નવી દિલ્હી : આઇઆઇટી દિલ્હી અને આઇઆઇટી મુંબઇ સાથે જ જિયો ઇન્સ્ટીટ્યૂટને ઇન્સ્ટીટ્યૂટ ઓફ એમિનેન્સ એટલે કે ઉત્કૃષ્ઠ સંસ્થાનો દરજ્જો આપવાને લઇને પૂર્વ ભાજપ નેતા યશવંત સિંહાએ કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે પુછ્યું કે, શું મુકેશ અંબાણી ભગવાન છે? જોકે સરકારે પોતાની સ્પષ્ટતા કરતાં કહ્યું કે, જિયો ઇન્સ્ટીટ્યૂટને એક ખાસ શ્રેણીમાં આ દરજ્જો આપવાનો પ્રસ્તાવ છે અને આ દરજ્જો સંસ્થા શરૂ થયા બાદ જ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યશવંત સિંહાએ એક ટ્વિટ કરીને ક્હ્યું કે, જિયો ઇન્સ્ટીટ્યૂટની હજુ સ્થાપના થઇ નથી એનું અસ્તિત્વ નથી આમ છતાં સરકારે એને એમિનેન્ટ ટેગ આપી દીધી છે. આ મુકેશ અંબાણી હોવાનું મહત્વ છે. એ પછી એમણે ટ્વિટમાં લખ્યું કે શું તે ભગવાન છે?



કેન્દ્રિય માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એચઆરડી)એ ગઇ કાલે છ સંસ્થાઓને ઇન્સ્ટીટ્યૂટ ઓફ એમિનેન્સનો દરજ્જો આપ્યો હતો. જેમાં આઇઆઇટી દિલ્હી, આઇઆઇટી મુંબઇ, આઇઆઇએસસી બેંગલોર, મનિપાલ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન, બિટ્સ પિલાની અને જિયો ઇન્સ્ટીટ્યૂટનો સમાવેશ છે. જેને લઇને વિવાદનો દોર શરૂ થયો છે. કારણ કે જે સંસ્થા હજુ શરૂ થઇ નથી એને પહેલેથી જ આ દરજ્જો આપવામાં આવતાં વિવાદ થયો છે. કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે જિયોને આઇઆઇટી સમકક્ષ કેવી રીતે ગણી શકાય. વિપક્ષ કોંગ્રેસે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઉદ્યોગપતિ મિત્રને ફાયદો કરાવવા માટે આવું કર્યું છે. 



એચઆરડી મંત્રાલયની સ્પષ્ટતા
વિવાદીત આ મામલે સ્પષ્ટતા કરતાં ઉચ્ચ શિક્ષણ સચિવ સુબ્રમણ્યમે કહ્યું કે, આ દરજ્જા ત્રણ વિભાગમાં વહેંચાયેલા છે. પ્રથમ શ્રેણી સરકારી સંસ્થાઓની છે જેમાં આઇઆઇટીનો સમાવેશ થાય છે. બીજી શ્રેણીમાં ખાનગી સંસ્થાઓનો સમાવેશ થાય છે. જેમાં બિટ્સ પિલાણી અને મણિપાલ જેવી સંસ્થાઓ છે. 


જિયો ઇન્સ્ટીટ્યૂટનો સમાવેશ કરવા અંગે કારણ આપતાં તેમણે કહ્યું કે, ત્રીજી શ્રેણી એવા ગ્રીનફિલ્ડ ખાનગી સંસ્થાઓ માટે છે જે હજુ શરૂ થઇ નથી પરંતુ અહીં સ્પષ્ટ રીતે જવાબદાર  ખાનગી સંસ્થા વૈશ્વિક સ્તર પર ઉત્કૃષ્ઠ સંસ્થા બનાવવા દ્રઢ મહેચ્છા છે. એને આવકારવી જોઇએ. તેમણે કહ્યું કે, ગ્રીનફિલ્ડ કેટેગરીમાં 11 પ્રસ્તાવ આવ્યા હતા. કમિટીએ જરૂરી પ્રક્રિયા, એના પ્રસ્તાવ અને જમીન બિલ્ડીંગ સહિતને લઇને એની યોગ્યતાઓ પર વિચાર કર્યા બાદ આ સંસ્થાને આ દરજ્જો આપ્યો છે.


તેમણે કહ્યું કે, કેટલાક લોકો પ્રોપેગેન્ડા કરી રહ્યા છે અને એ વાત ફેલાવી રહ્યા છે કે જિયો ઇન્સ્ટીટ્યૂટને 1000 કરોડ રૂપિયા આપવામાં આવશે પણ એવું નથી. માત્ર સરકારી સંસ્થાઓને જ 1000 કરોડ રૂપિયા મળશે. તેમણે કહ્યું કે, જિયો ઇન્સ્ટીટ્યૂટને માત્ર લેટર ઓફ ઇન્ટેટ મળ્યો છે. જે અનુસાર એમણે ત્રણ વર્ષમાં સ્થાપના કરવાની રહેશે. જ્યારે તે સ્થાપના કરી લે પછી ઇન્સ્ટીટ્યૂટ ઓફ એમિનેન્સનો દરજ્જો મળશે. અત્યારે એમની પાસે આ દરજ્જો નછી. હાલમાં એમની પાસે માત્ર લેટર ઓફ ઇન્ટેટ જ છે.