Gratuity: જો કંપની તમારી ગ્રેચ્યુઈટીની રકમ ન આપે તો શું થઈ શકે? ખાસ જાણો તમારા અધિકાર, કયા સંજોગોમાં કંપની રોકી શકે
Gratuity Rules: માની લો કે તમે કોઈ કંપનીમાં 5 વર્ષ કામ કર્યું અને આમ છતાં કંપનીએ તમને ગ્રેચ્યુઈટી આપી નહીં તો તમે શું કરશો. કઈ સ્થિતિમાં કંપનીને તમારી ગ્રેચ્યુઈટી રોકવાનો હક હોય છે. જો તમારી ગ્રેચ્યુઈટીની રકમ હડપવાના ઈરાદે તમને આપવામાં ન આવી રહી હોય તો તમારી પાસે શું અધિકાર છે? જાણો તમામ વિગતો....
ગ્રેચ્યુઈટીના નિયમો જોઈએ તો નિયમ મુજબ તમે કોઈ પણ કંપનીમાં 5 વર્ષ કે તેથી વધુ સમય સુધી સતત ઈમાનદારીથી કામ કરતા હોવ તો તમે ગ્રેચ્યુઈટીના હકદાર બની જાઓ છો. આ રકમ કર્મચારી નોકરી છોડે ત્યારે કે પછી નિવૃત્ત થાય ત્યારે તેની નોકરીના કુલ સમય સાથે ગણતરી કરીને આપવામાં આવતી હોય છે. પરંતુ માની લો કે તમે કોઈ કંપનીમાં 5 વર્ષ કામ કર્યું અને આમ છતાં કંપનીએ તમને ગ્રેચ્યુઈટી આપી નહીં તો તમે શું કરશો. કઈ સ્થિતિમાં કંપનીને તમારી ગ્રેચ્યુઈટી રોકવાનો હક હોય છે. જો તમારી ગ્રેચ્યુઈટીની રકમ હડપવાના ઈરાદે તમને આપવામાં ન આવી રહી હોય તો તમારી પાસે શું અધિકાર છે? જાણો તમામ વિગતો....
આ સ્થિતિમાં કંપની રોકી શકે તમારી ગ્રેચ્યુઈટી
જો કોઈ કર્મચારી પર અનૈતિક વ્યવહારનો આરોપ લાગે કે પછી તેની કોઈ બેદરકારીના કારણે કંપનીને મોટું નુકસાન થયું હોય તો કંપનીને તે કર્મચારીની ગ્રેચ્યુઈટી રોકવાનો હક છે. પરંતુ ગ્રેચ્યુઈટી રોકવા માટે કંપનીએ પહેલા પુરાવા અને તેના કારણને રજૂ કરવા પડશે. જે પણ કારણ કંપની આપતી હોય, તેના માટે તે કર્મચારીને કારણ બતાવો નોટિસ પાઠવવી પડે છે.
ત્યારબાદ બંને પક્ષોની સુનાવણી થાય છે. કર્મચારી દોષિત ઠરે તે પછી જ ગ્રેચ્યુઈટીના પૈસા રોકવામાં આવશે. પરંતુ આવામાં પણ કંપની એટલી જ રકમ કાપશે, જેટલું તેને નુકસાન થયું છે. આ સિવાય જ્યારે કંપની કે સંસ્થાન ગ્રેચ્યુઈટી એક્ટ હેઠળ રજિસ્ટર્ડ ન હોય તો કર્મચારી ગ્રેચ્યુઈટી એક્ટ હેઠળ આવતા નથી અને આવામાં ગ્રેચ્યુઈટી આપવી કે નહીં તે કંપનીની ઈચ્છા પર નિર્ભર હોય છે.
હડપવાના ઈરાદે ગ્રેચ્યુઈટી રોકે તો?
જો તમે કંપનીમાં પૂરી લગન અને મહેનત સાથે 5 વર્ષ કામ કર્યું હોય પરંતુ આમ છતાં કંપનીએ તમને ગ્રેચ્યુઈટી ન આપી હોય તો આવામાં તમારી પાસે કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો હક હોય છે. આ સ્થિતિમાં કર્મચારી કંપનીને નોટિસ મોકલી શકે છે. આમ છતાં તેની સમસ્યાનું સમાધાન ન થાય અને તેને રકમની ચૂકવણી ન થાય તો કર્મચારી કંપની વિરુદ્ધ જિલ્લા શ્રમ આયુક્તને ફરિયાદ કરી શકે છે. આ મામલે દોષિત ઠરે તો કંપનીએ ગ્રેચ્યુઈટીની રકમ વ્યાજ અને દંડ સાથે ચૂકવવી પડે છે.
આ છે ગ્રેચ્યુઈટીના નિયમો
- જો કોઈ ખાનગી કે સરકારી કંપનીમાં 10 કે તેથી વધુ લોકો કામ કરતા હોય તો તે કંપનીના તમામ કર્મચારીઓને ગ્રેચ્યુઈટીનો લાભ આપવો જોઈએ. કંપની સિવાય આ નિયમના દાયરામાં દુકાનો, ખાણ, ફેક્ટરીઓ પણ આવે છે.
- જો કોઈ કર્મચારીએ કંપનીમાં 4 વર્ષ 8 મહિના કામ કર્યું હોય તો તેની નોકરી પૂરા 5 વર્ષની ગણવામાં આવશે અને તેને 5 વર્ષ પ્રમાણે તે ગ્રેચ્યુઈટીની રકમ મળશે. જો તેણે 4 વર્ષ 8 મહિના કરતા ઓછો સમય કામ નોકરી કરી હોય તો તેની નોકરીનો સમય 4 વર્ષ ગણવામાં આવશે અને આવામાં તેને ગ્રેચ્યુઈટી મળશે નહીં.
- નોકરી દરમિયાન જો કોઈ કર્મચારીનું મોત થાય તો તેના ગ્રેચ્યુઈટી ખાતામાં જમા પૂરી રકમ તેના નોમિની (Gratuity nominee) ને આપવામાં આવે છે. આવા મામલામાં ઓછામાં ઓછા 5 વર્ષ નોકરીની શરત લાગૂ થતી નથી.
- ગ્રેચ્યુઈટીના સમયગાળામાં કર્મચારીના નોટિસ પીરિયડને પણ કાઉન્ટ કરવામાં આવે છે. માની લો કે તમે કોઈ કંપનીમાં સાડા ચાર વર્ષ નોકરી કર્યા બાદ રાજીનામું આપ્યું. પરંતુ રાજીનામા બાદ બે મહિનાનો નોટિસ પીરિયડ સર્વ કર્યો. આવામાં તમારી નોકરીના સમયગાળાને 4 વર્ષ 8 મહિનાનો જ ગણવામાં આવશે અને તેને 5 વર્ષ માનીને ગ્રેચ્યુઈટીની રકમ આપવામાં આવશે.
- કોઈ પણ કંપની પોતાના કર્મચારીને મહત્તમ 20 લાખ રૂપિયા સુધી જ ગ્રેચ્યુઈટી તરીકે આપી શકે છે. ગ્રેચ્યુઈટી તરીકે મળનારી રકમ ટેક્સ ફ્રી હોય છે. આ નિયમ સરકારી નોકરી અને પ્રાઈવેટ નોકરી બંને પર લાગૂ થાય છે.