કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, તો આ દસ્તાવેજોનું શું કરવું જોઈએ? ઘણા લોકો આ વિશે જાણતા નથી. અહીં જાણો જેથી કરીને કોઈ વ્યક્તિના મૃત્યુ પછી કોઈ તેના દસ્તાવેજોનો લાભ ન લઈ શકે.
આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સ બધાની પાસે હોય છે. બેન્ક એકાઉન્ટ ખોલાવવાથી લઈને અનેક જગ્યાએ તેની જરૂર પડે છે. આ સિવાય ડોક્યુમેન્ટ તમારા સરનામાનું પણ કામ કરે છે. પરંતુ જો તમારા પરિવારમાં કોઈ વ્યક્તિનું નિધન થાય તો આ ડોક્યુમેન્ટ્સનું શું કરવું જોઈએ. બધા લોકો આ વિશે જાણતા નથી. અહીં જાણી લો જેથી વ્યક્તિના મોત બાદ તેના ડોક્યુમેન્ટ્સનો કોઈ ખોટો ફાયદો ન ઉઠાવી શકે.
ચૂંટણી કાર્ડ
ચૂંટણી કાર્ડ દ્વારા તમે મતદાન કરી શકો છો. પરંતુ કોઈના મૃત્યુ બાદ તમે તેના ચૂંટણી કાર્ડને રદ્દ કરાવી શકો છો. તે માટે તમારે ચૂંટણી કાર્યાલયમાં જઈને ફોર્મ-7 ભરવું પડશે. ત્યારબાદ આ કાર્ડ રદ્દ થઈ જશે. ચૂંટણી કાર્ડ રદ્દ કરાવવા માટે મૃતકના ડેથ સર્ટિફિકેટની જરૂર પડે છે.
આધાર કાર્ડ
આધાર કાર્ડને રદ્દ કરાવવા કે સરેન્ડર કરાવવાની હાલ કોઈ વ્યવસ્થા નથી. પરંતુ તમે તેને લોક કરી શકો છો. આધાર કાર્ડને લોક કરવા માટે સત્તાવાર વેબસાઇટ - www.uidai.gov.in જવું પડશે. અહીં 'My Aadhaar'ને સિલેક્ટ કરો અને પછી 'Aadhaar Services'પર ક્લિક કરો. ત્યારબાદ Lock/Unlock Biometrics પર ક્લિક કરો. અહીં 12 આંકડાનો આધાર નંબર અને નીચે આપેલ કેપ્ચા કોડ દાખલ કરો. આ સાથે Send OTP વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ તમારા નંબર પર ઓટીપી આવશે. તેને દાખલ કરો. ત્યારબાદ તમને બાયોમેટ્રિક ડેટાને લોક/અનલોક કરવાનો વિકલ્પ મળી જશે, જેને તમે પસંદ કરી શકો છો. લોક બટન પર ક્લિક કરતા બાયોમેટ્રિક ડેટા લોક થઈ જશે. આ સિવાય જો તમે કોઈ વ્યક્તિના મૃત્યુ પહેલા આધાર દ્વારા કોઈ યોજના કે સબસિડીનો લાભ લઈ રહ્યાં છો તો સંબંધિત વિભાગને વ્યક્તિના મોતની જાણકારી આપવી જોઈએ. જેથી તે યોજનામાં તેનું નામ દૂર કરી શકાય.
આ પણ વાંચોઃ સોનામાં તોફાની તેજી યથાવત, આજે પણ ભાવમાં તગડો ઉછાળો, લેટેસ્ટ રેટ જાણી ચોંકી જશો
પાન કાર્ડ
આવકવેરો ભરવાની સાથે બેન્ક અને ડીમેટ એકાઉન્ટ ઓપન કરાવવા માટે પાનકાર્ડની જરૂર પડે છે. પરંતુ જો પાન કાર્ડ હોલ્ડરનું નિધન થઈ જાય તો તેના પરિવારજનોએ આ કાર્ડ સરેન્ડર કરી દેવું જોઈએ. તે માટે મૃતકના પરિવારજનોએ આવકવેરા વિભાગનો સંપર્ક કરવો પડશે. સરેન્ડર પહેલા મૃતકના બધા ખાતા કોઈ બીજી વ્યક્તિના નામ પર ટ્રાન્સફર કરી દેવા કે બંધ કરી દેવા જોઈએ.
પાસપોર્ટ
આધાર કાર્ડની જેમ પાસપોર્ટને પણ રદ્દ કરાવવાની કોઈ વ્યવસ્થા નથી. તેની સમય મર્યાદા સમાપ્ત થયા બાદ તે અમાન્ય થઈ જાય છે. તેવામાં તેની સમય મર્યાદા સમાપ્ત થવા સુધી પાસપોર્ટ સાવચીને રાખો.