Driving License Rule: ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા માટે બદલાઈ ગયા છે નિયમ! ટેસ્ટ સહિતની ઝંઝટ ખતમ!
ડ્રાઈવિંગ લાયસન્સ માટેના નિયમોમાં કરાયેલા સુધારા મુજબ હવે તમારે RTO જઈને કોઈપણ પ્રકારનો ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાની જરૂર રહેશે નહીં.
નવી દિલ્હીઃ Driving License New Rules: ડ્રાઈવરો માટે મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે તમારે હવે પ્રાદેશિક પરિવહન કાર્યાલય (RTO)ના ચક્કર લગાવવાના, લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી. કેન્દ્ર સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાના નિયમો ખૂબ જ સરળ બનાવ્યા છે.
DL માટે ડ્રાઇવિંગ ટેસ્ટ જરૂરી નથી
ડ્રાઈવિંગ લાયસન્સ માટેના નિયમોમાં કરાયેલા સુધારા મુજબ હવે તમારે RTO જઈને કોઈપણ પ્રકારનો ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાની જરૂર રહેશે નહીં. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે આ નિયમોનું નોટિફાઈ કરી દીધા છે, આ નિયમો લાગૂ પણ થઈ ચૂક્યા છે. જેનાથી ડ્રાઇવિંગ લાયસન્સ માટે RTO ના વેઇટિંગ લિસ્ટમાં પડ્યા છે, તેમને મોટી રાહત થશે.
ડ્રાઈવિંગ સ્કૂલમાં જઈને ટ્રેનિંગ લેવી પડશે
મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હવે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે RTOમાં ટેસ્ટની રાહ જોવી પડશે નહીં. તમે કોઈપણ માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે પોતાને રજીસ્ટર કરાવી શકો છો. તેઓએ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલમાંથી ટ્રેનિંગ લેવાની રહેશે અને ત્યાં ટેસ્ટ પાસ કરવાની રહેશે, સ્કૂલ દ્વારા અરજદારોને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ પ્રમાણપત્રના આધારે, અરજદારનું ડ્રાઇવિંગ લાઇસન્સ જાહેર કરવામાં આવશે.
શું કહે છે નવા નિયમ?
પ્રશિક્ષણ કેન્દ્રો અંગે માર્ગ અને પરિવહન મંત્રાલય તરફથી કેટલીક માર્ગદર્શિકા અને શરતો છે. જેમાં પ્રશિક્ષણ કેન્દ્રોના વિસ્તારથી લઈને ટ્રેનરના શિક્ષણનો સમાવેશ થાય છે. ચાલો આપણે વિગતવાર સમજીએ...
1. અધિકૃત એજન્સી તે સુનિશ્ચિત કરશે કે ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને લાઇટ મોટર વાહનો માટેના તાલીમ કેન્દ્રો પાસે ઓછામાં ઓછી એક એકર જમીન હોય, મધ્યમ અને ભારે પેસેન્જર માલસામાન વાહનો અથવા ટ્રેઇલર્સ માટેના કેન્દ્રો માટે બે એકર જમીનની જરૂર પડશે.
2. ટ્રેનર ઓછામાં ઓછો 12મું ધોરણ પાસ હોવો જોઈએ અને ઓછામાં ઓછો પાંચ વર્ષનો ડ્રાઇવિંગ અનુભવ ધરાવતો હોવો જોઈએ, ટ્રાફિક નિયમોમાં સારી રીતે વાકેફ હોવો જોઈએ.
3. મંત્રાલયે એક શિક્ષણ અભ્યાસક્રમ પણ નિર્ધારિત કર્યો છે. હળવા મોટર વાહનો ચલાવવા માટે, કોર્સનો સમયગાળો મહત્તમ 4 અઠવાડિયાનો હશે જે 29 કલાક સુધી ચાલશે. આ ડ્રાઇવિંગ સેન્ટરોના અભ્યાસક્રમને 2 ભાગોમાં વહેંચવામાં આવશે. થિયરી અને પ્રેક્ટિકલ.
4. લોકોએ પાયાના રસ્તાઓ, ગ્રામીણ રસ્તાઓ, હાઇવે, શહેરના રસ્તાઓ, રિવર્સિંગ અને પાર્કિંગ, ચઢાવ-ઉતાર વગેરે પર ડ્રાઇવિંગ શીખવામાં 21 કલાક પસાર કરવા પડે છે. થિયરી પાર્ટ સમગ્ર કોર્સના 8 કલાકને આવરી લેશે, તેમાં રોડ શિષ્ટાચાર, રોડ રેજ, ટ્રાફિક એજ્યુકેશન, અકસ્માતોના કારણોને સમજવા, પ્રાથમિક સારવાર અને ડ્રાઇવિંગ ઇંધણ કાર્યક્ષમતાનો સમાવેશ થશે.