Gujarati Investor in Share Market: ગુજરાતીઓને રોકાણ કરવામાં અને સાહસ કરવામાં કોઈ ના પહોંચે, એટલે જ ગુજરાતીઓનો દેશભરમાં દબદબો છે. ગુજરાતી ઉદ્યોગપતિઓ આજે દેશમાં મોખરે છે. ગુજરાતી પ્રજા એ વેપારી પ્રજા કહેવાય છે. તમને વિશ્વાસ નહીં થાય પણ ગુજરાતીઓએ શેરબજારમાં ઈન્વેસ્ટમેન્ટ ડબલ કરી દીધું છે. ગુજરાતી પ્રજા હવે રોજનું રૂ. ૨૩,૨૦૦ કરોડનું ટર્નઓવર કરે છે. આ ટર્નઓવરના આંકમાં એક જ વર્ષમાં 128 ટકાનો વધારો થયો છે. એમાંયે રોકાણ કરવામાં અમદાવાદી રાજ્યભરમાં અવ્વલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજારમાં રોકાણ કરવામાં અમદાવાદીઓ અવ્વલઃ
સેબીના આંકડા પ્રમાણે BSEના કુલ ટર્નઓવરમાં અમદાવાદનો હિસ્સો ૨૨.૨%થી વધીને ૨૫.૪૦% થયો છે. તેવી જ રીતે રાજકોટનો શેર ૦.૬૦%થી વધીને ૧.૪૦% જયારે વડોદરાનો શેર ૦.૪૦%થી ઘટીને ૦.૩૦% થયો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટા અનુસાર, ગુજરાતમાં સક્રિય ઈક્વિટી રોકાણકારોની સંખ્યા નાણાકીય વર્ષ 2023 માં બમણી થઈને 31 લાખ થઈ ગઈ છે.  નાણાકીય વર્ષ 2020માં રાજ્યમાં માત્ર 15 લાખ સક્રિય રોકાણકારો હતા. 


શેરબજાર સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. માર્કેટના ટર્નઓવરમાં પણ ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ ૨૯ જુલાઈએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પહેલા ત્રિમાસિક ગાળાના BSE અને NSEના ટર્નઓવરના આંકડા જાહેર કર્યા છે. આ આંકડાએ એ સાબિત કરી દીધું છે કે ગુજરાતીઓ શેરબજારમાં ધૂમ રોકાણ કર્યું છે. એક જ વર્ષમાં સ્ટોક માર્કેટમાં રોકાણ વધારી દીધું છે.  


હજારો કરોડનું ગુજરાતીઓ રોજ કરે છે ખરીદ-વેચાણઃ
ગુજરાતમાંથી રોજ રૂ. ૨૩,૨૦૦ કરોડથી વધારેના શેરનું ખરીદ-વેચાણ થાય છે. ૨૦૨૩-૨૪ના સમાન સમયગાળામાં ટર્નઓવર રૂ. ૧૦,૧૬૫ કરોડ હતું. એટલે કે ગત વર્ષની તુલનામાં ગુજરાતમાં રોજના ટ્રેડિંગ ટર્નઓવરમાં ૧૨૮%નો વધારો થયો છે.  કોવિડ-19 રોગચાળા પછી  બજારોએ નવા વિક્રમી ઊંચાઈને સ્પર્શતા સૂચકાંકો સાથે સારો દેખાવ કર્યો છે. ઊંચા વળતર અને વધતી જાગૃતતાથી વધુ યુવા રોકાણકારોએ બજારમાં આગળ વધવાનું શરૂ કર્યું. માર્ચ 2020થી ડિમેટ એકાઉન્ટની સંખ્યામાં પણ જબરો ઉછાળો નોંધાયો નોંધાયો છે. 


ગુજરાતીઓ IPOમાં રોકાણ બાબતે અગ્રેસર:
ગુજરાતીઓ IPOમાં રોકાણ બાબતે અગ્રેસર છે. મીડ-કેપ અને સ્મોલ- કેપમાં શેર્સ હજુ પણ રિઝનેબલ ભાવે મળે છે તેના કારણે લોકો તેમાં મોટાપાયે રોકાણ કરી રહ્યા છે. આના કારણે માર્કેટના ટર્નઓવરમાં ગુજરાતનો શેર વધ્યો છે. લોકોની આવક વધી છે અને સાથે સાથે રીટેલ રોકાણકારો મેચ્યોર બન્યા છે. સોમવારના રોજ ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંકો તેજીના વલણ સાથે ગ્રીન ઝોનમાં ખુલ્યા છે. 


BSE Sensex ગત 81,332 બંધની સામે 347 પોઇન્ટ વધીને 81,679 ના મથાળે ખુલ્યો હતો. બીજી તરફ NSE Nifty ગત 24,834 બંધની સામે 109 પોઇન્ટ વધીને 24,943 ના મથાળે ખુલ્યો હતો. સોમવારે શરુઆતી કારોબારમાં જ બજારમાં તાબડતોડ તેજી નોંધાઈ છે. મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ઓલ ટાઈમ હાઈ ગયા છે. BSE સેન્સેક્સે 81,749.34 પોઈન્ટની ઓલ ટાઈમ હાઈ બનાવી છે. બીજી તરફ NSE નિફ્ટીમાં પણ 24,980.45 પોઈન્ટની ઓલ ટાઈમ હાઈ નોંધાઈ છે. આમ સ્ટોક માર્કેટમાં તેજીનો લાભ લેવામાં હવે ગુજરાતીઓ પણ પાછળ રહે તેવી કોઈ સંભાવના નથી.