નવી દિલ્લીઃ દિવાળી અગાઉ સોનાની કિંમતો એક નવા સ્તરે સ્થિર થઈ રહી છે. આગામી સમયમાં સોનાની કિંમત ઘટવાની પણ શક્યતા છે. જો કે મલ્ટી કોમોડિટી એક્સચેંજ અને હાજર બજારમાં સોનાની કિંમતોમાં થોડો તફાવત જોવા મળે છે. મલ્ટી કોમોડિટી એક્સચેંજ પર શુક્રવારે સોનાની કિંમત છ મહિનાના નીચલા સ્તરે આવી ગઈ. શુક્રવારે MCX પર સોનાનો ઓક્ટોબર કોન્ટ્રાક્ટ છ મહિનાના નીચલા સ્તરે આવ્યા બાદ 10 ગ્રામ દીઠ 49,399 રૂપિયાના લેવલે બંધ આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હજુ ઘટી શકે છે સોનાની કિંમતો-
જાણકારોનું માનીએ તો વૈશ્વિક મંદી, મોંઘવારી અને ડોલરની સામે રૂપિયાની નબળાઈને કારણે સોનાની કિંમતોમાં હજુ ઘટાડો નોંધાઈ શકે છે. કેટલાક જાણકારો તો ત્યાં સુધી કહે છે કે દેશમાં સોનું 10 ગ્રામ દીઠ  48 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે. ખરીદનારાઓ માટે આ એક મોટી તક હશે, જ્યારે રોકાણકારોએ ધ્યાન રાખવું પડશે. ડોલરની સામે રૂપિયાની પછડાટને કારણે રોકાણકારો સોનાથી દૂર રહેવાનું પસંદ કરી રહ્યા છે. અમેરિકામાં વ્યાજદરોમાં વધારાને કારણે સોનાની કિંમતો પર દબાણ આવી રહ્યું છે.  


7 મહિનામાં સોનું 5 હજાર રૂપિયા સસ્તું થયું-
આ વર્ષે ફેબ્રુઆરીના અંતે 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 55 હજાર રૂપિયા હતો. જે અત્યારે 50 હજાર રૂપિયાની આસપાસ છે. એટલે કે સાતેક મહિનામાં સોનાની કિંમતોમાં પાંચ હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. દિવાળી  બાદ શરૂ થનારી લગ્નસરાની સીઝન માટે સોનાની કિંમતોમાં ઘટાડો એક પોઝિટિવ ટ્રેન્ડ છે.


નવું સપ્તાહ નિર્ણાયક રહેશે-
જો કે ભારતીય બજારોમાં સોનાની કિંમતો સ્થિર થાય તે માટે થોડી રાહ જોવી ઈચ્છનીય છે. કેમ કે, શનિવારે દેશમાં સોનાની કિંમત 530 રૂપિયા વધીને 50,730 રૂપિયા સુધી પહોંચી હતી, જેને જોતાં આ સપ્તાહે સોનાની કિંમતો નજીકના સમય માટે ટ્રેન્ડ નક્કી કરી શકે છે.