ધવલ પારેખ/નવસારી : ગુજરાતમાં પરંપરાગત રીતે થતી દેશી વૃક્ષોની પ્રજાતિઓનુ ઉત્પાદન ઘટતા લાકડાની સો મીલ ચલાવતા વેપારીઓમાં ચિંતા વ્યાપી છે. જેની સામે ખેતરના શેઢે પાળે થતા વૃક્ષો પણ સરકારી નિયમોની જાળને કારણે ખેડૂતો ઉછેરતા ન હોવાની ફરીયાદો રહી છે. ત્યારે લાકડાના વેપારીઓને પડતી સમસ્યાના સમાધાન સાથે પર્યાવરણ જળવાય તેમજ ખેડૂતો પણ વૃક્ષો ઉછેરતા થાય, એવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના મુખ્ય વન સંરક્ષકની ઉપસ્થિતિમાં બે દિવસીય સેમિનારમાં પ્રયાસો આરંભ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં લાકડાનો વેપાર કરતા સો મીલ સંચાલકોને લાંબા સમયથી પૂરતા પ્રમાણમાં અને ઉપયોગી લાકડા નહીં મળતા વેપાર ઉદ્યોગ પર માઠી અસર પડી છે. વેપારીઓનું ગુજરાત ટિમ્બર ફેડરેશન લાંબા સમયથી વન વિભાગમાં સમસ્યાના નિરાકરણ માટે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં થતી સ્થાનિક 15 વૃક્ષોની જાતોને સરકારી નિયમોમાં સરળતા આપવા પ્રયાસો કરી રહી છે. કારણ વેપારીઓ જે લાકડુ આયાત કરે છે, એના ઉપર કસ્ટમ ડ્યુટી લાગવાથી મોંઘું પડે છે, જ્યારે સ્થાનિક સ્તરે લાકડુ નહીં મળતા આર્થિક નુકસાની વેઠવી પડે છે. ત્યારે રાજ્યના જિલ્લાઓમાં સ્થાનિક આબોહવા પ્રમાણે થતા લાકડા પૂરતા પ્રમાણમાં અને ગુણવત્તાયુક્ત મળી રહે, તો વેપારીઓને લાકડાની અછત ન વર્તાય અને ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવ મળી રહે. જેની સાથે જ પર્યાવરણની જાળવણી પણ થાય. આ તમામ પ્રશ્નો ઉપર ચર્ચા વિચારણા કરી યોગ્ય નિષ્કર્ષ લાવવા ફેડરેશન દ્વારા પ્રયાસો હાથ ધરાયા. નવસારી કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ ફોરેસ્ટ્રીના સહયોગથી રાજ્ય કક્ષાનો કરંટ ડેવલોપમેન્ટ ફૂડ સાયન્સ એન્ડ ટેકનલોજી ફોર ગ્રીન ઇકોનોમિક ઉપર રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક એસ. કે. ચતુર્વેદીની અધ્યક્ષતામાં બે દિવસીય સેમિનાર યોજ્યો હતો. જેમાં ટિમ્બર મરચન્ટ ફેડરેશન દ્વારા પોતાના પ્રશ્નો અને ટેકનિકલ તકલીફોને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સામે મૂકી સમાધાન લાવવા રજૂઆત કરી હતી.



આ પ્રસંગે ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશનના પ્રમુખ બાબુ માકાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં લાકડાના વેપારીઓ અને લાકડા આધારિત ઉદ્યોગોમાં 85 ટકા લાકડુ જંગલ બહારથી એટલે ખેડૂતો કે ખેતરના શેઢે પાળે થતા વૃક્ષોથી મળે છે. લગભગ 11.50 ટકા લાકડુ આયાત થાય છે અને બાકીનું લાકડુ જંગલમાંથી મળે છે. ગુજરાતમાં લાકડા વેપારીઓ જે દેશી વૃક્ષોનો વેપાર કરે છે, એની કાપણી સામે એટલા પ્રમાણમાં ઉગતા નથી. જેથી સ્થાનિક પ્રજાતિના વૃક્ષોને ઉગાડવા માટે વન વિભાગે પ્લાનિંગ કર્યુ છે. જેમાં સર્વે કરીને આવી સ્થાનિક પ્રજાતિના વૃક્ષોને મોટા પ્રમાણમાં ઉછેરી સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયાસ થશે. જ્યારે દેશમાં ગુજરાતમાં જ 86 વૃક્ષ પ્રજાતિને કાપવામાં નિયમોથી છૂટ આપવામાં આવી છે અને બીજી પ્રજાતિઓ માટે તપાસ કરી સરકારમાં રજૂઆત કરવાની વન વિભાગે તૈયારી દર્શાવી છે. 


ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં લાકડના વેપાર સાથે સંકળાયેલા ઉદ્યોગો અને સો મિલમાં લાકડાની અછત છે. ખેડૂતો નિયમોને કારણે વૃક્ષોને ઉછેરતા નથી, ત્યારે આ સેમિનારમાં અંતે પર્યાવરણની જાળવણી સાથે પૂરતા પ્રમાણમાં લાકડુ મળી રહે એવા નક્કર ઉપાયોની આશા જોવાઈ રહી છે.