સિંગતેલના ભાવમાં ફરી એકવાર વધારો, ડબ્બાનો ભાવ 2340 રૂપિયાને પાર
- છેલ્લા બે મહિનાથી સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે, એનુ કારણ વરસાદ છે.
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં સિંગતેલના ફરી તેજી જોવા મળી છે. સિંગતેલના ડબ્બામાં 10 રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલમાં ભાવ (Groundnut oil) વધારો થતા ડબાનો ભાવ 2340 રૂપિયા પર પહોંચી ગયો છે. તો બીજી તરફ કપાસિયા તેલમાં પણ 10 રૂપિયાનો વધારો થતાં ડબ્બાનો ભાવ 1750 પર પહોંચ્યો છે. છેલ્લા બે મહિનાથી સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે, એનુ કારણ વરસાદ છે.
આ પણ વાંચો : વડોદરાનું મંગળ બજાર બે દિવસ માટે બંધ, દુકાનો ખૂલશે તો 50 હજારનો દંડ થશે
સિંગતેલના ભાવ કેમ વધ્યા
આ વર્ષે અતિ વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન થયું છે. જેકી નબળી ગુણવત્તાની મગફળી પાકી છે. દર વર્ષે જ્યાં 20 કિલો મગફળીમાં 14 થી 15 કિલો સિંગદાણા નીકળતા હતા, ત્યા આ વર્ષે માત્ર 12 થી 12.5 કિલો જ સિંગદાણા નીકળ્યાં છે. આમ 20 કિલોએ મગફળીમાં અઢી કિલોની ઘટ પડી છે. એક તરફ માલની અછત, તો બીજી તરફ દાણા ઓછા નીકળી રહ્યાં છે. જે રીતે આ વર્ષે મગફળીનું વાવેતર થયું હતુ, તે જોતા 52 લાખ કિલો મગફળીની આશા હતી. પરંતુ તેની સરખામણીએ માત્ર 35 લાખ કિલો મગફળી પાકી છે. આ વર્ષે ઉત્પાદન ઓછું, એટલે આવક ઓછી અને માંગ વધી ગઈ છે. આવામાં સિંગતેલ બનાવવામાં હરીફાઈ ઉભી થઈ.
આ પણ વાંચો : કિંમતી કપડા પહેરતી હિરોઈનોને કરીના કપૂરે આપી લપડાક, પહેર્યું અત્યંત સસ્તુ સ્વેટર
ચીન અને યુરોપે મગફળીને બદલે તેલ ખરીદવાનું શરૂ કર્યું
બીજી તરફ, ચીન અને યુરોપના માર્કેટને કારણે પણ સિંગતેલના ભાવમાં વધારો થયો છે. ચીન સિંગતેલનું મોટું માર્કેટ છે. અગાઉ મગફળી ખરીદનાર ચીન હવે મગફળીને બદલે સિંગતેલ ખરીદવા લાગ્યું. મગફળીની ગુણવત્તા ખરાબ આવતા ચીનની સાથે હવે યુરોપિયન દેશો પણ તેલ ખરીદી રહ્યા છે. જેથી સિંગતેલનું એક્સપોર્ટ પણ વધી ગયું છે.
ઉલ્લેખનીય છે કે, વરસાદને કારણે પાંચ વર્ષ પહેલા દિવાળીએ 2500 રૂપિયે સિંગતેલના ડબ્બાનો ભાવ પહોંચી ગયો હતો, ત્યારે આ દિવાળીએ પણ આ ભાવે તેલનો ડબ્બો પહોંચે તેવી શક્યતા છે.