સમીર બલોચ/અરવલ્લી :ખાદ્યતેલોના ભાવોમાં છેલ્લા પંદર દિવસથી ભડકો જોવા મળતા ગૃહિણીઓના બજેટ ઉપર અસર થઇ છે. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને પગલે વિદેશથી આવતો કાચો માલ મોંઘો બનતા એક ડબા પાછળ 400 થી 450 રૂપિયા ભાવ વધારો થતા ગૃહિણીઓની સાથે ખાદ્ય તેલનો વેપાર કરતા વેપારીઓ અને ઉત્પાદકો પણ પરેશાન બન્યા છે. સીંગતેલ, કપાસિયા તેલ, સનફ્લાવર તેલ, પામોલિન તેલના ભાવ માત્ર પંદર દિવસથી એકાએક વધી ગયા છે. 15 દિવસમાં ખાદ્ય તેલના ભાવ 20 થી 30 ટકા જેટલા ઉંચકાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારતમાં પણ જુદા જુદા ક્ષેત્રો ઉપર પડી રહી છે. બંને દેશો સાથે સંકળાયેલા ઉદ્યોગોને અસર થઈ છે. વિદેશથી આવતો કાચો માલસામાન મોંઘો બનતા ખાદ્ય તેલોના ભાવ આસમાને પહોંચ્યા છે. તો બીજી તરફ છેલ્લા પંદર દિવસમાં સીંગતેલ અને સોયાબીન તેલના ભાવોમાં તોતિંગ ભાવ વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. પંદર દિવસ અગાઉ જે સીંગતેલના ડબ્બાનો ભાવ 2250 રૂપિયે મળતો હતો, તે વધીને હાલ 2650 રૂપિયા થઈ ગયો છે. જ્યારે સોયાબિન અને પામોલીન તેલમાં પણ એક ડબ્બા પાછળ 400 થી 500 રૂપિયા ભાવ વધારો થયો છે. જેના કારણે તેલના ઉત્પાદકોની સાથે વેપારીઓ પણ પરેશાન બન્યા છે. 


  • સનફ્લાવર તેલ રૂ. 50નો વધારો

  • કપાસિયા તેલમાં રૂ.30નો વધારો

  • સરસવ તેલમાં રૂ.10 વધારો

  • સીંગતેલમાં રૂ. 40નો વધારો 


તો બીજી તરફ સતત વધી રહેલા ખાદ્ય તેલોના ભાવોની અસર ગૃહિણીઓના બજેટ ઉપર પણ પડી છે. તેલના ડબ્બા પાછળ 400 થી 500 રૂપિયાનો ભાવ વધારો થતા ગૃહિણીઓ પોતાના રસોડા પાછળ જે 10 હજારથી 12 હજારનો ખર્ચ કરતી હતી, તે વધીને હવે 12 થી 15 હજાર જેટલો ફાળવવો પડે છે. જેથી ખાદ્ય તેલોના વધેલા ભાવે ગૃહિણીઓને પણ મુશ્કેલીમાં મૂકી છે અને તેઓના માસિક બજેટમાં વધારો કર્યો છે. તમામ જીવન જરૂરિયાતી વસ્તુઓના ભાવ તોતિંગ વધી રહ્યા છે. દૂધ, પેટ્રોલ, શાકભાજી બાદ હવે તેલના ભાવ પણ લોકોને ટેન્શન કરાવી રહ્યાં છે. 


  • પંદર દિવસ અગાઉના ભાવો અને આજના ભાવો

  • સોયાબીન પંદર દિવસ પહેલા 2050 આજનો ભાવ 2450

  • પામોલિન પંદર દિવસ પહેલા 1950 આજનો ભાવ 2400

  • સીંગતેલ પંદર દિવસ પહેલા 2250 આજનો ભાવ 2650



તેલ ઉત્પાદક પરેશભાઈએ કહ્યું કે, આપણા દેશમાં તેલની જરૂરિયાત સૌથી વધુ છે. કુલ વપરાશનું 60 ટકા તેલ વિદેશથી આયાત કરવામાં આવે છે. રશિયા યુક્રેન યુદ્ધની અસરથી તેલના ભાવ એકાએક ઉંચકાયા છે. જો યુદ્ધ લાંબો સમય ચાલ્યુ તો ભાવ હજી ઉંચા જઈ શકે છે.