લીલું સોનું કરાવશે ખેડૂતોને લીલા લહેર! એકવાર વાવેતર પછી જીવો ત્યાં સુધી કરો કમાણી!
ખેડૂત પરંપરાગત અને ઓર્ગેનિક ખેતી સાથે બાગાયતી ખેતી કરતા થયા છે. જેમાં ખાસ ટેક્નોલોજીના ઉપયોગથી ખેડૂતો મોટી મદદ મળી છે. પરંતુ કેટલાક એવા પાક છે જેમાં એક વખત રોકાણ કરી વર્ષો સુધી ખેડૂતો મેળવી શકે છે આવક જ આવક.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ખેતી હવે મજબૂરી નહીં પણ ખેડૂતોને આત્મ નિર્ભર બનવા તરફ લઈ જવાનો મહત્વનો પાયો બની ગઈ છે. ત્યારે ખેતીને વધુમાં વધુ નફાકારણ બનાવવા માટે સતત પ્રયાસ થઈ રહ્યા છે.જેમાં ઓછા ખર્ચે વધુ આવક મેળવવાનો હાલ ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. જેમાની એક છે વાંસની ખેતી. જેમાં ખેડૂતો થઈ શકે છે માલામાલ.
ખેડૂતો માટે છે લીલું સોનું-
વાંસની ખેતી એ ખેડૂતો માટે લીલું સોનું કહેવામાં આવે છે. વાંસનો ઉપયોગ અનેક ચીજ વસ્તુઓ બનાવવામાં થાય છે. વાંસમાંથી અવનવી અનેક પ્રોડક્ટ્સ પણ બને છે. સજાવટની વસ્તુઓમાં મોટાભાગે વાંસનો ઉપયોગ કરવામાં આવે છે.એટલા માટે જ ખેડૂતોને રાષ્ટ્રીય વાંસ મિશન દ્વારા વાંસની ખેતી માટે મદદ કરવામાં આવી રહી છે.
ક્યાં ક્યાં થાય છે વાંસની ખેતી?
વાંસ વાવ્યા પછી તમે લગભગ 40થી 60 વર્ષ સુધી તેમાંથી નફો મેળવી શકો છો. એટલા માટે જ વાંસની ખેતીને લીલું સોનું પણ ગણવામાં આવે છે. મધ્યપ્રદેશ, આસામ, કર્ણાટક, નાગાલેન્ડ, ત્રિપુરા, ઓડિશા, ગુજરાત, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રમાં મોટા પાયે વાંસની ખેતી થાય છે.
કેવી રીતે કરવી વાંસની ખેતી?
વાંસની ખેતી માટે જમીન તૈયાર કરવાની જરૂર નથી. બસ એટલી જ સરત છે જમીન ખૂબ રેતાળ ના હોવી જોઈએ. વાંસની ખેતીમાં તેને 2 ફૂટ ઊંડો અને 2 ફૂટ પહોળો ખાડો ખોદીને ટ્રાન્સપ્લાન્ટ કરી શકો છો. આ સાથે વાંસ રોપતી વખતે ગાયના છાણના ખાતરનો ઉપયોગ કરી શકાય છે. રોપ્યા પછી તરત જ છોડને પાણી આપો અને એક મહિના સુધી દરરોજ પાણી આપવાનું ચાલુ રાખો. તો 6 મહિના પછી દર અઠવાડિયે પાણી આપવાનું હોય છે.
વાવણીથી આવક સુધીની કેવી હોય છે સફર?
વાંસનું વાવેતર બીજ, કટીંગ અથવા રાઇઝોમમાંથી કરી શકાય છે. તેના બીજ ખૂબ જ દુર્લભ અને મોંઘા હોય છે. છોડની કિંમત વાંસના છોડની વિવિધતા અને ગુણવત્તા પર પણ આધાર રાખે છે. હેક્ટર દીઠ આશરે વાંસના 1,500 છોડ વાવી શકાય છે. તેની કિંમત પ્રતિ પ્લાન્ટના 250 રૂપિયા સુધી હોય છે. વાંસના વૃક્ષની લણણી વાવણીના 4 વર્ષ પછી શરૂ થાય છે. જેમાં એક હેક્ટરના વાવેતરમાંથી 4 લાખ રૂપિયા સુધીની આવક થઈ શકે છે. જે આગામી 40થી 60 વર્ષ સુધી ચાલુ રહે છે.