ઝુકરબર્ગની સુરક્ષા પર ગત વર્ષે 156 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો
કંપનીનું કહેવું છે કે, ફાઉન્ડર, સીઈઓ, ચેરમેન અને કંટ્રોલિંગ શેરહોલ્ડરના નાતે ઝુકરબર્ગની સુરક્ષા વધારવી જરૂરી હતી.
સેન ફ્રાંસિસ્કો: ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગની સુરક્ષા પર છેલ્લા વર્ષે 2.26 કરોડ ડોલર (156.32 કરોડ રૂપિયા)નો ખર્ચ કરવામાં આવ્યો છે. આશરે 2 કરોડ ડોલરની રકમ ઝુકરબર્ગ અને તેના પરિવારની સુરક્ષા માટે ખર્ચ કરવામાં આવી છે. 26 લાખ ડોલર ઝકરબર્ગને પ્રાઇવેટ જેટનો ઉપયોગ કરવા માટે મળ્યા છે. આ રકમ પણ સુરક્ષા ખર્ચમાં સામેલ છે. ફેસબુકે શુક્રવારે રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ જાણકારી આપી હતી.
શેરિલ સેન્ડબર્ગના વેતન-ભથ્થા 10 કરોડ રૂપિયા ઓછા થયા
2017માં ઝુકરબર્ગની સુરક્ષાનો ખર્ચ 90 લાખ ડોલર (62.25 કરોડ રૂપિયા) હતો. એક વર્ષમાં તેમાં 60 ટકાનો વધારો થયો છે. પરંતુ બેસિક સેલેરી તરીકે ઝુકરબર્ગ 3 વર્ષથી માત્ર 1 ડોલર વર્ષે લઈ રહ્યો છે.
સીઓઓ શેરિલ સેન્ડબર્ગની સુરક્ષા પર ફેસબુકે ગત વર્ષે 29 લાખ ડોલર (20 કરોડ રૂપિયા) ખર્ચ કર્યાં હતા. 9 લાખ ડોલર તેના પ્રાઇવેટ પ્લેનના ઉપયોગ કરવા માટે ચુકવવામાં આવ્યા હતા. સેન્ડબર્ગને પગાર અને ભથ્થા તરીકે ગત વર્ષે 2.37 કરોડ ડોલર (164 કરોડ રૂપિયા) મળ્યા હતા. 2017માં આ રકમ 2.52 કરોડ ડોલર (174 કરોડ રૂપિયા) હતી.
ફેસબુક દ્વારા ચૂંટણીમાં દખલ અને ડેટાનો ખોટો ઉપયોગના મામલા છેલ્લા એક વર્ષમાં ઘણા વધ્યા છે. તેથી કંપનીએ પોતાના અધિકારીઓની સુરક્ષાના ખર્ચમાં વધારો કર્યો છે. કંપનીનું કહેવું છે કે, ફાઉન્ડર, સીઈઓ, ચેરમેન અને કંટ્રોલિંગ શેરહોલ્ડરના નાતે ઝુકરબર્ગની સુરક્ષા વધારવી જરૂરી હતી.