષથી રોકાણકારોને સારુ ડિવિડન્ડ આપી રહી છે. ગયા વર્ષે 480 રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવ્યા બાદ બોશે નાણાકીય વર્ષ 2024માં 375 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2024 માં બોશનો ચોખ્ખો નફો 75 ટકા વધીને 2,491 કરોડ રૂપિયા થઈ ગયો છે.
Page Industries-
બેંગાલુરુમાં મુખ્ય મથક ધરાવતી પેજ ઇન્ડસ્ટ્રીઝ લોકપ્રિય ઇનરવેર બ્રાન્ડ જોકીની માલિકી ધરાવે છે. પેજ ઇન્ડસ્ટ્રીઝ પણ હવે દેશમાં સૌથી વધુ ડિવિડન્ડનું વિતરણ કરતી કંપનીઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે. પેજ ઇન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો 569 કરોડ રૂપિયા રહ્યો છે. ઇબીઆઇટીડીએ પણ ૧.૧ ટકા વધીને રૂ. ૮૭૨ કરોડ થયું છે.
Oracle Financial Services-
ડિવિડન્ડ વિતરણની બાબતમાં ઓરેકલ અન્ય મોટી આઇટી કંપનીઓ કરતાં ઘણું આગળ છે. આ મિડકેપ સોફ્ટવેર કંપનીએ ડિવિડન્ડ તરીકે ૨૦૮૦ કરોડ રૂપિયા વહેંચવાની જાહેરાત કરી છે. કંપની 240 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપવા જઈ રહી છે. નાણાકીય વર્ષ 2024માં ઓરેકલ ફાઇનાન્શિયલનો ચોખ્ખો નફો 23 ટકા વધીને હવે રૂ.2,219 કરોડ થયો છે.
Sanofi India-
કંપનીનો ચોખ્ખો નફો રૂપિયા 603 કરોડ રહ્યો છે. નાણાકીય વર્ષ 2023 માટે સનોફી ઇન્ડિયાએ 167 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત કરી છે. જોકે, તે 5 વર્ષમાં સૌથી ઓછું છે. 2022 માં, કંપનીએ 2021 માટે 570 રૂપિયા અને 490 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ ચૂકવ્યું હતું. કંપની જાન્યુઆરીથી ડિસેમ્બરને પોતાનું હિસાબી વર્ષ માને છે.
Maharashtra Scooters-
બજાજ હોલ્ડિંગ્સ ઇન્વેસ્ટમેન્ટની માલિકીની મહારાષ્ટ્ર સ્કૂટર્સે નાણાકીય વર્ષ 2024 માટે શેર દીઠ રૂ.170ના ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપની છેલ્લા ચાર વર્ષથી સતત ડિવિડન્ડમાં વધારો કરી રહી છે. નાણાકીય વર્ષ 21 માં કંપનીએ 50 રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવ્યું હતું.