ઇ-રિક્ષામાં બેટરીની ઝંઝટ થશે દૂર, હવે 10 કલાકની જગ્યાએ 4 મિનિટમાં ફુલ થશે બેટરી
દેશની અગ્રગણ્ય ઔદ્યોગિક કંપની એસ્સેલ ગ્રૂપ ઉત્તરપ્રદેશમાં ઇ-રિક્ષા ચલાવનારાઓ માટે મોટી ગિફ્ટ લઈને આવ્યું છે
નવી દિલ્હી : દેશની અગ્રગણ્ય ઔદ્યોગિક કંપની એસ્સેલ ગ્રૂપ ઉત્તરપ્રદેશમાં ઇ-રિક્ષા ચલાવનારાઓ માટે મોટી ગિફ્ટ લઈને આવ્યું છે. ગ્રૂપના પ્રોજેક્ટ એસ્સેલ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડ (ઇઆઇએલ) અંતર્ગત રાજયના 20 શહેરોમાં 250 ઇ-રિક્ષા ચાર્જિંગ સ્ટેશન અને 1000 બેટરી સ્વિપિંગ સ્ટેશન ખોલવામાં આવશે. આના માટે ઇ-રિક્ષા ચાલકોને રિક્ષા નહીં ખરીદવી પડે તેમજ દસ્તાવેજોની ઝંઝટમાં નહીં પડવું પડે. આ સિવાય તેમને ચાર્જિંગની સમસ્યા નહીં થાય અને થોડા સમય પછી રિક્ષા પણ તેમની થઈ જશે.
ઉત્તર પ્રદેશમાં ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમનીમાં રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ કહ્યું કે, 'દેશમાં લગભગ 6 લાખ ઇ-રિક્ષા આવી ગયા છે. આ રિક્ષા લેડ બેટરીથી ચાલે છે જેને ચાર્જ થવામાં 10 કલાક લાગે છે. આ સંજોગોમાં ઇ-રિક્ષા ચલાવનારાને કામ કરવા માટે ઓછો સમય મળે છે અને તે આખા દિવસમાં માંડમાંડ 400 રૂ. કમાઈ શકે છે.'
ડો. સુભાષ ચંદ્રાએ કહ્યું કે, 'અમે આ સમસ્યાનો ઉકેલ શોધ્યો છે. અમે વિચાર્યું છે કે આ બેટરીને લિથિયમ આયર્ન બેટરી સાથે બદલી દેવામાં આવશે. આ બેટરીને ચાર્જ કરવામાં એક કલાક જેટલો જ સમય લાગશે. એક બીજો વિકલ્પ છે કે બેટરીને ચાર્જ કરવાના બદલે પહેલાંથી ચાર્જ કરેલી બેટરી સાથે રિપ્લેસ કરી દેવામાં આવે. આ કરવામાં માત્ર ચાર મિનિટ લાગશે અને આના કારણે ઇ-રિક્ષા ચાલકોની આવક બમણી થઈ જશે. આ કામ કરવા માટે એસ્સેલ ગ્રૂપ ઉત્તરપ્રદેશમાં 1750 કરોડ રૂ.નું રોકાણ કરશે અને આના કારણે 50,000 લોકોને સીધો રોજગાર મળશે. ડો. સુભાષ ચંદ્રાએ કહ્યું છે કે અમે લોકોએ 2016માં પ્રધાનમંત્રીજીને વાયદો કર્યો હતો કે એસ્સેલ ગ્રૂપ જે કોઈ નવો બિઝનેસ કરશે એમાં સામાજિક હિત હશે, દેશનું હિત હશે, પર્યાવરણનું હિત હશે અથવા તો રોજગારનું સર્જન થશે.
ડો. સુભાષ ચંદ્રાએ કહ્યું છે કે એસ્સેલ ગ્રૂપ ઉત્તર પ્રદેશમાં 22500 કરોડ રૂ.ના રોકાણનું કામ પુરું કરશે અને આ રોકાણની રકમને વધારવામાં આવશે. તેમણે કહ્યું છે કે આ પ્રોજેક્ટ મારફતે પાંચ વર્ષમાં નવ લાખ લોકોને રોજગાર આપવાનું લક્ષ્ય છે અને આવનારા દિવસોમાં આ ટાર્ગેટ 10 લાખ સુધી પહોંચી જશે. ડો. સુભાષ ચંદ્રાએ જણાવ્યું છે કે આ માટે 25000 ઇ-રિક્ષા ડિપ્લોય કરવામાં આવશે અને પાંચ વર્ષ પછી ઇ-રિક્ષા એને ચલાવનારના નામે કરી દેવામાં આવશે. આ પ્રસંગે ડો. સુભાષ ચંદ્રાએ ઉત્તર પ્રદેશની યોગી સરકારના ભરપુર વખાણ કર્યા અને એને ઇમાનદારીથી કામ કરનારી સરકાર ગણાવી.