લોકોને લાભ મળી શકે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો અનેક યોજનાઓ ચલાવે છે. આજે અમે તમને એક એવી યોજના વિશે જણાવીશું જે તમારા સપના પૂરા કરવામાં મદદ કરી શકે છે. જો તમે સ્ટ્રીટ ફૂડ બિઝનેસ શરૂ કરવા માંગતા હોવ તો આ સમાચાર તમારા માટે કામના છે. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા આ યોજનાનો હેતુ સ્ટ્રીટ વેન્ડર્સને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરવાનો છે. અહીં અમે તમને જણાવીશું કે આખરે આ યોજના કઈ છે અને તેના શું છે ફાયદા. આ માટે કોણ  અરજી કરી શકે અને કઈ રીતે અરજી કરવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે આ યોજના
કેન્દ્ર સરકાર તરફથી 1 જૂન 2020ના રોજ પીએમ સ્વનિધિ યોજના  (Svanidhi Yojana)ની શરૂઆત કરાઈ હતી. જેનો હેતુ કોરોનાકાળમાં રોજગારી ગુમાવનારા રેકડી-લારીવાળાને આત્મનિર્ભર બનાવવા માટે આર્થિક મદદ પહોંચાડવાનો હતો. આ યોજના ભારતના સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ માટે એક મોટી પહેલ છે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાથી તમે તમારો સ્ટ્રીટ ફૂડ બિઝનેસ શરૂ કરી શકો છો અને આત્મનિર્ભર બની શકો છો. 


પીએમ સ્વનિધિ યોજના હેઠળ મળતા ફાયદા
- 10,000 રૂપિયા સુધીની લોન: તમે તમારા સ્ટ્રીટ ફૂડ બિઝનેસને શરૂ કરવા કે વધારવા માટે 1 વર્ષ માટે 10,000 રૂપિયા સુધીની ગેરંટી વગરની લોન મેળવી શકો છો. 
- વ્યાજ સબસિડી: જો તમે સમયસર લોન ચૂકવશો તો તમને 7 ટકા સુધીની વ્યાજ સબસિડી મળશે. 
- કેશબેક: ડિજિટલ ચૂકવણી કરશો તો તમને દર મહિને 1200 રૂપિયા સુધીનું કેશબેક મળશે. 
- સરળ હપ્તા: લોનના હપ્તા 7 ટકાથી ઓછા વ્યાજ દર પર ચૂકવી શકાય છે. 
- અરજીની સરળ રીત: લોન માટે અરજી કરવી પણ સરળ છે અને તમને ઓછામાં ઓછા દસ્તાવેજ જમા કરવાની જરૂર રહેશે. 


કોણ કરી શકે અરજી
આ યોજનાનો લાભ ફક્ત ભારતીય નાગરિકોને મળી શકે છે. તદ ઉપરાંત જો કોઈ વ્યક્તિ ઓછામાં ઓછો 2 વર્ષથી ફૂટપાથ પર વેપાર કરી રહ્યો હોય તો તે પોતાના વેપારને વધારવા માટે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ લોન લઈ શકે છે. એવા લોકો જે પોતાના નવા સ્ટ્રીટ ફૂડ બિઝનેસને શરૂ કરવા માંગતા હોય તો તેમને પણ આ યોજનાનો લાભ મળી શકશે. 


કેટલો લાભ મળી શકે
આ યોજના હેઠળ 50 હજાર રૂપિયા સુધીની  લોન ગેરંટી વગર મળી શકે છે. લોન અપ્રુવ થાય ત્યારે પહેલા 10 હજાર રૂપિયા મળે છે. આ રકમ  ચૂકવી દો ત્યારબાદ 20 હજાર રૂપિયાની લોન  લઈ શકો છો. જો તમે આ લોન પર સમયસર ચૂકવી દો તો ફરીથી તમને 50 હજાર રૂપિયા સુધીની લોન મળી શકે છે. આ લોન પર બેંક કે નોન બેંકિંગ ફાઈનાન્શિયલ કંપની આરબીઆઈની ગાઈડલાઈન પ્રમાણે વ્યાજ લે છે. 


સ્વનિધિ યોજના માટે અરજી કેવી રીતે કરવી
જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો આજે જ અરજી કરી શકો છો. આ માટે તમારે નજીકની બેંક કે માઈક્રોફાઈનાન્સ ઈન્સ્ટીટ્યૂશનનો સંપર્ક કરવો જોઈએ. આ ઉપરાંત તમે યોજનાની અધિકૃત વેબસાઈટ https://pmsvanidhi.mohua.gov.in/ પર જઈને ઓનલાઈન અરજી પણ કરી શકો છો. આ માટે તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઈડી, વ્યવસાયનો પુરાવો અને પાસપોર્ટ સાઈઝનો ફોટો દસ્તાવેજ તરીકે તૈયાર રાખવા પડશે. 


આ યોજના સંલગ્ન વધુ માહિતી માટે તમે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની વેબસાઈટ https://pmsvanidhi.mohua.gov.in કે પછી ટોલ ફ્રી નંબર 1800-208-3736 ની મદદ લઈ શકો છો.