ICICI બેંકની વધી ગઈ આવક પણ આમ છતાં મળ્યા ખરાબ સમાચાર
નાણાંકીય વર્ષ 2018-19ના પહેલા ત્રિમાસિક તબક્કામાં ICICI બેંકમાં બહુ મોટી ખોટ નોંધાઈ છે
મુંબઈ : નાણાંકીય વર્ષ 2018-19ના પહેલા ત્રિમાસિક તબક્કામાં ખાનગી બેંક ICICIએ 120 કરોડ રૂ.નું નુકસાન નોંધાવ્યું છે. બેંકે ગયા વર્ષે આ સમયગાળામાં 2,049 કરોડ રૂ.નો નફો નોંધાવ્યો હતો. જોકે 30 જૂને સમાપ્ત થયેલા ત્રિમાસિક તબક્કામાં બેંકની વ્યાજની આવક વધીને 6,102 કરોડ રૂ. થઈ ગઈ છે જે વર્ષ 2016-17ના પહેલા ત્રિમાસિક તબક્કામાં 5,590 કરોડ રૂ. હતી.
ICICI બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે કે, 'નાણાંકીય વર્ષ 2018-19ના પહેલા ત્રિમાસિક તબક્કામાં બેંકોનું વ્યાજ માર્જિન 3.19 ટકા હતું જ્યારે નાણાંકીય વર્ષ 2017-18ના પહેલા ત્રિમાસિક તબક્કામાં આ 3.23 ટકા હતું. બેંકોની શુદ્ધ એનપીએ ઘટીને 30 જૂને સમાપ્ત થયેલા ત્રિમાસિક તબક્કામાં 4.19 ટકા હતી જ્યારે 31 માર્ચે સમાપ્ત થયેલા ત્રિમાસિક તબક્કામાં એ 4.77 ટકા હતી.'
બેંક તરફથી જાહેર કરાયેલા નિવેદન પ્રમાણે પ્રવર્તમાન ત્રિમાસિક તબક્કામાં બેંકોની એનપીએ 4,036 કરોડ રૂ. રહી જે છેલ્લા 11 ત્રિમાસિક તબક્કામાં સૌથી ઓછી રહી છે. ભારતીય રિઝર્વ બેંકના દિશા નિર્દેશ પ્રમાણે કાર્યવાહી થઈ છે. આમ, હાલના નાણાંકીય વર્ષના પહેલા ત્રિમાસિક તબક્કામાં બેંકે કુલ 120 કરોડ રૂ.ની ખોટ રજિસ્ટર્ડ કરી છે.