હવે દિવાળીના નાસ્તા કેમના બનાવીશું? સિંગતેલ-કપાસિયા તેલના ભાવમાં અધધધ વધારો થયો
Edible Oil Price Hike : દિવાળી પહેલા ફરી ખોરવાશે ગૃહિણીઓનું બજેટ... દિવાળી પહેલા ખાદ્ય તેલના ભાવોમાં ફરી વધારો... સિંગતેલમાં 15, કપાસિયા તેલમાં 55 અને પામતેલમાં 50નો વધારો ઝીંકાયો...
ગૌરવ દવે/રાજકોટ :પહેલીવાર એવી દિવાળી આવી છે, જેમાં લોકો મોંઘવારીનો માર સામે ઝઝૂમી રહ્યાં છે. જીવન જરૂરિયાતી તમામ વસ્તુઓના ભાવ એટલા વધ્યા છે કે, લોકોને દિવાળી ઉજવવી આકરી બની રહી છે. દિવાળી પહેલા ફરીથી ગૃહિણીઓનું બજેટ ખોરવાનું છે. દિવાળી ટાંણે જ તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. સિંગતેલમાં 15 રૂપિયા, કપાસિયા તેલમાં 55 રૂપિયા અને પામતેલમાં 50 રૂપિયાનો વધારો કરાયો છે.
ખાદ્યતેલના બજારમાં અવિરત વધારો થઈ રહ્યો છે. સિંગતેલમાં ૧૫ રૂપિયાનો વધારો થતા ડબ્બાનો ભાવ ૨૯૪૦ રૂપિયાએ પહોંચ્યો છે. તો કપાસિયાના તેલમાં 55 રૂપિયાનો વધારો થતાં ડબ્બાનો ભાવ ૨૩૬૫ રૂપિયાએ પહોંચ્યો છે. જ્યારે કે, પામોલિન તેલમાં રૂપિયા 50 નો વધારો થતા ડબ્બાનો ભાવ ૧૬૨૫ રૂપિયાએ પહોંચ્યો છે.
આ પણ વાંચો : ઉત્તરકાશી દુર્ઘટનામાં લાપતા અર્જુનસિંહનો મૃતદેહ મળ્યો, 6 દિવસ બરફમાં દટાયેલો હતો
મહત્વનું છે કે, મોંઘવારીના અસહ્ય માર વચ્ચે ફરી વાર સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. એક તરફ મગફળી અને કપાસની આવક વધી રહી છે. તો બીજી તરફ ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે મગફળી અને કપાસિયામાં ભેજ આવતો હોવાથી પીલાણ થઈ શકતું નથી. વેપારીઓનું કહેવું છે કે, વિદેશમાં ખાદ્યતેલની માગ વધી છે. જેથી ભાવમાં વધારો થયો છે.