SmartHub Vyapar App of HDFC Bank: એચડીએફસી બેંકે (HDFC Bank) પોતાના ગ્રાહકો માટે ઘણી ડિજિટલ સુવિધાઓ લોન્ચ કરી છે. હવે બેંકે વેપારીઓ માટે એક નવી એપ લોન્ચ કરી છે. આ એપનું નામ છે સ્માર્ટ હબ વેપાર એપ (SmartHub Vyapar App). આ એપ દ્રારા નાના વેપારીઓ ના ફક્ત તમને બેકિંગ અને બિઝનેસ સોલ્યૂશન પ્રદાન કરવાનું વન સ્ટોપ ડિજિટલ પ્લેટફોર્મ છે. રૂબરૂમાં ન થઈ શકતી હોય તેવી નાણાંની વસૂલાતની પ્રક્રિયાને સુવિધાજનક બનાવવા માટે વેપારીઓ હવે મોબાઇલ કે ઈ-મેઇલ પર પેમેન્ટની લિંક મોકલીને દૂરથી જ ચૂકવણીઓ સ્વીકારી શકે છે. યુપીઆઈ મારફતે સ્વીકારવામાં આવેલી ચૂકવણીઓ બેંક ખાતામાં તરત જ જમા થઈ જાય છે અને વેપારીઓને વેચાણની રસીદો તરત જ પ્રાપ્ત થાય તેની ખાતરી કરવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

HDFC બેંકે આ એપને લોન્ચ કરતી વખતે જાણકારી આપી હતી કે આ એપ દ્વારા દેશના નાના વેપારીઓને ડિજિટલ વ્યવસ્થા સાથે જોડાવવામાં મદદ મળશે. તે આ એપ વડે સરળતાથી બિઝનેસ લોન માટે એપ્લાય કરી શકશે અને તેની સાથે જ ડિજિટલ પેમેન્ટ કરવા અને સ્વિકાર કરવામાં પણ સરળતા રહેશે. અત્રે ઉલ્લેખેનીય છે કે દેશમાં ડિજિટલાઇઝેશન ખૂબ ઝડપથી વધી રહ્યું છે. એવામાં વધતા ડિજિટલાઇજેશન સાથે જ બેંકોનો પણ આ પ્રયત્ન રહેશે કે દેશના દરેક વર્ગ સાથે ડિજિટલ બેકિંગ સુવિધાઓને પહોંચાડી શકાય. વેપારી વર્ગના ડિજિટલ વ્યવસ્થા સાથે જોડતા દેશની ઇકોનોમીને બૂસ્ટ મળશે અને પૈસાની લેણદેણ સરળ થઇ જશે. 


ટ્રાન્ઝેક્શન્સના મામલે વેપારીઓની બેચેનીને દૂર કરવા માટે સ્માર્ટ હબ વ્યાપારમાં એક ઇનબિલ્ટ વોઇસની પણ વિશેષતા છે, જે વેપારીને સફળ ટ્રાન્ઝેક્શન અંગે જાણકારી આપે છે, જેના પગલે વોઇઝ-બેઝ્ડ નોટિફિકેશન્સ પ્રાપ્ત કરવા માટે અલગ ડીવાઇઝ લેવા સહિત અન્ય કોઇપણ માધ્યમ મારફતે ટ્રાન્ઝેક્શનને ટ્રેક કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. બેંકિંગના મોરચે વેપારીઓ બાંધી મુદતની થાપણ ખોલાવવા, અગાઉથી મંજૂર લૉન અને ક્રેડિટ કાર્ડને ઍક્સેસ કરવા જેવી બેંકિંગ સેવાઓ મેળવી શકે છે. આ ઉપરાંત વેપારીઓ તેમના બેંક ખાતામાં જમા થયેલા સ્માર્ટ હબ વ્યાપારના તમામ ટ્રાન્ઝેક્શનોને રીયલ ટાઇમમાં જોઈ પણ શકે છે.


ચૂકવણીઓ સ્વીકારવા ઉપરાંત, સ્માર્ટ હબ વ્યાપારની મદદથી વેપારીઓ તેમના વિતરકો અને વિક્રેતાઓને પણ ચૂકવણીઓ કરી શકે છે. એટલું જ નહીં, સ્માર્ટ હબ વ્યાપાર એપ મારફતે વેપારીઓ યુટિલિટી બિલની ચૂકવણી જેવા ખર્ચાઓ અને જીએસટીની પણ ચૂકવણી કરી શકે છે. વેપારીઓને ફોન બેંકિંગ અને બેંકની રીલેશનશિપ મેનેજમેન્ટ ટીમ મારફતે ઉપલબ્ધ કરાવવામાં આવતાં સપોર્ટ ઉપરાંત બેંકના ઇવીએ ચેટબોટ મારફતે પણ 24x7 સહાય પ્રાપ્ત થાય છે.


એચડીએફસી બેંકના પેમેન્ટ્સ બિઝનેસ, ડિજિટલ અને આઇટીના ગ્રૂપ હેડ પરાગ રાવ, બ્રાન્ચ બેંકિંગના ગ્રૂપ હેડ અરવિંદ વોરા અને બેંકના ચીફ ડિજિટલ ઑફિસર અંજની રાઠોડે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ મર્ચંટ એપનું અનાવરણ કર્યું હતું. આ ઉપરાંત, એચડીએફસી બેંકના ઝોનલ હેડ પર્લ સાબાવાલા અને એચડીએફસી બેંકના રુરલ બેંકિંગ હેડ પિનલ શાહ દ્વારા અમદાવાદમાં પણ સ્થાનિક વેપારીઓ માટે તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું.


એચડીએફસી બેંકના પેમેન્ટ્સ, કન્ઝ્યુમર ફાઇનાન્સ, ટેકનોલોજી અને ડિજિટલ માર્કેટિંગના કન્ટ્રી હેડ પરાગ રાવે જણાવ્યું હતું કે, ‘એચડીએફસી બેંક મોટા ફોર્મેટની ચેઇનથી માંડીને કરિયાણાની સ્થાનિક દુકાનો સુધી તમામ વેપારીઓના વિકાસને સમર્થન પૂરું પાડવા માટે કટિબદ્ધ છે. એમએસએમઈ સેક્ટર દેશમાં સૌથી વધારે રોજગારી પેદા કરે છે અને આ સેક્ટરનું સશક્તિકરણ કરવાથી આપણે સમાજના એક મોટા વર્ગનું સશક્તિકરણ કરવામાં મદદરૂપ થઈ શકીએ છીએ. 


અમે નવી સ્માર્ટ હબ વ્યાપાર એપને વેપારીઓની તમામ જરૂરિયાતો પૂરી કરવા અને તેમની બેંકિંગ અને બિઝનેસ ઇકોસિસ્ટમમાં કાર્યક્ષમતા લાવવા માટે તૈયાર કરી છે. અમારો ઉદ્દેશ્ય વેપારીઓ દ્વારા તેમના રોજબરોજ વ્યાપારમાં અનુભવવામાં આવતી સમસ્યાઓ અને મુશ્કેલીઓને દૂર કરવાનો, તેમના બિઝનેસને વિકસાવવામાં મદદરૂપ થવાનો, સમગ્ર ભારતમાં અમારી પહોંચને વધારવાનો અને ટ્રેડ હબ સાથે જોડાવાનો છે. આ એપ ચૂકવણી, ધીરાણ અને બિઝનેસ સોલ્યુશન્સ જેવી વૈવિધ્યસભર સેવાઓને એક જ પ્લેટફૉર્મ પર લઈ આવે છે.’


એચડીએફસી બેંકે ભારતની નંબર વન મર્ચંટ એક્વાયરિંગ બેંક તરીકેનો તેનો દરજ્જો જાળવી રાખ્યો છે. બેંક કાર્ડ્સ એક્વાયરિંગ વોલ્યુમમાં 52%નો હિસ્સો ધરાવે છે અને ભારતમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલા કુલ ટર્મિનલોમાં 20%નો હિસ્સો ધરાવે છે.