સ્વચ્છ ભારત મુદ્દે સરકાર આક્રમક: અધિકારીઓને તાકીદ સાથે 16 હજાર કરોડ ફાળવ્યા
અધિકારીઓને માત્ર કાર્યક્રમો અને આયોજનો જ નહી પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર પણ કામ કરવા માટે તાકીદ કરી
નવી દિલ્હીઃ 2018-19માં સ્વચ્છ ભારત મિશન (એસબીએમ) ના અમલ માટે કેન્દ્ર સરકારના 71 મંત્રાલયો અને વિભાગોએ રૂપિયા 16,500 કરોડની રકમ મંજૂર કરી છે. આટલી મોટી રકમ પાસ થવા પરથી જ સ્પષ્ટ થાય છે કે સરકાર સ્વચ્છતા બાબતે કેટલી પ્રતિબદ્ધ છે. સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) અને સ્વચ્છ ભારત મિશન (શહેરી) માટે હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલય માટે પીવાના પાણી અને સ્વચ્છતા મંત્રાલયના કેબિનેટ સચિવ પી.કે. સિંહા દ્વારા કેન્દ્રીય સચિવો અને વરિષ્ઠ અધિકારીઓની બેઠકમાં સ્વચ્છતા એક્શન પ્લાન (એસએપી) 2018-19 શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. તેમણે બજેટની સાથે એક એક્શન ટાસ્ટ પણ રજુ કર્યો હતો.
સેક્રેટરીએ કેન્દ્રીય મંત્રાલયો અને વિવિધ વિભાગો દ્વારા ગત્ત વર્ષમાં સ્વચ્છ ભારત અંતર્ગત કરેલ કાર્ય અને અમલીકરણની પણ સમીક્ષા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત્ત વર્ષે 18 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. આ બેઠકમાં સિંહાએ કહ્યું કે, મંત્રલયોએ આ યોજના પર હજી વધારે જોર આપવાની જરૂર છે. તે માટે જરૂરી પ્રયત્નો કરવા અને કરાવવાની જરૂર છે. તમામ સેક્રેટરીઓને અમલીકરણ પર નિયમિત રીતે નજર રાખવા માટે પણ જણાવ્યું હતું. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે, સ્વચ્છતા મિશન માત્ર કાર્યક્રમો અને યોજના પુરતું નથી. તેનું અમલીકરણ ગ્રાઉન્ડ લેવલ પર થાય તે પણ ખુબ જ જરૂરી છે.
સિંહા ઉપરાંત વોટર એન્ડ સેનિટેશન વિભાગનાં સેક્રેટરી પરમેશ્વરન ઐય્યરે આગામી સમય માટેનો એક્શન પ્લાન પણ રજુ કર્યો હતો. તેમણે આગામી વર્ષોમાં કઇ રીતે જમીની સ્તર પર આ યોજનાને ઉતારી શકાય તે અંગેનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. સરકાર આ બાબતે ખુબ જ અગ્રેસીવ રીતે આગળ વધી રહી છે.