અભિષેક જૈન, અમદાવાદઃ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી દુનિયાના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. અને હવે બીજા નંબર પર ટૂંક સમયમાં જ પહોંચી શકે છે...કેમ કે અદાણીની નેટવર્થ 137.4 અબજ ડોલર છે, જ્યારે દુનિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ અને એમેઝોનના સ્થાપક જેફ  બેઝોસની નેટવર્થ 153 અબજ ડોલર છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સનું માનીએ તો દુનિયાના ટોચના 10 ધનિકોની યાદીમાં માત્ર અદાણીની જ સંપત્તિ છેલ્લા 24 કલાક દરમિયાન વધી છે. જાન્યુઆરીથી અત્યાર સુધી તેમની સંપત્તિમાં 60 અબજ ડોલરથી વધુનો ઉમેરો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફક્ત 4 મહિનામાં ચોથા ક્રમેથી ત્રીજા ક્રમે પહોંચ્યા-
દુનિયાના ચૌથા સૌથી ધનિક વ્યક્તિથી ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ બનવા સુધીની સફર તેમણે ફક્ત ચાર મહિનામાં પૂરી કરી છે. સંપત્તિમાં વધારાની આ ગતિને જોતાં ગૌતમ અદાણી હવે કોઈ પણ સમયે દુનિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ બની શકે છે. અહીં એ વાત નોંધવા જેવી છે કે નેટવર્થની બાબતમાં અદાણી હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીથી ઘણા આગળ નીકળી ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં મુકેશ અંબાણી 91.9 અબજ ડોલરની સંપત્તિ સાથે 11મા ક્રમે છે. એટલે કે અંબાણી કરતા અદાણીની નેટવર્થ 45 અબજ ડોલર જેટલી વધારે છે...


બફેટ અને અદાણી વચ્ચે '60'નો સંબંધ-
ગૌતમ અદાણી જે દિવસે દુનિયાના ત્રીજા ધનિક વ્યક્તિ બન્યા, યોગાનુયોગ તે દિવસ વોરન બફેટનો જન્મદિવસ છે. બફેટ હાલ 100 અબજ ડોલરની નેટવર્થ સાથે દુનિયાના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ છે. બફેટ અને અદાણીમાં કેટલીક સામ્યતા પણ છે. બંને વચ્ચેનો એક સંબંધ 60ના આંકડા અંગેનો છે. વોરન બફેટે પોતાની વર્તમાન સંપત્તિનો 94 ટકા હિસ્સો 60 વર્ષની વય પછી મેળવ્યો છે, જ્યારે અદાણીએ પોતાના 60મા જન્મદિવસ પછીના 78મા દિવસે જ પોતાની સંપત્તિમાં 70 ટકાનો વધારો નોંધાવ્યો છે. 24 જૂન 2022ના રોજ પોતાના 60મા જન્મદિવસે અદાણીની નેટવર્થ 95 અબજ ડોલર હતી. જે 30 ઓગસ્ટના રોજ વધીને 137 અબજ ડોલરને આંબી ગઈ...એક એપ્રિલના રોજ અદાણીની નેટવર્થ પહેલી વાર 100 અબજ ડોલરને પાર  પહોંચી હતી. તેના પાંચ મહિનામાં જ તેમની સંપત્તિમાં 37 અબજ ડોલરનો વધારો નોંધાયો છે...


અદાણી જૂથના તાજેતરના હસ્તાંતરણ-
આ વર્ષે અદાણી જૂથે પાર પાડેલા મોટા સોદાઓ પર નજર કરીએ તો મે મહિનામાં અદાણી જૂથે દુનિયાની ટોચની સીમેન્ટ કંપની હોલ્સીમનો ભારતનો કારોબર 10.5 અબજ ડોલરમાં ખરીદ્યો હતો. અદાણી પાવરે તાજેતરમાં જ થર્મલ પાવર પ્લાન્ટ ઓપરેટર ડીબી પાવરને 7 હજાર કરોડ રૂપિયામાં ખરીદવાની જાહેરાત કરી. અદાણી જૂથે જુલાઈમાં ઈઝરાયલના એક પોર્ટનું સંચાલન પણ સંભાળ્યું હતું. આ તમામ બાબતો દેખાડે છે કે ગૌતમ અદાણી હવે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બનવાની દિશામાં છે. આ માટેનો સમય તેમના વેપારમાં વૃદ્ધિની ગતિ નક્કી કરશે.