શું ગ્રેચ્યુટીનો લાભ 5 વર્ષ પહેલા મળે છે? જાણો ગણતરીની ફોર્મ્યુલા અને તમને મૂંઝવતા પ્રશ્નોના જવાબ
Gratuity Benefits Rule: હાલમાં આ અંગે અંતિમ નિર્ણય લેવાયો નથી. સૌથી વધુ પગાર ધરાવતા વર્ગમાં એક વાતની ચર્ચા હંમેશાં હોય છે કે સતત કેટલા દિવસ કામ કર્યા પછી ગ્રેચ્યુઈટી મળે છે. આવા તમામ સવાલોના જવાબ તમને આ સમાચાર દ્વારા મળી જશે.
નવી દિલ્હી: પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરનાર કર્મચારીઓની વચ્ચે ગ્રેચ્યુટીને લઈને ઘણા પ્રકારના સવાલ હોય છે. સરકારે પણ ગ્રેચ્યુટીમાં ફેરફારના સંકેત આપ્યા છે. પરંતુ હાલમાં આ અંગે અંતિમ નિર્ણય લેવાયો નથી. સૌથી વધુ પગાર ધરાવતા વર્ગમાં એક વાતની ચર્ચા હંમેશાં હોય છે કે સતત કેટલા દિવસ કામ કર્યા પછી ગ્રેચ્યુઈટી મળે છે. આવા તમામ સવાલોના જવાબ તમને આ સમાચાર દ્વારા મળી જશે.
પ્રશ્ન- ગ્રેચ્યુઈટી શું છે? (What is Gratuity?)
જવાબ- કંપની દ્વારા તેમના કર્મચારીઓને ગ્રેચ્યુઈટી આપવામાં આવે છે. એક રીતે, સતત સેવાના બદલામાં કંપનીવતી કર્મચારીનો આભાર વ્યક્ત કરવામાં આવે છે.
પ્રશ્ન- શું તમામ ખાનગી કર્મચારીઓ ગ્રેચ્યુટી માટે હકદાર છે?
જવાબ- પેમેન્ટ એન્ડ ગ્રેચ્યુઈટી એક્ટ દેશના તમામ કારખાનાઓ, ખાણો, તેલ ક્ષેત્રો, બંદરો અને રેલવેને લાગુ પડે છે. તેની સાથે 10 થી વધુ લોકોને રોજગારી આપતી દુકાનો અને કંપનીઓના કર્મચારીઓને પણ ગ્રેચ્યુટીનો લાભ મળે છે.
પ્રશ્ન- કેટલા વર્ષ કામ કર્યા પછી ગ્રેચ્યુઈટી મળે છે?
જવાબ- આમ જોવા જઈએ તો, કોઈપણ કંપનીમાં સતત 5 વર્ષથી કામ કરતા કર્મચારીઓ ગ્રેચ્યુટી માટે પાત્ર બને છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં ગ્રેચ્યુટીનો લાભ 5 વર્ષથી ઓછી સેવા પર પણ ઉપલબ્ધ છે. ગ્રેચ્યુઈટી એક્ટની કલમ-2A સ્પષ્ટપણે 'સતત કામ કરવું'ને વ્યાખ્યાયિત કરે છે. આ મુજબ ઘણા કર્મચારીઓ સંપૂર્ણ 5 વર્ષ સુધી કામ ન કરે તો પણ તેમને ગ્રેચ્યુઈટીનો લાભ મળી શકે છે.
પ્રશ્ન- શું ગ્રેચ્યુટીનો લાભ 5 વર્ષ પહેલા મળે છે?
જવાબ- ગ્રેચ્યુઈટી એક્ટના સેક્શન-2A મુજબ જો ભૂગર્ભ ખાણોમાં કામ કરતા કર્મચારીઓ તેમના એમ્પ્લોયર સાથે 4 વર્ષ સુધી સતત 190 દિવસ પૂરા કરે છે, તો તેમને ગ્રેચ્યુઈટીનો લાભ મળે છે. જ્યારે, અન્ય સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓ 4 વર્ષ 240 દિવસ (એટલે કે 4 વર્ષ 8 મહિના) કામ કર્યા પછી ગ્રેચ્યુટી માટે પાત્ર બને છે.
પ્રશ્ન- શું નોટિસનો સમયગાળો પણ ગ્રેચ્યુટીમાં ગણાય છે?
જવાબ- ચોક્કસ હા, ઘણા લોકો મૂંઝવણમાં છે કે નોટિસનો સમયગાળો ગ્રેચ્યુઈટી સમયની ગણતરીમાં ગણાય છે કે નહીં? નિયમો સ્પષ્ટપણે જણાવે છે કે નોટિસનો સમયગાળો 'સતત સેવા'માં ગણવામાં આવે છે, તેથી નોટિસનો સમયગાળો ગ્રેચ્યુઇટીમાં ઉમેરવામાં આવે છે.
પ્રશ્ન- ગ્રેચ્યુઇટીમાં રકમની ગણતરી કેવી રીતે થાય છે?
જવાબ- તે ખૂબ જ સરળ પ્રક્રિયા છે, તમે તમારી પોતાની ગ્રેચ્યુટીની ગણતરી કરી શકો છો.
કુલ ગ્રેચ્યુટી રકમ = (છેલ્લો પગાર) x (15/26) x (કંપનીમાં કેટલા વર્ષ કામ કર્યું).
ઉદાહરણ સાથે સમજો: - ધારો કે તમે એક જ કંપનીમાં સતત 7 વર્ષ કામ કર્યું છે. અંતિમ પગાર રૂ. 35000 (મૂળ પગાર અને મોંઘવારી ભથ્થા સહિત) છે. તો ગણતરી કંઈક આ પ્રમાણે હશે-
(35000) x (15/26) x (7) = રૂ. 1,41,346. કર્મચારીને વધુમાં વધુ 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઈટી મળી શકે છે.
નોંધનીય છે કે અત્યાર સુધીના નિયમો અનુસાર, ગ્રેચ્યુટી માટે કર્મચારીએ કોઈપણ એક કંપનીમાં 5 વર્ષ સુધી સતત કામ કરવું જરૂરી છે. પરંતુ કેન્દ્ર સરકાર તેને ઘટાડીને 3 વર્ષ કરવા પર વિચાર કરી રહી છે. જો આમ થશે તો ખાનગી ક્ષેત્રમાં મોટા પાયે કામ કરતા કર્મચારીઓને ફાયદો થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube