હિંડનબર્ગે ફરીથી અદાણી ગ્રુપ પર કર્યો ચોંકાવનારો ખુલાસો, આરોપો પર શું મળ્યો જવાબ...જાણો વિગતો
હિંડનબર્ગે અદાણી ગ્રુપ અંગે ફરીથી એકવાર ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અમેરિકી રિસર્ચ ફર્મનો દાવો છે કે અદાણી ગ્રુપ મની લોન્ડરિંગ અને ફ્રોડ અંગે તપાસ કરવામાં આવી છે. હિંડનબર્ગના તાજા આરોપ મુજબ સ્વિસ બેંકે અદાણીના અનેક બેંક ખાતા ફ્રીઝ કર્યા છે.
હિંડનબર્ગે અદાણી ગ્રુપ અંગે ફરીથી એકવાર ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અમેરિકી રિસર્ચ ફર્મનો દાવો છે કે અદાણી ગ્રુપ મની લોન્ડરિંગ અને ફ્રોડ અંગે તપાસ કરવામાં આવી છે. હિંડનબર્ગના તાજા આરોપ મુજબ સ્વિસ બેંકે અદાણીના અનેક બેંક ખાતા ફ્રીઝ કર્યા છે. સ્વિસ બેંકે 31 કરોડ ડોલર (લગભગ 2600 કરોડ રૂપિયા)થી વધુની રકમ ફ્રીઝ કરી છે અને આ મામલે વર્ષ 2021થી તપાસ ચાલુ છે. એક બાજુ સેબી ચેરપર્સન વિરુદ્ધ હિંડનબર્ગના રિપોર્ટે ખળભળાટ મચાવેલો છે જ્યારે એકવાર ફરીથી અદાણી ગ્રુપ પર તાજો મામલો ઘણો ગંભીર છે. આ રિપોર્ટ બાદ હવે અદાણી ગ્રુપના શેરો ઉપર પણ નજર રહેશે.
હિંડનબર્ગ રિસર્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે કે સ્વિસ અધિકારીઓએ અદાણી ગ્રુપ સંલગ્ન મની લોન્ડરિંગ અને સિક્યુરિટિઝ પર ફ્રોડના આરોપમાં તપાસ હેઠળ 6 એકાઉન્ટમાં ડિપોઝિટ 31 કરોડ ડોલર એટલે કે 2600 કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા છે. આ જાણકારી અમેરિકી શોર્ટ સેલર હિંડનબર્ગ ગ્રુપે હાલમાં ચાલી રહેલા સ્વિસ ક્રિમિનલ કોર્ટના રેકોર્ડનો હવાલો આપતા આપી છે. પોસ્ટ મુજબ આ તપાસ લગભગ 3 વર્ષ એટલે કે 2021થી ચાલે છે. જેમાં ભારતીય સમૂહ સાથે જોડાયેલી સંદિગ્ધ ઓફશોર ફર્મ સંલગ્ન ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શનને પણ હાઈલાઈટ કરાયા છે.
સ્વિસ મીડિયા રિપોર્ટ્સનો હવાલો
હિંડનબર્ગે સ્વિસ મીડિયા રિપોર્ટ્સનો હવાલો આપતા કહ્યું કે પ્રોસિક્યુટર્સે જણાવ્યુ છે કે કેવી રીતે અદાણીના એક સહયોગી (ફ્રન્ટમેન)એ BVI/મોરેશિયસ અને બર્મૂડાના સંદિગ્ધ ફંડોમાં રોકાણ કર્યું હતું. આ ફંડ્સના મોટા ભાગના પૈસા અદાણી ગ્રુપના શેર્સમાં લાગ્યા હતા. આ જાણકારી સ્વિસ ક્રિમિનલ કોર્ટના રેકોર્ડ્સમાંથી મળી છે.
અદાણી-હિંડનબર્ગ વિવાદને ફરીથી હવા
અદાણી-હિંડનબર્ગ વિવાદ જાણે પૂરો થવાનું નામ જ લેતું નથી. ઓગસ્ટમાં જ હિંડનબર્ગે નવા આરોપ લગાવ્યા હતા. 2023ની શરૂઆતમાં શોર્ટ સેલરે અદાણી ગ્રુપ પર ટેક્સ હેવન દ્વારા બજારના નિયમો તોડવાનો આરોપ લગાવ્યો હતો. હિંડનબર્ગ રિસર્ચે માર્કેટ રેગ્યુલેટર સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ પર આરોપ લગાવ્યો છે કે તેમણે એક ઓફશોર ફંડ્સમાં રોકાણ કર્યું હતું જેનો સંબંધ અદાણી ગ્રુપ સાથે છે.
આરોપો પર શું કહ્યું અદાણી ગ્રુપે
આ સમગ્ર મામલે ગ્રુપના પ્રવક્તાએ આરોપોને નિરર્થક, તર્કહીન અને વાહિયાત ગણાવતા કહ્યું કે, અદાણી સમૂહની સ્વિસ કોર્ટની કોઈ પણ કાર્યવાહીમાં કોઈ ભાગીદારી નથી. ન તો અમારી કંપનીના કોઈ પણ ખાતાને કોઈ પણ ઓથોરિટી દ્વારા ફ્રીઝ કરાયા છે. નિવેદનમાં કહેવાયું છે કે અમને એ કહેવામાં કોઈ સંકોચ નથી કે આ અમારા ગ્રુપની પ્રતિષ્ઠા અને માર્કેટ વેલ્યુને અપરિવર્તનીય ક્ષતિ પહોંચાડવા માટે એકજૂથ થઈને કામ કરનારા એક જ સમૂહ દ્વારા એક સુનિયોજિત અને ગંભીર પ્રયત્ન છે.
તેમણે કહ્યું કે કથિત આદેશમાં પણ સ્વિસ કોર્ટે ન તો અમારા સમૂહની કંપનીઓનો ઉલ્લેખ કર્યો છે કે ન તો અમને આવા કોઈ પણ ઓથોરિટી કે નિયામક સંસ્થા તરફથી સ્પષ્ટીકરણ કે સૂચના માટે ભલામણ મળી છે. અમે દોહરાવીએ છીએ કે અમારી વિદેશી હોલ્ડિંગ સંરચના પારદર્શક, સંપૂર્ણ રીતે ઓપન અને તમામ પ્રાસંગિક કાયદા પ્રમાણે છે.