Hindenburg Research: અદાણીના નાકમાં દમ લાવી દેનારા હિંડનબર્ગની ફરી ચેતવણી, ભારતમાં કઈંક મોટું થવાનું છે
જો કે શું મોટું થવાનું છે એ અંગે હિંડનબર્ગે કોઈ ખુલાસો કર્યો નથી. કંપનીની આ પોસ્ટ બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે હિંડનબર્ગ રિસર્ચ કોઈ ભારતીય કંપની વિશે ફરી એકવાર ચોંકાવનારો ખુલાસો કરી શકે છે.
અમેરિકી શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચ કે જેણે અદાણી ગ્રુપને હેરાન પરેશાન કરી નાખ્યું તેણે હવે નવી એક જાહેરાત કરીને ચોંકાવી નાખ્યા છે. શનિવારે સવારે એલન મસ્કના સ્વામિત્વવાળી એક્સ પર પોસ્ટ શેર કરતા અમેરિકી કંપનીએ ભારતીય કંપની સંલગ્ન વધુ એક એક મોટા ખુલાસાનો સંકેત આપ્યો છે. પોતાની પોસ્ટમાં હિંડનબર્ગ રિસર્ચે લખ્યું છે કે 'ભારતમાં જલદી કઈક મોટું થવાનું છે.'
જો કે શું મોટું થવાનું છે એ અંગે હિંડનબર્ગે કોઈ ખુલાસો કર્યો નથી. કંપનીની આ પોસ્ટ બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે હિંડનબર્ગ રિસર્ચ કોઈ ભારતીય કંપની વિશે ફરી એકવાર ચોંકાવનારો ખુલાસો કરી શકે છે.
અદાણી સમૂહને લીધો હતો લપેટમાં
જાન્યુઆરી 2023માં હિંડનબર્ગ રિસર્ચે ગોતમ અદાણીના અદાણી સમૂહ પર નિશાન સાધતા એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. આ રિપોર્ટે હડકંપ મચાવ્યો હતો. કારણ કે હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા. હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવતા જ અદાણી ગ્રુપના તમામ શેરોમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. ત્યારે ગૌતમ અદાણી દુનિયાના નંબર 2 અબજપતિ બન્યા બાદ સીધા 36માં નંબરે સરકી ગયા હતા. કારણ કે તેમની સંપત્તિમાં ભારે ઘટાડો નોંધાયો હતો.
અદાણી ગ્રુપ પર 24 જાન્યુઆરી 2023નો રિપોર્ટ આવ્યા બાદ તમામ શેરો પછડાયા હતા અને વેલ્યુએશનમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો. સ્થિતિ એવી થઈ કે અદાણી ગ્રુપની વેલ્યુએશન ગણતરીના દિવસોમાં 86 અબજ ડોલર સુધી ઘટી ગઈ. શેર પ્રાઈસમાં ભારે કડાકા બાદ સમૂહના વેદિશમાં લિસ્ટેડ બોન્ડનું પણ ભારે વેચાણ થયું હતું.
સેબીની હિંડનબર્ગને નોટિસ
આ વર્ષે જૂનમાં હિંડનબર્ગ રિસર્ચ એકવાર ફરીથી ચર્ચામાં આવ્યું હતું. જ્યારે તેણે ખુલાસો કર્યો કે પૂંજી બજાર નિયામક સેબીએ તેમની વિરુદ્ધ ભારતીય નિયમોના ભંગનો આરોપ લગાવતા એક નોટિસ આપી હતી. આ ઘટનાક્રમ એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થયો કારણ કે હિંડનબર્ગ રિસર્ચે પહેલીવાર પોતાના રિપોર્ટમાં કોટક બેંકની સ્પષ્ટ રીતે ઓળખ કરી હતી. પરિણામ સ્વરૂપે આ ખુલાસાના કારણે કોટક બેંકના શેરના ભાવમાં ઘટાડો થયો હતો.
હિંડનબર્ગે કહ્યું હતું કે ભારતીય બજાર નિયામક તરફથી 27 જૂન 2024ના રોજ પાઠવવામાં આવેલી નોટિસ બકવાસ છે. તેને એક પૂર્વ નિર્ધારિત હેતુ પાર પાડવા માટે તૈયાર કરાઈ હતી. તેણે કહ્યું કે ભારતમાં સૌથી શક્તિશાળી વ્યક્તિઓ દવારા કરાયેલા ભ્રષ્ટાચાર અને ફ્રોડને ઉજાગર કરનારાઓને ચૂપ કરાવવાનો અને ડરાવવાનો પ્રયત્ન છે.
સેબીની નોટિસમાં મોટો ખુલાસો
સેબીની નોટિસમા ખુલાસો થયો હતો કે કિંગડન કેપિટલે કોટક મહિન્દ્રા ઈન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડમાં મહત્વપૂર્ણ રોકાણ કર્યું છે. એ જાણવા મળ્યું કે કિંગડન કેપિટલે હાલમાં જ આવેલા એક રિપોર્ટથી બજારમાં આવેલી અસ્થિરતાનો ફાયદો ઉઠાવ્યો. ફર્મે રિપોર્ટ સામે આવતા પહેલા અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ (એઈએલ)માં શોર્ટ પોઝિશન સ્થાપિત કરવા માટે $43 મિલિયન ફાળવીને એક રણનીતિક પગલું ભર્યું. ત્યારબાદ કિંગડન કેપિટનલે આ પોઝિશનને સફળતાપૂર્વક બંધ કરી, જેનાથી $22.25 મિલિયનનો લાભ થયો.