Gold Rate Review: અચાનક કેમ સોનામાં જોવા મળ્યો તોતિંગ ઉછાળો? 70,000 રૂપિયા સુધી પહોંચી શકે છે સોનું
સોનું અને ચાંદી લેવાની ઈચ્છા ધરાવતા લોકોના મનમાં પણ હવે સવાલ ઘૂમરાઈ રહ્યો હશે કે આગળ સ્થિતિ શું રહેશે? સોનાના ભાવમાં ઘટાડો જોવા મળશે કે પછી આ જ રીતે સોનું કૂદકે ને ભૂસકે આગળ વધતું રહેશે?
વૈશ્વિક બજારોમાં મજબૂતીના વલણ વચ્ચે મંગળવારે સોના-ચાંદીના ભાવમાં અંધાધૂંધ વધારો જોવા મળ્યો. અમદાવાદમાં તો સોનું ઉછળીને 66500 રૂપિયાના રેકોર્ડ પર જોવા મળ્યું. ચાંદી પણ 2000 રૂપિયા ઉછળીને 73000 રૂપિયા સુધી પહોંચી ગઈ. આ જોતા સોનું અને ચાંદી લેવાની ઈચ્છા ધરાવતા લોકોના મનમાં પણ હવે સવાલ ઘૂમરાઈ રહ્યો હશે કે આગળ સ્થિતિ શું રહેશે? સોનાના ભાવમાં ઘટાડો જોવા મળશે કે પછી આ જ રીતે સોનું કૂદકે ને ભૂસકે આગળ વધતું રહેશે?
સોનામાં તોફાની તેજી
ગઈ કાલે અમદાવાદના સોના ચાંદીના બજારમાં સોનાના ભાવમાં 900 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો અને ભાવ 66 હજારની સપાટી કૂદાવી ગયા. શુદ્ધ સોનું (999 પ્યોરિટીવાળું) પ્રતિ 10 ગ્રામ 66500 રૂપિયા જોવા મળ્યા. જ્યારે ચાંદી પણ પ્રતિ કિલો 2000 રૂપિયા જેટલી ઉછળીને 730000 રૂપિયા સુધી પહોંચી ગઈ.
વૈશ્વિક બજારમાં પણ સપાટો
વૈશ્વિક બજારોમાં પણ સોનાના ભાવ ઉછળીને 2135 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગયા હતા. સોનાના ભાવ ઉછળતા તેની પાછળ ચાંદીના ભાવ પણ વધતા જોવા મળ્યા. ચાંદીના ભાવ પણ વધ્યા અને 24.16 અમેરિકી ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી હતી. વિદેશી બજારમાં સ્થિર ડોલર છતાં સોના અને ચાંદીના ભાવમાં સુધારો થયો છે અને તે વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ગ્લોબલ ઈક્વિટીની સ્થિર ચાલ અને અમેરિકી ફેડરલ બેંકના વ્યાજ દરમાં કાપવાળા નિર્ણયો પર અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોને સુરક્ષિત રોકાણ વિકલ્પે આકર્ષિત કર્યા છે.
સોના ક્યાં સુધી જઈ શકે
નિષ્ણાંતોના મતે સોનું વર્ષના અંત સુધીમાં ઉછળીને 70,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધીની સપાટી સુધી પહોંચી શકે છે. જ્યાંરે ચાંદી પણ 85,000 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી શકે છે. રોકાણકારો અમેરિકી ફેડના જૂનમાં વ્યાજદરોમાં થનારા કાપને લઈને અટકળો લગાવી રહ્યા છે એવું એચડીએફસી સિક્યોરિટીઝના કોમોડિટી એન્ડ કરન્સી પ્રમુખ અનુજ ગુપ્તાનું માનવું છે. આ આશા સાથે સોનું જલદી નવા સ્તરે પહોંચી શકે છે. પરંતુ જો ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડો ન કરે અને મોંઘવારી તથા અર્થતંત્રમાં સુધારો જોવા ન મળે તો સોનામાં તેજી જળવાઈ રહે તેવું લાગતું નથી. ગોલ્ડ ETF, બોન્ડમાં રોકાણકારોની વેચાવલી પર ઘટાડો નિર્ભર રહે છે.
સોનામાં ભાવ વધવાનું કારણ
જાણકારોનું માનવું છે કે અમેરિકી સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા જૂનમાં વ્યાજદરમાં કાપની અટકળો વધવાથી સોનાના ભાવમાં તેજી આવી છે. આ પ્રકારે છેલ્લા ત્રણ દિવસમાં એમસીએક્સ પર સોનાના ભાવમાં 2400 રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો છે. અણેરિકામાં ઔદ્યોગિક અને નિર્માણ ખર્ચમાં કમીના સંકેતો સાથે સાથે મોંઘવારી દર ઘટવા જેવા તમામ કારણોસર સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. જૂનમાં અમેરિકી સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કાપની 71 ટકા જેટલી આશા છે. આવામાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો અને આ મહિનાના અંત સુધીમાં તે નવો રેકોર્ડ પણ સર્જી શકે છે.
જાણકારોના મત મુજબ રોકાણકારોએ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ પોવેલના હાલના નિવેદનોથી સંભવિત અસ્થિરતાના કારણે સાવધાની વર્તવી જોઈએ. તેમણે બજારમાં ઉતાર ચડાવ સંલગ્ન જોખમોને ઓછા કરવા માટે આ સમયગાળા દરમિયાન પોઝિશન પર વધુ જોખમથી બચવાની સલાહ આપી. આમ છતાં વધતા ભૂ રાજનીતિક તણાવના કારણે સોના પ્રત્યે રોકાણકારોનું આકર્ષણ વધી ગયું છે. જેના કારણે ભાવમાં તેજી આવી છે.
3600 દિવસમાં 37000 રૂપિયાનો વધારો
આંકડાઓ પર નજર ફેરવીએ તો માર્ચ 2014માં સોનું 29500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જેટલું હતું જ્યારે માર્ચ 2024માં હાલ સોનું 66500ની સપાટીએ જોવા મળ્યું. છેલ્લા 10 વર્ષમાં સોનામાં પ્રતિ 10 ગ્રામ 37000 રૂપિયા જેટલો વધારો નોંધાયો. જ્યારે ચાંદી પણ 10 વર્ષ પહેલા પ્રતિ કિલો 38000 રૂપિયાની સામે હાલ 73000 રૂપિયા જોવા મળી રહી છે.
સોનાના ભાવ વધવાનો આધાર
સોનાના ભાવ મહદઅંશે બજારમાં સોનાની માંગણી અને આપૂર્તિના આધારે નક્કી થાય છે. સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. આપૂર્તિ વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ વૈશ્વિક આર્થિક સ્થિતિઓથી પ્રભાવિત હોય છે. જેમ કે જો દુનિયાની અર્થવ્યવસ્થા ખરાબ પ્રદર્શન કરી રહી હશે તો રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે સોનામાં રોકાણ કરશે. જેનાથી સોનાના ભાવ વધશે. અત્રે જણાવવાનું કે સોનું પણ સુરક્ષિત રોકાણનો વિકલ્પ ગણાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube