નવી દિલ્હીઃ ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા દેશભરમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં લગભગ રૂ.32 કરોડની કિંમતનું 100 કિલો સોનું પકડી પાડવામાં આવ્યું છે. આ સાથે જ DRIએ દેશમાં જુદા-જુદા સ્થળોએથી સોનાની દાણચોરી કરતા 7 અન્ય લોકોની પણ ધરપકડ કરી છે, જેમાંથી એક નાગરિક ભુટાનનો નાગરિક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

DRIની છેલ્લા કેટલાય સમયથી સોનાના દાણચોરો પર નજર હતી. DRIના અધિકારીઓને માહિતી મળી હતી કે દાણચોરો પોરસ બોર્ડરનો ફાયદો ઉઠાવીને ભારતમાં દાણચોરી મારફતે સોનું ઘુસેડી રહ્યા છે. DRIએ સૌથી પહેલા પશ્ચિમ બંગાળના સિલિગુડીમાંથી બે વ્યક્તિને પકડ્યા હતા. તેમની કારની તલાશી લેતાં તેમાંથી સોનાના 55 બિસ્કિટ મળ્યા હતા, જેનું વજન 55 કિલો હતું. 


DRIના જણાવ્યા મુજબ, કારમાં ડ્રાઈવરની સીટ નીચે એક સ્પેશિયલ ખાનું બનાવીને સોનું તેમાં સંતાડવામાં આવ્યું હતું. સોનું મિઝોરમ બોર્ડર દ્વારા મયાંમારમાંથી દાણચોરી મારફતે ભારતમાં લાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ અન્ય કાર્યવાહી કરતાં DRIએ નવી દિલ્હી રેલવે સ્ટેશન પરથી 34 કિલો સોનું પકડી પાડ્યું હતું. સાથે જ દાણચોરીમાં સંડોવાયેલા ભુટાનના નાગરિક સહિત 3 લોકોની ધરપકડ પણ કરી હતી. આ સોનું પણ મયાંમારથી દાણચોરી મારફતે ભારતમાં લાવવામાં આવ્યું હતું. આ સોનું ચીન અને સ્વિસ માર્કાનું હતું. 


ત્યાર બાદ DRI ગુપ્ત માહિતીના આધારે દેશના ચાર જુદા-જુદા શહેરો (ચેન્નઈ, બેંગલુરુ, મદુરઈ અને ઈન્દોર)માં એરપોર્ટ પર કાર્યવાહી કરીને વધુ 13 કિલો સોનું પકડી પાડ્યું હતું. આ સોનું ભારતમાં કોલંબો અને સિંગાપોરથી લાવવામાં આવ્યું હતું. 



આ સોનું વિમાનની સીટમાં મુકવામાં આવતા લાઈફ જેકેટ અને સીટની નીચેના ખાલી સ્થાનમાં છુપાવીને લાવવામાં આવ્યું હતું. DRIએ કાર્યવાહી કરતાં 2 લોકોની ધરપકડ કરી છે. સાથે જ આ કિસ્સામાં એરલાઈન્સના કર્મચારીની ભૂમિકાની પણ તપાસ ચાલી રહી છે. 


DRI છેલ્લા ઘણા સમયથી ભારતમાં દાણચોરી મારફતે સોનું ઘુસેડતા લોકો પર સતત કાર્યવાહી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, સૌથી વધુ સોનું દુબઈ, હોંગકોંગ, સિંગાપોર મારફતે ભારતમાં લાવવામાં આવે છે. 


આ ઉપરાંત DRIએ થોડા સમય પહેલા શ્રીલંકાના સમુદ્ર માર્ગે પણ સોનાની દાણચોરીનો એક નવો રૂટ પકડ્યો છે. સમુદ્ર દ્વારા સોનું સૌથી પહેલા તમિલનાડુ લાવવામાં આવે છે અને પછી સડક કે રેલ માર્ગે ભારતના જુદા-જુદા શહેરોમાં વેચવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં તહેવારોના સમયમાં અને ત્યાર બાદ લગ્નસરાની સિઝનમાં સોનાની ડિમાન્ડ ઘણી વધી જાય છે. આ કારણે દાણચોરો આ તકનો ભરપૂર લાભ ઉઠાવે છે.