Gold Rate Today: આવતી કાલે અક્ષય તૃતિયા એટલે કે અખાત્રીજ છે અને તે પહેલા સોનાના ભાવમાં ઘટાડો જોતા લોકોને હાશકારો થયો છે. જેને કારણે સોના અને ચાંદીમાં રોકાણની સારી તક છે. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસિઝ લિમિટેડ (MOFSL) એ સોના અને ચાંદી પર એક રિપોર્ટ બહાર પાડ્યો છે. MOFSL એ સોના અને ચાંદી બંને માટે પોઝિટિવ ટ્રેન્ડ યથાવત રાખ્યો છે અને તેમાં રોકાણની સલાહ આપી છે. બ્રોકરેજનું માનવું છે કે સોનું લોંગ ટર્મમાં 75000 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચાંદી એક લાખ રૂપિયા પ્રતિ કિલો જઈ શકે છે. જેને કારણે સોનાના તૂટતા ભાવમાં રોકાણની સલાહ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરાફા બજારમાં સોનાનો આજનો ભાવ


ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ઓપનિંગ રેટ 21 રૂપિયા તૂટ્યો પરંતુ સાંજ પડતા ક્લોઝિંગ રેટમાં વધુ 122 રૂપિયા તૂટ્યા. છેલ્લા 24 કલાકમાં સોનાના ભાવમાં 143 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. ઘટાડા બાદ સોનાનો ભાવ 71502 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો. બંપર તેજી બાદ હવે સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 22 કેરેટ એટલે કે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું પણ ઓપનિંગ રેટમાં આજે 19 રૂપિયા તૂટ્યું પરંતુ સાંજે ક્લોઝિંગ રેટમાં વધુ 112 રૂપિયા ઘટ્યા. ભાવ 65496 રૂપિયા થયો. એક દિવસમાં 131 રૂપિયા ઘટ્યા. 


ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં જો કે ઓપનિંગ રેટમાં વધારો જોવા મળ્યો અને ક્લોઝિંગ રેટમાં પણ ભાવ વધેલા જોવા મળ્યા. શુદ્ધ ચાંદીમાં ઓપનિંગ રેટમાં પ્રતિ કિલો 754 રૂપિયાનો વધારો જોવા મળ્યો અને ક્લોઝિંગ રેટમાં 46 રૂપિયા વધ્યા. હાલ ભાવ 82342 રૂપિયાના સ્તરે જોવા મળ્યો છે. 



MCX પર સોનાના  ભાવ
હાલમાં વાયદા બજારના રેટ પર નજર ફેરવીએ તો સોનાના દાવ શરાફા બજારની જેમ વાયદા બજારમાં પણ તૂટ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સુસ્તી જોવા મળી છે. ભારતીય વાયદા બજારમાં સોનું આજે 34 રૂપિયાના ઘટાડા સાથે 71093 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું. જો કે સોનામાં સતત ઉતાર ચડાવ ચાલુ છે. ચાંદીની ચમક યથાવત છે. ચાંદી આજે 194 રૂપિયાની તેજી સાથે 83188 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે જોવા મળી. 


સોના ચાંદીએ કેટલું રિટર્ન આપ્યું
હવે સોનામાં રોકાણ વિશે વાત કરીએ તો મોતીલાલ ઓસવાલના રિપોર્ટ મુજબ અક્ષય તૃતિયા પર છેલ્લા 15 વર્ષમાં સોનાએ 10 ટકા CAGR અને ચાંદીએ 7 ટકા CAGR આપ્યું છે. લાંબા ગાળામાં સોનાની સરખામણીમાં ચાંદી આઉટપરફોર્મ કરી શકે છે. આંકડા પર નજર ફેરવીએ તો ગત વર્ષની અખાત્રીજથી અત્યાર સુધીમાં સોનામાં 13 ટકા અને ચાંદીમાં 11 ટકા ભાવવધારો જોવા મળ્યો છે. 


રોકાણની સલાહ!
રિપોર્ટ મુજબ MOFSL એ હજુ પણ સોના અને ચાંદી બંને માટે પોઝિટિવ ટ્રેન્ડ બનાવી રાખ્યો છે. બ્રોકરેજ ફર્મનું અનુમાન છે કે આવનારા સમયમાં 10 ગ્રામ સોનું 75000 રૂપિયા અને એક કિલો ચાંદી એક લાખ રૂપિયાનો ભાવ ટચ કરી શકે છે. આવામાં બ્રોકરેજ ફર્મે આ લક્ષ્યો માટે સોના અને ચાંદીમાં રોકાણની સલાહ આપી છે. જ્યારે કોમેક્સ પર સોના માટે 2450 ડોલર અને ચાંદી માટે 34 ડોલરના લક્ષ્ય સાથે ઘટાડા પર ખરીદીની સલાહ આપી છે. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube