ડોમિનોઝ પિઝા ચલાવનારી કંપની જુબિલન્ટ ફૂડ કોકા-કોલા સાથે સંબંધ કાપી નાખશે
બંને કંપની છેલ્લા 20 વર્ષથી ભાગીદાર હતી, હવે આ સંબંધ પર પૂર્ણવિરામ લાગી જશે
નવી દિલ્હીઃ ભારતમાં ડોમિનોઝ પિઝાનું સંચાલન કરતી કંપની જુબિલન્ટ ફૂડ વર્ક્સ (જેએફએલ) કોકા-કોલા સાથેની ભાગીદારીનો અંત લાવી શકે છે. આ સાથે જ બંને કંપનીઓ વચ્ચે છેલ્લા 20 વર્ષથી ચાલતી ભાગીદારી પણ સમાપ્ત થઈ જશે. જુબિલન્ટ ફૂડ વર્ક્સ હવે પેપ્સિકો સાથે નવા સફરની શરૂઆત કરવા જઈ રહી છે. આ કંપનીઓ સાથે સંકળાયેલા બે ઉચ્ચ અધિકારીઓએ આ માહિતી આપી છે.
ઈકોનોમિક ટાઈમ્સના સમાચાર પ્રમાણે, ડોમિનોઝ અને પેપ્સિકો નવા કરાર અંગે વાટાઘાટો ચલાવી રહી છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાતો જણાવે છે કે, આ પહેલ ખર્ચ ઘટાડવાની કવાયતના સ્વરૂપમાં છે. જુબિલન્ટ ફૂડ વર્ક્સના પ્રવક્તાએ આ સમાચારને સમર્થન આપતા જણાવ્યું કે, અમે ભારતમાં કોકા-કોલા સાથે 20 કરતાં પણ વધુ સમયથી એક સારી ભાગીદારી પૂરી કરી છે.
પ્રવક્તાએ જણાવ્યું કે, હવે અમે પોતાનો વેપાર આગળના તબક્કામાં લઈ જવાની તૈયારીમાં છીએ. જેના કારણે અમે અન્ય વિકલ્પો પર વિચાર કરી રહ્યા છીએ. અમે એક શ્રેષ્ઠ બેવરેજ (ઠંડુ પીણું બનાવતી કંપની) ભાગીદારની શોધ કરી રહ્યા છીએ. જે અમારા બેવરેજ પોર્ટફોલિયોને વધુ મજબુતાઈ પ્રદાન કરે અને તેના કારણે અમારા વેપારમાં તેજી આવી શકે.
લિસ્ટેડ કંપની જુબિલન્ટ ફૂડ વર્ક્સ અત્યારે દેશમાં ડોમિનોઝના 1,114 સ્ટોરનું સંચાલન કરી રહી છે. કંપનીનું માનવું છે કે, નવી કંપની એટલે કે પેપ્સિકો સાથે ભાગીદારી થતાં અમે અમારા ગ્રાહકોને અમારી સાથે વધુ સારી રીતે જોડી શકીશું.
પેપ્સિકોના સીનિયર એક્ઝીક્યુટિવ અને બિઝનેસ કન્સલ્ટન્ટ લોઈડ મેથિયસે જણાવ્યું કે, મોટી ફૂડ ચેઈન કંપની સાથે પોતાની સારી વ્યાવસાયિક શરતો, મજબૂત જાહેરાત અને શ્રેષ્ઠ માર્કેટિંગના બળે પોતાનું ઠંડુ પીણું બદલી શકે છે. ઘણી વખત આવી પહેલ વેપાર અને કંપની માટે પણ સારી હોય છે.