મોદી સરકાર માટે સારા સમાચાર, ડોલર સામે રૂપિયો મજબૂત, ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા
મોદી સરકાર પાર્ટ-2 માટે સારા સમાચાર છે. રેપો રેટ ઘટવાની સંભાવના વચ્ચે દેશવાસીઓ માટે એક ખુશખબરી સામે આવી છે. ડોલરની સરખામણીએ રૂપિયો મજબૂત બન્યો છે જ્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
નવી દિલ્હી : મોદી સરકારની બીજી ઇનિંગ સાથે દેશવાસીઓ માટે વધુ એક ખુશખબરી છે. ડોલરની સરખામણીએ રૂપિયો મજબૂત થઇ રહ્યો છે. મંગળવારે સવારે 11 પૈસાના વધારા સાથે રૂપિયો વધુ મજબૂત થયો છે. સોમવારે રૂપિયો 69.29 પર બંધ થયો હતો. મંગળવારે સવારે 69.15 પર ખુલ્યો છે. સવારે સવા દસ વાગે રૂપિયો 69.19 પર ટ્રેડ થઇ રહ્યો છે. રેપો રેટ ઘટવાની સંભાવનાઓ વચ્ચે ગત સત્રમાં ડોલરની સરખામણીએ રૂપિયો 44 પૈસાના મજબૂતી સાથે 69.29 પર બંધ થયો હતો. વર્તમાનમાં રેપો રેટ 6 ટકા છે. આશા સેવાઇ રહી છે કે રેપો રેટમાં 25 પોઇન્ટના ઘટાડાની સંભાવના છે.
તમને જણાવીએ કે, છેલ્લા કેટલાક મહિનામાં આતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળી રહયો છે. કરન્સી બજારના જાણકારોનું માનવું છે કે, ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડાને લીધે રૂપિયો સતત મજબૂત થઇ રહ્યો છે. સાથોસાથ રેપો રેટમાં ઘટાડાની સંભાવનાથી રૂપિયાને વધુ પ્રોત્સાહન મળી રહ્યું છે.
ગ્લોબલ ઇકોનોમિક સ્લોડાઉન અને ચીન અમેરિકા વચ્ચે શરૂ થયેલા ટ્રેડ વોરની સીધી અસર ક્રૂડ ઓઇલના ભાવ પર જોવા મળી રહી છે. સોમવારે ક્રૂડ ઓઇલ 61 ડોલર પ્રતિ બેરલ પર બંધ થયું હતું. 28 મેના રોજ આ ભાવ 70 ડોલર પ્રતિ બેરલ હતો. પીએમ મોદી સરકાર માટે આ સારા સમાચાર છે.